25 જૂનના રોજ (બુધવાર) મિયામીમાં ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ના ગ્રુપ સી મેચમાં બ્રાઝિલે સ્કોટલેન્ડને ૩-૦ થી હરાવ્યું. ઇજાઓ અને લાંબા વિરામ બાદ બ્રાઝિલના સ્ટાર ફૂટબોલર નેમાર જુનિયરે આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર વાપસી કરી છે. પૂરા 981 દિવસ પછી ફરી એકવાર પ્રખ્યાત પીળી જર્સી પહેરીને મેદાન પર ઉતરેલા 34 વર્ષીય નેમાર માટે આ ક્ષણ અત્યંત ભાવનાત્મક રહી હતી. સ્કોટલેન્ડ સામેની વર્લ્ડ કપ મેચમાં મુખ્ય કોચ કાર્લો એન્સેલોટીએ તેને તક આપી હતી. નેમારે બેન્ચ પરથી મેચની શરૂઆત કરી હતી અને 76મી મિનિટે મેથ્યુસ કુન્હાના સ્થાને તે મેદાનમાં પ્રવેશ્યો હતો.
બ્રાઝિલિયન સ્ટાર નેમારની આંખમાં આવ્યા આંસુ
તેના મેદાનમાં આવતા જ આખું સ્ટેડિયમ ચાહકોના જોરદાર તાળીઓના ગડગડાટ અને ઉલ્લાસથી ગુંજી ઉઠ્યું હતું. મર્યાદિત સમય હોવા છતાં નેમારની હાજરીએ આખી મેચને ખાસ બનાવી દીધી હતી. મેચ પૂરી થતાં જ નેમાર પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યો નહીં અને જૂની ઇજાઓ તથા મુશ્કેલ દિવસોને યાદ કરીને તેની આંખો ભરાઈ આવી હતી. જોકે, મેચ બાદ જ્યારે તે પોતાની પત્ની અને પુત્રીને મળ્યો ત્યારે તેના આંસુ ખુશીના સ્મિતમાં બદલાઈ ગયા હતા.












