ફિફા વર્લ્ડ કપ 2026 માં બ્રાઝિલની ફૂટબોલ ટીમે પોતાનું દબદબો જાળવી રાખતા સ્કોટલેન્ડને 3-0 થી કારમી હાર આપી છે. મિયામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં જીત મેળવીને બ્રાઝિલ ગ્રુપ C માં ટોચનું સ્થાન મેળવી ગૌરવભેર નોકઆઉટ રાઉન્ડમાં આગળ વધી ગયું છે. આ મેચમાં તમામ ચાહકોની નજર લાંબા સમય બાદ વાપસી કરી રહેલા સ્ટાર પ્લેયર નેમાર પર હતી, પરંતુ મેદાન પર અસલી હીરો વિનિસિયસ જુનિયર સાબિત થયો, જેણે બે ગોલ કરીને સ્કોટિશ ટીમની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.
એલિયન્સની આગાહી વચ્ચે મેદાન પર થયો બ્રાઝિલનો 'ચમત્કાર'
મેચ શરૂ થતા પહેલા મિયામીમાં એક વિચિત્ર જ્યોતિષીય આગાહી ખૂબ ચર્ચામાં હતી, જેમાં દાવો કરાયો હતો કે મેચ દરમિયાન સ્ટેડિયમમાં એલિયન્સ આવી શકે છે! જોકે, 64,478 ફૂટબોલ પ્રેમીઓથી ખિચોખિચ ભરેલા સ્ટેડિયમમાં એલિયન્સ તો ન આવ્યા, પણ મુખ્ય કોચ કાર્લો એન્સેલોટીની બ્રાઝિલિયન ટીમે મેદાન પર પોતાની રમતનો એવો અસાધારણ ચમત્કાર સર્જ્યો કે આખું સ્ટેડિયમ ઝૂમી ઉઠ્યું.
સ્કોટલેન્ડ વિ. બ્રાઝિલ મેચ, વિનિસિયસ જુનિયરનો દબદબો
સ્કોટલેન્ડના કોચ સ્ટીવ ક્લાર્કે મેચ પહેલા જ બ્રાઝિલના શરૂઆતના આક્રમણ (એટેકિંગ ગેમ) અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જે માત્ર 10 મિનિટમાં જ સાચી સાબિત થઈ. ફર્સ્ટ હાફના અંતિમ સમયમાં બ્રુનો ગુઇમારેસના એક શાનદાર ક્રોસ પાસ પર વિનિસિયસ જુનિયરે અદભુત હેડર મારીને બ્રાઝિલની લીડ 2-0 કરી દીધી. જોકે આ પહેલા વિનિસિયસનો વધુ એક ગોલ VAR (વીડિયો આસિસ્ટન્ટ રેફરી) રિવ્યૂમાં રિજેક્ટ થયો હતો, છતાં સ્કોટલેન્ડ પહેલા હાફમાં ટાર્ગેટ પર એક પણ શોટ મારી શક્યું નહોતું. સેકન્ડ હાફમાં મેથ્યુસ કુન્હાનો ત્રીજો ગોલ અને નેમારનું ઈમોશનલ કમબેક કર્યું. બીજા હાફમાં પણ બ્રાઝિલે રમત પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ જાળવી રાખ્યું હતું. ફરી એકવાર ગુઇમારાઇસે શાનદાર ચાલ રચીને બોલ મેથ્યુસ કુન્હા તરફ પાસ કર્યો. વોલ્વરહેમ્પ્ટન વાન્ડરર્સના આ સ્ટ્રાઇકરે કોઈ ભૂલ કર્યા વિના તકનો લાભ ઉઠાવ્યો અને ટીમ માટે ત્રીજો ગોલ (ટુર્નામેન્ટનો તેનો ત્રીજો ગોલ) ફટકારી સ્કોર 3-0 કરી દીધો.
સ્ટેડિયમમાં નેમારના નામની ગુંજ
મેચની સૌથી ભાવનાત્મક અને યાદગાર ક્ષણ ત્યારે આવી જ્યારે સબસ્ટિટ્યુશન બોર્ડ પર નેમારનો જર્સી નંબર ફ્લેશ થયો. ઓક્ટોબર 2023 માં લાગેલી ગંભીર ઈજા બાદ પહેલીવાર વર્લ્ડ કપના સ્ટેજ પર વાપસી કરી રહેલા બ્રાઝિલના આ લેજન્ડરી ગોલસ્કોરરને આખા સ્ટેડિયમે ઊભા થઈને (Standing Ovation) માન આપ્યું હતું. 34 વર્ષીય નેમારે મેદાન પર આવતાની સાથે જ પોતાની જૂની લય બતાવી અને ટૂંકા સમયમાં કેટલાક શાનદાર શૉટ્સ રમ્યા, જે કોચ કાર્લો એન્સેલોટી માટે નોકઆઉટ રાઉન્ડ પહેલા મોટી રાહત સમાન છે.
ફિફા વર્લ્ડકપમાં ગ્રુપ C નું ફાઇનલ સમીકરણ
બ્રાઝિલની ટીમ આ જીત સાથે કુલ 7 પોઈન્ટ મેળવીને ગ્રુપ C માં પ્રથમ સ્થાને રહી છે. જ્યારે એટલાન્ટામાં રમાયેલી અન્ય એક મેચમાં મોરોક્કોએ હૈતીને 4-2 થી હરાવીને ગ્રુપમાં બીજું સ્થાન મેળવ્યું છે અને રાઉન્ડ ઓફ 32 માં ક્વોલિફાય કર્યું છે. આ હાર સાથે સ્કોટલેન્ડની સફર ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ છે. આ મેચે સાબિત કરી દીધું છે કે બ્રાઝિલ હવે માત્ર નેમાર પર નિર્ભર નથી, પરંતુ વિનિસિયસ જુનિયર (જર્સી નંબર 7) ના રૂપમાં ટીમને એક નવો નેતા અને નવો ધબકારો મળી ગયો છે.
આ પણ વાંચો : FIFA World Cupમાં મોટો ઉલટફેર: સ્વિટ્ઝર્લેન્ડ ગ્રુપ B માં ટોપ પર રહ્યું, કેનેડા પહેલીવાર નોકઆઉટમાં!