ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬માં આર્જેન્ટિનાને હરાવીને સ્પેન બીજી વખત વિશ્વ વિજેતા બન્યું છે. સ્પેનની આ ઐતિહાસિક સફળતાની પાછળ જો કોઈ એક વ્યક્તિનું સૌથી મોટું યોગદાન હોય, તો તે છે ટીમના કેપ્ટન રોડ્રી. એક સાચા લીડરની ઓળખ કપરા સમયમાં થાય છે અને રોડ્રીએ આ ટૂર્નામેન્ટમાં સ્પેનનું નેતૃત્વ એટલી પ્રશંસનીય રીતે કર્યું કે આજે આખી દુનિયા તેમની લીડરશિપના વખાણ કરી રહી છે. સ્પેનને ચેમ્પિયન બનાવવાની સાથે જ રોડ્રીએ ફૂટબોલ જગતનો ૬૦ વર્ષ જૂનો એક મોટો રેકોર્ડ પણ ધ્વસ્ત કરી નાખ્યો છે.

રોડ્રી, કેપ્ટન અને મિડફિલ્ડરની 'બેવડી ભૂમિકા' 

૩૦ વર્ષીય રોડ્રી આ ટીમના માત્ર કેપ્ટન જ નથી, પરંતુ ટીમના મુખ્ય મિડફિલ્ડર પણ છે. ૨૦૨૬ના ફિફા વર્લ્ડ કપ દરમિયાન તેમણે આ બંને ભૂમિકાઓ અદભુત રીતે નિભાવી. એક કેપ્ટન તરીકે તેમણે કોચ સાથે મળીને અભેદ્ય વ્યુહરચનાઓ ઘડી, જ્યારે એક મિડફિલ્ડર તરીકે મેદાન પર રમતની ગતિ અને દિશા એવી રીતે નક્કી કરી કે વિરોધી ટીમો લાચાર બની ગઈ. પરિણામ આજે આખી દુનિયાની સામે છે—રોડ્રીની સેના વિશ્વ વિજેતા બની ચૂકી છે.

તોડ્યો ૬૦ વર્ષ જૂનો વર્લ્ડ કપ રેકોર્ડ, પાસિંગના કિંગ બન્યા

આ વર્લ્ડ કપમાં રોડ્રીએ પોતાની રમતથી ઇતિહાસના પાનાઓ બદલી નાખ્યા છે. તેમણે એક જ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૯૧૦ ટચ કરવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ આ રેકોર્ડ ૧૯૬૬ થી એટલે કે છેલ્લા ૬૦ વર્ષથી અકબંધ હતો. આ પહેલા ૧૯૯૪ના વર્લ્ડ કપમાં બ્રાઝિલના મહાન ખેલાડી ડુંગાએ ૮૮૦ ટચ કર્યા હતા. આ ઉપરાંત, ૨૦૨૬ના ફિફા વર્લ્ડ કપમાં સૌથી સચોટ પાસ (Accurate Passes) આપવાનો ઓલ-ટાઇમ રેકોર્ડ પણ રોડ્રીએ પોતાના નામે કર્યો છે. તેમણે આખી ટુર્નામેન્ટમાં કુલ ૭૫૬ સચોટ પાસ આપ્યા, જે ૧૯૬૬ પછીના ફૂટબોલ ઇતિહાસમાં એક જ વર્લ્ડ કપમાં કોઈ ખેલાડી દ્વારા કરવામાં આવેલા સૌથી વધુ સચોટ પાસ છે.

વારંવાર ઇજાગ્રસ્ત રોડ્રી, છતાં હિમંત ના હાર્યા

આજે ભલે રોડ્રી વિશ્વ વિજેતા કેપ્ટન તરીકે ચમકી રહ્યા હોય, પરંતુ અહીં સુધી પહોંચવાનો તેમનો રસ્તો કાંટોથી ભરેલો હતો. તેમની કરિયર ગંભીર ઈજાઓથી ઘેરાયેલી રહી છે. છેલ્લા બે વર્ષમાં જ તેઓ ૮ વખત મોટી ઈજાઓનો ભોગ બન્યા હતા. ૨૦૨૪ થી ૨૦૨૬ ની વચ્ચે તેમને જંઘામૂળ, ઘૂંટણ, હેમસ્ટ્રિંગ, લિગામેન્ટ અને ગંભીર ફિટનેસ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

ઇજાના કારણે ફૂટબોલથી દૂર રહ્યા

આ ઈજાઓના કારણે રોડ્રીને લાંબા સમય સુધી એટલે કે ૪૧૬ દિવસ સુધી ફૂટબોલથી દૂર રહેવું પડ્યું હતું. ઈજાના જ કારણે તેઓ ૨૦૨૪-૨૦૨૫ની સીઝનમાં ૫૪ મેચ અને ૨૦૨૫-૨૦૨૬ની સીઝનમાં ૨૭ મહત્વની મેચો રમી શક્યા નહોતા. આમ છતાં, તેમણે ક્યારેય હિંમત ન હારી. દરેક મુશ્કેલી બાદ તેમણે વધુ મજબૂતાઈથી વાપસી કરી અને સ્પેનને માત્ર વર્લ્ડ કપ જ ન જીતાડ્યો, પરંતુ પોતાની શાનદાર રમત માટે 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' નો એવોર્ડ પણ જીત્યો.

ઝિદાન અને મેસ્સી જેવા દિગ્ગજોની ક્લબમાં સામેલ

આ વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનતા પહેલા, રોડ્રીએ યુરો ૨૦૨૪માં પણ આ એવોર્ડ જીત્યો હતો. ફ્રાન્સના મહાન ખેલાડી ઝિનેદિન ઝિદાન પછી યુરો કપ અને વર્લ્ડ કપ બંને ઇવેન્ટમાં 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' નો ખિતાબ જીતનાર રોડ્રી વિશ્વના બીજા ફૂટબોલર બન્યા છે. વર્ષ ૨૦૨૪માં તેમને પ્રતિષ્ઠિત 'બેલોન ડી'ઓર' (Ballon d'Or) થી પણ નવાજવામાં આવ્યા હતા. આ સાથે જ તેઓ બેલોન ડી'ઓર, વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ લીગ ત્રણેય ટ્રોફી જીતનાર દુનિયાના માત્ર ૧૧મા ફૂટબોલર બની ગયા છે.

ફાઈનલનો બાદશાહ સ્પેન

2010 માં દક્ષિણ આફ્રિકામાં રમાયેલા વર્લ્ડ કપમાં સ્પેન ફાઈનલમાં પહોંચ્યું હતું. ત્યારે ખેલાડીઓએ ટીમવર્ક તરીકે અદ્ભૂત કામગીરી કરી હતી. સ્પેનના ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના કારણે જ 2010માં નેધરલેન્ડ્સને હરાવીને તેનું પહેલું ટાઇટલ જીત્યું હતું. આ વર્ષ 2026માં પણ સ્પેન ફાઈનલમાં પહોંચ્યું અને ઐતિહાસિક જીત મેળવી. આનો અર્થ એ થયો કે જ્યારે સ્પેન ફાઇનલમાં પહોંચે છે, ત્યારે તે વિજયી બને છે. 


આ પણ વાંચો : FIFA World Cup Final : સટ્ટાબજારમાં આ ટીમ છે ફેવરિટ, 5.5 અબજ ડોલરથી વધુનો ખેલાયો સટ્ટો