ફિફા વર્લ્ડ કપ 2026ની રોમાંચક રાઉન્ડ ઓફ 32 મેચમાં ઇંગ્લેન્ડે શાનદાર વાપસી કરીને ડીઆર કોંગોને 2-1થી હરાવ્યું છે. આ જીત સાથે જ ઇંગ્લેન્ડે આગામી રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો છે, જ્યાં હવે 6 જુલાઈએ મેક્સિકો સિટી સ્ટેડિયમમાં તેનો સામનો યજમાન મેક્સિકો સામે થશે. ડીઆર કોંગો સામે ઇગ્લેન્ડને ભવ્ય જીત અપાવવાનો શ્રેય કેપ્ટન હેરી કેનને આપવામાં આવ્યો. બુધવારે એટલાન્ટા સ્ટેડિયમ ખાતે કેપ્ટન હેરી કેને શાનદાર પ્રદર્શનમાં બે ગોલ કરીને ફિફા વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડની જોરદાર વાપસી કરી. ૧૯૮૬ પછી વર્લ્ડ કપમાં આ પહેલી વાર બન્યું છે જ્યારે ઇંગ્લેન્ડ હાફ-ટાઇમમાં ગોલથી પાછળ રહીને વાપસી કરીને મેચ જીતી અને મુશ્કેલ પરિસ્થિતિને પાર કરીને 'રાઉન્ડ ઓફ ૧૬' સુધી પહોંચી હોય.

એટલાન્ટા સ્ટેડિયમમાં દેખાયો હેરી કેનેનો જાદુ

એટલાન્ટા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ઇંગ્લેન્ડની જીતનો હીરો કેપ્ટન હેરી કેન રહ્યો હતો. ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢતા તેણે બે શાનદાર ગોલ કરીને આખી મેચ પલટી નાખી હતી. 75મી મિનિટે હેરી કેને સબસ્ટિટ્યુટ ખેલાડી એન્થોની ગોર્ડનના પાસ પર શાનદાર હેડર વડે પહેલો ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. અને 86મી મિનિટ પર મેચ પૂરી થવાની થોડી મિનિટો પહેલાં જ કેને નજીકની પોસ્ટ પરથી અદભુત વિજેતા ગોલ ફટકારીને ઇંગ્લેન્ડની 2-1થી જીત સુનિશ્ચિત કરી હતી.

 વર્લ્ડ કપના ઇતિહાસમાં પ્રથમ વાર બની આ ઘટના

૧૯૬૬ના ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન, ઇંગ્લેન્ડ, આફ્રિકન ટીમો સામેની તેમની અગાઉની નવ વર્લ્ડ કપ મેચોમાં ક્યારેય હાર્યું ન હતું. તેમણે એટલાન્ટામાં આ રેકોર્ડ જાળવી રાખ્યો હતો. થોમસ ટુશેલના કોચિંગ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ મેચની શરૂઆતમાં જ દબાણમાં આવી ગઈ હતી. કોંગો તરફથી બ્રાયન સેપેંગાએ 7મી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી દીધી હતી. કોંગોની ટીમ પ્રથમ વખત વર્લ્ડ કપ નોકઆઉટ મેચ રમી રહી હોવા છતાં તેમણે શાનદાર રમત બતાવી હતી. 1986 પછી વર્લ્ડ કપના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ઇંગ્લેન્ડની ટીમ હાફ-ટાઇમ સુધી પાછળ રહ્યા બાદ વાપસી કરીને મેચ જીતવામાં સફળ રહી હોય. આ જીત સાથે ઇંગ્લેન્ડે વર્લ્ડ કપમાં આફ્રિકન ટીમો સામે ક્યારેય ન હારવાનો પોતાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે.

કોંગોના ગોલકીપરનો શાનદાર પ્રદર્શન

જર્મની અને નેધરલેન્ડ્સ જેવી દિગ્ગજ ટીમો વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા બાદ ઇંગ્લેન્ડ પર પણ બહાર થવાનું જોખમ તોળાતું હતું. ઇંગ્લેન્ડે બીજા હાફમાં ગોલ કરવાના અસંખ્ય પ્રયાસો કર્યા હતા, પરંતુ કોંગોના ગોલકીપર લિયોનેલ મ્પાસીએ જુડ બેલિંગહામ અને રાશફોર્ડના શાનદાર શોર્ટ્સને રોકીને પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ કોંગોના યોઆન વિસા પણ બીજો ગોલ ચૂકી ગયા હતા. અંતે, કોચ ટુશેલ દ્વારા વિંગર્સમાં કરવામાં આવેલા ફેરફારો અને હેરી કેનના વિસ્ફોટક પ્રદર્શને ઇંગ્લેન્ડના ચાહકોને સેલિબ્રેશન કરવાની તક આપી દીધી.


આ પણ વાંચો : FIFA World Cup 2026 : રાઉન્ડ ઓફ 32માં મેક્સિકોએ ઇક્વાડોરને 2-0થી હરાવ્યું