આર્જેન્ટિનાના ફિફા વર્લ્ડકપ 2026ના કેપ્ટન લિયોનેલ મેસ્સી સોમવારે ઓસ્ટ્રિયા સામે ગ્રુપ J મેચમાં ફૂટબોલ ઈતિહાસના ઘણા મોટા રેકોર્ડ તોડવાની ખૂબ નજીક છે. આ પહેલા આર્જેન્ટિનાએ અલ્જેરિયા સામે રમાયેલી મેચમાં 3-0 થી શાનદાર વિજય નોંધાવ્યો હતો. 


તે મેચમાં મેસ્સીએ તેના કરિયરની પ્રથમ વર્લ્ડકપ હેટ્રિક ફટકારી હતી અને આર્જેન્ટિના માટે તેની 200મી મેચ પણ પૂર્ણ કરી હતી. હવે 38 વર્ષનો મેસ્સી ઓસ્ટ્રિયા સામેની મેચમાં 3 નવા રેકોર્ડ બનાવવા પર નજર રાખી રહ્યો છે. 

મેસ્સી પાસે વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાની તક છે

લિયોનેલ મેસ્સીએ સતત 5 વર્લ્ડકપ મેચોમાં ગોલ કર્યા છે. જો તે ઓસ્ટ્રિયા સામે ઓછામાં ઓછો 1 ગોલ કરે છે, તો તે સતત 6 વર્લ્ડકપ મેચોમાં ગોલ કરવાના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરશે. હાલમાં આ રેકોર્ડ સંયુક્ત રીતે ફ્રાન્સના જસ્ટ ફોન્ટેન અને બ્રાઝિલના જૈરઝિન્હો પાસે છે. આ મેચમાં મેસ્સી પાસે આ વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરવાની તક હશે.

મેસ્સી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની શકે છે

ઓસ્ટ્રિયા સામે ફક્ત 1 ગોલ કરીને, મેસ્સી ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં સર્વકાલીન ટોપ સ્કોરર બની જશે. તે હાલમાં 16 ગોલ સાથે જર્મન દિગ્ગજ મિરોસ્લાવ ક્લોઝ સાથે રેકોર્ડ શેર કરે છે. વધુમાં જો મેસ્સી પેનલ્ટી બોક્સની બહાર (લાંબા અંતરથી) આ ગોલ કરે છે, તો તે વર્લ્ડકપ ઈતિહાસમાં બોક્સની બહારથી સૌથી વધુ ગોલ કરવાનો નવો રેકોર્ડ પણ બનાવશે. મેસ્સીએ અત્યાર સુધી બોક્સની બહારથી 5 ગોલ કર્યા છે.

મેસ્સીએ 16 વર્લ્ડકપ મેચ જીતી

જો આર્જેન્ટિના ઓસ્ટ્રિયા સામેની આ મેચ જીતી જાય છે, તો તે મેસ્સીની 17મી વર્લ્ડકપ જીત હશે. આ સાથે તે મિરોસ્લાવ ક્લોઝના સૌથી વધુ વર્લ્ડકપ જીતના રેકોર્ડની બરાબરી કરશે. મેસ્સીએ અત્યાર સુધીમાં 16 વર્લ્ડકપ મેચ જીતી છે, જ્યારે મિરોસ્લાવ ક્લોઝ 17 વર્લ્ડકપ મેચ જીતવામાં સફળ રહ્યો છે.

આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા

  • Follow us on: