ફૂટબોલના દિગ્ગજ લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. આર્જેન્ટિનાના કેપ્ટને ફિફા વર્લ્ડકપ 2026માં જોર્ડન સામે અદભુત ફ્રી-કિક ગોલ કરીને એવો રેકોર્ડ બનાવ્યો જે કોઈ અન્ય ફૂટબોલરે ક્યારેય હાંસલ કર્યો નથી. મેસ્સી હવે સતત 7 ફિફા વર્લ્ડકપ મેચમાં ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.
ડલ્લાસમાં રમાયેલી ગ્રુપ J મેચમાં આર્જેન્ટિના પહેલાથી જ આગળના રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ ગયું હતું, તેથી મેસ્સીનો શરૂઆતની ઈલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. તે મેચની 60મી મિનિટે લૌટારો માર્ટિનેઝની જગ્યાએ મેદાનમાં આવ્યો. પછી 80મી મિનિટે આર્જેન્ટિનાને પેનલ્ટી બોક્સની બહાર ફ્રી કિક મળી. મેસ્સીએ પોતાના શાનદાર અંદાજમાં બોલને દિવાલમાંથી પસાર કરીને સીધો ગોલના ખૂણામાં લઈ ગયો.
આ ગોલ સાથે લિયોનેલ મેસ્સીએ સતત 7 વર્લ્ડકપ મેચોમાં ગોલ કરવાનો અનોખો રેકોર્ડ બનાવ્યો. આ પહેલા આ સિદ્ધિ ફ્રાન્સના જસ્ટ ફોન્ટેન અને બ્રાઝિલના દિગ્ગજ જાયરઝિન્હોના નામે હતી, જેણે સતત 6 વર્લ્ડ કપ મેચોમાં ગોલ કર્યા હતા. મેસ્સીએ બંનેને પાછળ છોડી દીધા અને નવો ઈતિહાસ રચ્યો.
લિયોનેલ મેસ્સીનો ગોલ કરવાનો સિલસિલો યથાવત્
લિયોનેલ મેસ્સીનો રેકોર્ડ 2022 ફિફા વર્લ્ડકપના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં શરૂ થયો હતો. ત્યારબાદ તેને ફ્રાન્સ સામે ક્વાર્ટર ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલમાં ગોલ કર્યા હતા. વર્તમાન વર્લ્ડકપમાં તેને અલ્જેરિયા સામે હેટ્રિક સાથે ઝુંબેશની શરૂઆત કરી, પછી ઓસ્ટ્રિયા સામે 2 ગોલ કર્યા, અને હવે જોર્ડન સામે ફ્રી-કિક સાથે તેનો સિલસિલો 7 મેચ સુધી લંબાવ્યો.
આ ગોલ સાથે લિયોનેલ મેસ્સીના હવે ફિફા વર્લ્ડકપમાં કુલ 19 ગોલ થઈ ગયા છે. આ તેના કરિયરનો 72મો ફ્રી-કિક ગોલ અને આર્જેન્ટિના માટે 12મો ફ્રી-કિક ગોલ હતો. મેસ્સીના હવે ઈન્ટરનેશનલ ફૂટબોલમાં 202 મેચમાં 123 ગોલ છે. તે સૌથી વધુ ઈન્ટરનેશનલ ગોલ કરવાના મામલે બીજા નંબરે છે.
આ લિસ્ટમાં પોર્ટુગલનો સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો 145 ગોલ સાથે ટોપ પર છે. તાજેતરમાં મેસ્સી વર્લ્ડકપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો છે. તેને જર્મનીના દિગ્ગજ ફૂટબોલર મિરાસ્લોવ ક્લાગેના 16 ગોલનો રેકોર્ડ તોડ્યો છે.
આર્જેન્ટિના પાસે એક ખાસ રેકોર્ડ છે
મેસ્સીના ઐતિહાસિક ગોલને કારણે આર્જેન્ટિનાએ ગ્રુપ સ્ટેજ શાનદાર રીતે પૂર્ણ કરી અને એક મોટી સિદ્ધિ હાંસલ કરી. આર્જેન્ટિના હવે ફિફા વર્લ્ડકપના ઈતિહાસમાં બ્રાઝિલ અને જર્મની પછી 50 કે તેથી વધુ જીત મેળવનારી ત્રીજી ટીમ બની ગઈ છે.
આ પણ વાંચો: Virat Kohli ક્રિકેટથી દૂર, પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ... સ્ટાર ખેલાડી પુત્ર અકાયને પીઠ પર લઈને જતો મળ્યા જોવા