સાઉથ આફ્રિકાના યુવા ફૂટબોલ ખેલાડી જેડન એડમ્સનું 25 વર્ષની ઉંમરે નિધન થયું છે. સાઉથ આફ્રિકા ફૂટબોલ પ્લેયર્સ યુનિયન (SAFPU) દ્વારા શનિવારે તેમના અવસાનની જાણકારી આપવામાં આવી. જેડન એડમ્સ સાઉથ આફ્રિકાની નેશનલ ટીમ માટે મિડફિલ્ડર તરીકે રમતા હતા અને તાજેતરમાં જ FIFA વર્લ્ડકપ 2026માં ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ફૂટબોલ જગતમાં શોકની લાગણી ફેલાઈ
જેડન એડમ્સના અવસાનના સમાચારથી સમગ્ર ફૂટબોલ જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. SAFPUએ તેમના પરિવાર, મિત્રો અને ફેન્સ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. FIFA વર્લ્ડકપ દરમિયાન પણ જેડન મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હતા.
સાઉથ આફ્રિકા અને ચેક રિપબ્લિક વચ્ચેની મેચના એક દિવસ પહેલાં તેમની દાદીનું અવસાન થયું હતું. તેમ છતાં તેમને હિંમત જાળવી રાખીને ટૂર્નામેન્ટમાં દેશ માટે રમવાનું ચાલુ રાખ્યું હતું.
સાઉથ કોરિયા સામેની મેચમાં તે સબ્સ્ટિટ્યૂટ તરીકે રમ્યો
જેડન એડમ્સે વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકા માટે 3 મેચ રમી હતી. તેમને ચેક રિપબ્લિક અને મેક્સિકો સામેની મેચમાં મેદાન પર ઉતરીને યોગદાન આપ્યું હતું, જ્યારે સાઉથ કોરિયા સામેની મેચમાં તેઓ સબ્સ્ટિટ્યૂટ તરીકે રમ્યા હતા.
હાલમાં તેમના નિધનનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી. સાઉથ આફ્રિકાના રમત મંત્રી ગેટન મેકેન્ઝીએ પણ યુવા ખેલાડીના અચાનક અવસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. FIFA અધ્યક્ષ જિયાની ઈન્ફેન્ટિનોએ પણ જેડન એડમ્સના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
વર્લ્ડકપ પહેલા જેડન એડમ્સે આફ્રિકન ચેમ્પિયન્સ લીગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમને 2025-26 સીઝનમાં મામેલોડી સનડાઉન્સને ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેડન એડમ્સે વર્ષ 2024માં સાઉથ આફ્રિકાની સિનિયર ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું અને દેશ માટે કુલ 9 મેચ રમી હતી. તેમની અસમયે વિદાયથી સાઉથ આફ્રિકાના ફૂટબોલને મોટો આઘાત લાગ્યો છે.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?