ભારત અને પનામા વચ્ચેની ફિફા ફ્રેન્ડલી મેચ 1-1થી ડ્રો રહી, પરંતુ ભારતના ગોલ પાછળની એક ખાસ ચાલે સૌનું ધ્યાન ખેંચ્યું છે. ભારતે પનામા સામે ગોલ કરવા માટે કોઈ જટિલ વ્યૂહ અપનાવ્યો નહોતો. એક જૂની અને સરળ ‘ઓલ્ડ સ્કૂલ’ ચાલનો ઉપયોગ કરવામાં આવ્યો, જેની શરૂઆત થ્રો-ઇનથી થઈ અને અંત રેયાન વિલિયમ્સના શાનદાર ફિનિશ સાથે થયો.

થ્રો-ઇનથી શરૂ થયો આખો મૂવ

41મી મિનિટે ભારતને ડાબી બાજુ થ્રો-ઇન મળ્યો. આકાશ મિશ્રાએ બોલ અંદર નાખ્યો અને બોલ બિજોય વર્ગીસ સુધી પહોંચ્યો. વર્ગીસે તરત જ બોલ ફરી આકાશ મિશ્રાને આપ્યો. ત્યારબાદ મિશ્રાએ પનામાની ડિફેન્સની પાછળ જગ્યા જોઈ અને ડાબી બાજુથી લગભગ 25 યાર્ડનો લાંબો પાસ આગળ મોકલ્યો. આ પાસ સીધો રેયાન વિલિયમ્સની દોડ તરફ હતો.

આકાશે જમણા પગથી આપી કમાલની બોલ

આ મૂવમાં સૌથી ખાસ વાત એ હતી કે ડાબા પગથી રમતા આકાશ મિશ્રાએ આ વખતે જમણા પગથી લાંબો પાસ આપ્યો. પાસ એટલો સચોટ હતો કે પનામાના ડિફેન્ડરો વચ્ચે રહેલી જગ્યા રેયાન વિલિયમ્સે તરત પકડી લીધી. વિલિયમ્સ પનામાની ડિફેન્સ પાછળથી દોડ્યો અને ગોલકીપર માર્કોસ રેયેસ સામે આવી ગયો. તેણે ગોલકીપરને હરાવીને બોલને નીચેના ખૂણામાં મોકલી દીધો અને ભારતને 1-0ની લીડ અપાવી.

ટ્રેનિંગમાં તૈયાર કરી હતી આ ચાલ

આ ગોલને માત્ર અચાનક મળેલી તક કહી શકાય નહીં. ભારતના કેમ્પમાં આવી થ્રો-ઇન આધારિત ચાલ પર કામ કરવામાં આવ્યું હતું. પનામા સામે યોગ્ય સમયે તેનો ઉપયોગ થયો અને ભારતને તેનો ફાયદો મળ્યો. આ પ્રકારની ચાલને ફૂટબોલમાં ‘ઓલ્ડ સ્કૂલ’ મૂવ કહી શકાય. તેમાં થ્રો-ઇન બાદ તરત બોલ પાછો મેળવીને ડિફેન્સની પાછળ લાંબો પાસ મોકલવાનો પ્લાન હોય છે. આ વખતે બિજોય વર્ગીસના એક સરળ પાસથી મિશ્રાને જગ્યા મળી અને ત્યાંથી રેયાન સુધી બોલ પહોંચ્યો.

https://x.com/sportsapna1/status/2103498518300422495?s=20

રેયાનનું ભારત માટે સતત સારૂ ફોર્મ

રેયાન વિલિયમ્સ માટે પણ આ ગોલ મહત્વનો હતો. ભારત માટે તે સતત સારો દેખાવ કરી રહ્યો છે. 2026ની એશિયન કપ ક્વોલિફાયર મેચમાં હોંગકોંગ સામે પણ તેણે ભારત માટે ગોલ કર્યો હતો. હવે પનામા સામે ફરી ગોલ કરીને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની અસર બતાવી છે. પનામા સામેનો ગોલ રેયાન માટે ભારતની સિનિયર ટીમ તરફથી વધુ એક મહત્વપૂર્ણ ક્ષણ બની રહ્યો છે.

પનામાએ બીજા હાફમાં બરાબરી કરી

ભારતની 1-0ની લીડ બીજા હાફમાં 68મી મિનિટ સુધી રહી. ત્યારબાદ પનામાના ઓમર વેલેન્સિયાએ લગભગ 25 યાર્ડ દૂરથી શાનદાર શોટ ફટકારીને સ્કોર 1-1 કરી દીધો. ત્યારબાદ ભારત પાસે ફરી લીડ લેવાની તકો આવી હતી. ખાસ કરીને અંતિમ તબક્કામાં એડમન્ડ લાલરિન્દિકા અને મનવીર સિંહ પાસે ગોલની તક હતી, પરંતુ ભારત તેનો ફાયદો ઉઠાવી શક્યું નહીં. અંતે મેચ 1-1થી ડ્રો રહી.

વર્લ્ડ કપ ટીમ સામે ભારતનો સારો મુકાબલો

પનામા 2026 ફિફા વર્લ્ડ કપમાં રમી ચૂકેલી ટીમ છે અને મેચ પહેલાં તેની ફિફા રેન્કિંગ ભારત કરતાં 94 સ્થાન ઉપર હતી. આ સ્થિતિમાં ભારતે માત્ર ગોલ જ કર્યો નહીં, પરંતુ લાંબા સમય સુધી પનામાને મુશ્કેલીમાં રાખ્યું. હવે ભારતીય ટીમની નજર આગામી મોટી મેચો પર છે. ભારત 3 ઓક્ટોબરે કોલકાતામાં પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન બ્રાઝિલ સામે અને 6 ઓક્ટોબરે ઉરુગ્વે સામે ફ્રેન્ડલી રમશે.

આ પણ વાંચો: Asian games 2026: એક પોઈન્ટથી ચૂકી ગઈ ફાઈનલ, જોશના-વેલાવને સ્ક્વોશમાં જીત્યો બ્રોન્ઝ