ફૂટબોલમાં ઘણી વખત યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભાથી દુનિયાનું ધ્યાન ખેંચે છે. જર્મનીનો 17 વર્ષીય વેલ મોહ્યા પણ આવું જ એક નામ છે. બોરુસિયા મોન્સેન્ગ્લાડબાખ માટે રમતા આ મિડફિલ્ડરે પોતાની રમતથી અનેક રેકોર્ડ બનાવ્યા છે. બેયર્ન મ્યુનિક સામે ગોલ કરીને તેણે ક્લબના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ગોલસ્કોરર બનવાની સિદ્ધિ મેળવી હતી. હવે જર્મનીના મુખ્ય કોચ યૂર્ગેન ક્લોપે તેને સિનિયર રાષ્ટ્રીય ટીમમાં પણ સ્થાન આપ્યું છે.
કોણ છે વેલ મોહ્યા?
વેલ મોહ્યાનો જન્મ 31 ડિસેમ્બર 2008ના રોજ જર્મનીમાં થયો હતો. તે હાલમાં 17 વર્ષનો છે અને બોરુસિયા મોન્સેન્ગ્લાડબાખ તરફથી મિડફિલ્ડર તરીકે રમે છે. તેના માતા-પિતા મારફતે તેને મોરોક્કો તરફથી રમવાની પણ પાત્રતા છે, પરંતુ અત્યાર સુધી તે જર્મનીની યુવા ટીમોનું પ્રતિનિધિત્વ કરતો આવ્યો છે. મોહ્યા માત્ર આઠ વર્ષની ઉંમરે મોન્સેન્ગ્લાડબાખની યુવા એકેડમીમાં જોડાયો હતો. 2023-24ની સિઝનમાં તેણે ક્લબની અંડર-17 ટીમમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અંડર-19 ટીમમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. 2024-25ની સિઝનમાં અંડર-17 ટીમ તરફથી 17 મેચમાં છ ગોલ કરીને તેણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. તે સિઝનમાં તેની ટીમ જર્મન ચેમ્પિયન પણ બની હતી.
https://x.com/almanydnfutbol/status/2119859871587664341?a=D9y51tv7L_IwyUpN3ok&s=20
બેયર્ન સામે ગોલ કરીને રચ્યો રેકોર્ડ
મોહ્યાએ ઓક્ટોબર 2025માં કાર્લ્સરુહે સામે ડીએફબી કપની મેચમાં મોન્સેન્ગ્લાડબાખની સિનિયર ટીમ તરફથી પ્રથમ વખત મેદાનમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે તે ક્લબના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર 2025માં વુલ્ફ્સબર્ગ સામેની મેચમાં તેણે બુન્ડેસલિગામાં પદાર્પણ કર્યું હતું. જોકે, તેની સૌથી યાદગાર ક્ષણ માર્ચ 2026માં આવી હતી. બેયર્ન મ્યુનિક સામેની મેચમાં 84મી મિનિટે મેદાનમાં ઉતરેલા મોહ્યાએ 89મી મિનિટે ગોલ કર્યો હતો. તે સમયે તેની ઉંમર 17 વર્ષ અને 66 દિવસ હતી. આ ગોલ સાથે તે મોન્સેન્ગ્લાડબાખનો સૌથી નાની ઉંમરનો ગોલસ્કોરર બન્યો હતો. સાથે જ તે બુન્ડેસલિગાના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ગોલ કરનારા ત્રીજા ખેલાડી તરીકે નોંધાયો હતો.
ફ્લોરિયન વિર્ટ્ઝ સાથે થાય છે સરખામણી
મોહ્યાની રમતની સરખામણી જર્મનીના સ્ટાર ખેલાડી ફ્લોરિયન વિર્ટ્ઝ સાથે કરવામાં આવે છે. બંને ખેલાડીઓ મિડફિલ્ડમાં સર્જનાત્મક રમત માટે જાણીતા છે. મોહ્યાને બોલ સાથે નાની જગ્યામાંથી બહાર નીકળવું અને સાથી ખેલાડીઓ સાથે ઝડપથી પાસની આપ-લે કરવી પસંદ છે. 2026-27ની સિઝનમાં પણ તેણે પોતાની પ્રતિભા બતાવી છે. હોફેનહાઇમ અને સ્ટુટગાર્ટ સામે સતત બે મેચમાં ગોલ કરીને તે બુન્ડેસલિગામાં સતત બે મેચમાં ગોલ કરનારો ચોથો સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો હતો.
યૂર્ગેન ક્લોપે જર્મનીની સિનિયર ટીમમાં આપી તક
મોહ્યાના પ્રદર્શનથી પ્રભાવિત થઈને જર્મનીના મુખ્ય કોચ યૂર્ગેન ક્લોપે તેને સિનિયર ટીમમાં સામેલ કર્યો છે. નવેમ્બર 2026માં સર્બિયા અને નેધરલેન્ડ્સ સામેની નેશન્સ લીગની મેચો માટે તેને ટીમમાં સ્થાન મળ્યું છે. ક્લોપે મોહ્યાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે 17 વર્ષની ઉંમરે બુન્ડેસલિગામાં રમવું જ મોટી સિદ્ધિ છે, પરંતુ તે માત્ર રમતો જ નથી, સારું પ્રદર્શન પણ કરી રહ્યો છે.
મોહ્યાનો મોટો ભાઈ રેયાન પણ ફૂટબોલર છે. તે જર્મનીની ચોથી શ્રેણીમાં રમે છે. બંને ભાઈઓને તેમના માતા-પિતાના કારણે મોરોક્કો તરફથી રમવાની પણ તક મળી શકે છે. જોકે, વેલ મોહ્યાએ અત્યાર સુધી જર્મનીનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ કર્યું છે.
આ પણ વાંચો: IND VS PAK: ક્રિકેટ જ નહીં, ફૂટબોલમાં પણ પાકિસ્તાનની હાલત ખરાબ! ભારતે 30માંથી 17 મેચ જીતી