આફ્રિકન રાષ્ટ્ર કોંગોમાં ઈબોલા વાયરસ ફાટી નીકળવાના કારણે 2026માં યોજાનારી ફિફા વર્લ્ડકપની તૈયારીઓ પર નોંધપાત્ર અસર પડી છે. યુનાઈટેડ સ્ટેટ્સે કોંગોની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ પર કડક હેલ્થ પ્રોટોકોલ લાદ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ વર્લ્ડકપ માટે વ્હાઈટ હાઉસ ટાસ્ક ફોર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એન્ડ્રુ ગિયુલિયાનીએ શુક્રવારે જણાવ્યું હતું કે "કોંગો ટીમને યુએસ આવતા પહેલા 21 દિવસ માટે બેલ્જિયમમાં નિયંત્રિત 'આઈસોલેશન બબલ'માં રહેવું પડશે. અમે કોંગોને સ્પષ્ટ કરી દીધું છે કે 11 જૂને હ્યુસ્ટન આવી શકે તે પહેલાં તેઓએ 21 દિવસ સુધી તેમના બબલની અખંડિતતા જાળવી રાખવી પડશે."

તેમને વધુમાં કહ્યું કે "જો આ બબલના નિયમો તોડવામાં આવશે, તો તેમને યુએસ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. અમે કોંગો સરકારને આ વાત ખૂબ જ સ્પષ્ટ કરી દીધી છે."

જાણો કેમ લીધો મોટો નિર્ણય

કોંગોમાં ઈબોલાના દુર્લભ "બુંદીબુગ્યો" સ્ટ્રેનના ફાટી નીકળ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં 130 થી વધુ લોકો મૃત્યુ થયા છે, જ્યારે લગભગ 600 શંકાસ્પદ કેસ નોંધાયા છે.

ગિયુલિયાનીએ કહ્યું કે અમેરિકા વર્લ્ડ કપ દરમિયાન કોઈ પણ સ્વાસ્થ્ય જોખમ લેવા માગતું નથી. તેમને કહ્યું કે "અમે ખાતરી કરવા માગીએ છીએ કે કોઈ ખતરો આપણી સરહદો સુધી ન પહોંચે."

કોંગોને ફિફા વર્લ્ડકપ 2026 માટે ગ્રુપ K માં ડ્રો કરવામાં આવ્યો છે . ટીમ 17 જૂને હ્યુસ્ટનમાં પોર્ટુગલ સામે પોતાની પહેલી મેચ રમશે. ત્યારબાદ તેઓ 23 જૂને મેક્સિકોના ગુઆડાલજારામાં કોલંબિયા અને 27 જૂને એટલાન્ટામાં ઉઝબેકિસ્તાન સામે ટકરાશે.

બેલ્જિયમમાં તૈયારીઓ શરૂ કરી

ઈબોલા કટોકટીને કારણે કોંગોએ પહેલાથી જ તેની તૈયારીઓ દેશની બહાર ખસેડી દીધી હતી. ટીમે કિન્શાસામાં આયોજિત ટ્રેનિંગ કેમ્પ રદ્દ કરી અને બેલ્જિયમમાં તૈયારીઓ શરૂ કરી, જ્યાં 3 જૂને લીજમાં ડેનમાર્ક સામે મૈત્રીપૂર્ણ મેચ રમાશે. 9 જૂને સ્પેનમાં ચિલી સામે પ્રેક્ટિસ મેચ પણ યોજાવાની છે.

કોંગો ટીમના મોટાભાગના ખેલાડીઓ યુરોપમાં રમે છે. ટીમમાં એરોન વાન-બિસાકા અને યોએન વિસાનો સમાવેશ થાય છે, જેઓ ઈંગ્લિશ પ્રીમિયર લીગમાં રમે છે, જ્યારે કેપ્ટન ચાન્સેલ મ્બેમ્બા ફ્રેન્ચ ક્લબ લિલી માટે રમે છે. ફ્રેન્ચ કોચ સેબેસ્ટિયન દેસાબ્રે પણ ટીમ સાથે છે, અને કડક પ્રતિબંધો વચ્ચે તૈયારીઓ ચાલુ છે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?