આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ફૂટબોલ ટીમ (પુરૂષ રેન્કિંગ 136, મહિલા રેન્કિંગ 69) ભલે મેદાન પર સંઘર્ષ કરતી જોવા મળી રહી હોય, પરંતુ વ્યાવસાયિક અને દર્શકોની સંખ્યાના મામલે ભારત 'ગ્લોબલ ફૂટબોલ' માટે એક ઘણું મોટું અને પ્રભાવશાળી બજાર બનીને ઉભર્યું છે. યુરોપિયન લીગ અને ફીફા (FIFA) વર્લ્ડ કપ પ્રત્યે દેશના યુવાનોમાં વધતા ક્રેઝે દુનિયાની સૌથી મોટી ફૂટબોલ સંસ્થાને ભારત તરફ આકર્ષિત થવા મજબૂર કરી છે.
74.5 કરોડ દર્શકોનો રેકોર્ડ: ચીન પછી ભારતનો જલવો
આંકડા સાક્ષી પૂરે છે કે, ભારતમાં ફૂટબોલની લોકપ્રિયતાનો ગ્રાફ ઝડપથી ઉપર જઈ રહ્યો છે. કતારમાં રમાયેલા 2022 ફીફા વર્લ્ડ કપ દરમિયાન ભારતમાં તમામ પ્લેટફોર્મ (ટીવી અને ડિજિટલ) મળીને રેકોર્ડ 74.5 કરોડ લોકોએ મેચોની મજા માણી હતી. વૈશ્વિક સ્તરે દર્શકોની આ ભાગીદારીના મામલામાં ભારત માત્ર ચીનથી પાછળ રહ્યું હતું. એટલું જ નહીં, ફક્ત ટીવી પર વર્લ્ડ કપ જોનારાઓની યાદીમાં પણ ભારત દુનિયાના ટોપ 10 દેશોમાં (આશરે 8.4 કરોડ દર્શકો) સામેલ છે.
કોલકાતાથી બેંગલુરુ સુધી દીવાનગી, મેટ્રો શહેરોમાં GenZ નો ક્રેઝ
ભારતમાં ફૂટબોલનો પરંપરાગત ક્રેઝ કોલકાતા, કોચ્ચિ, ગોવા અને બેંગલુરુ જેવા શહેરોમાં પહેલાથી જ ચરમસીમાએ છે. પરંતુ હવે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે; દેશના મોટા મેટ્રો શહેરોમાં 'જેન-ઝી' (GenZ) એટલે કે યુવા દર્શકો વૈશ્વિક સ્ટાર્સ અને ઇંગ્લિશ પ્રીમિયર લીગ (EPL) જેવી મોટી ક્લબોને ઝડપથી ફોલો કરી રહ્યા છે. જોકે, આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો ભારતમાં ફૂટબોલ સ્ટ્રીમિંગની કિંમત હજુ બહુ વધારે નથી, અને ભારે લોકપ્રિયતા છતાં EPL જેવી મોટી લીગ પણ ભારતમાંથી હાલમાં 1500 કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરી શકે છે.
બ્રોડકાસ્ટિંગ રાઇટ્સનું ગણિત: દુરદર્શન પાછળ હટ્યું, FIFA ને 965 કરોડની આશા
ભારતીય બજારમાંથી મોટી કમાણીની આશા રાખતા ફીફા સામે આ વખતે કેટલાક નવા પડકારો પણ છે. દેશના પબ્લિક બ્રોડકાસ્ટર પ્રસાર ભારતીએ દૂરદર્શન પર આગામી મેચોના પ્રસારણ અંગે પહેલાથી જ હાથ અદ્ધર કરી લીધા છે. અગાઉના સાયકલમાં જિયોસિનેમા (JioCinema) એ પોતાના ડિજિટલ પ્લેટફોર્મ પર ફીફા વર્લ્ડ કપના સ્ટ્રીમિંગ માટે લગભગ 60 મિલિયન ડોલર (આશરે 500 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા હતા. આ વખતે ફીફાને ભારતીય બજારમાંથી આશરે 100 મિલિયન ડોલર (લગભગ 965 કરોડ રૂપિયા) ની કમાણી થવાની આશા છે.
બજારને જોઈને વ્યાપારી વ્યૂહરચનામાં ફેરફાર
ભારતીય અને એશિયન બજારની જટિલતાઓને જોતા ફીફાએ પોતાની કમર્શિયલ વ્યૂહરચનામાં થોડું લવચીક વલણ અપનાવ્યું છે. ઉદાહરણ તરીકે, ચીને પોતાના 2026 વર્લ્ડ કપના રાઇટ્સ માટે અગાઉના સાયકલની સરખામણીએ લગભગ 80 ટકાની ભારે છૂટછાટ (ડિસ્કાઉન્ટ) મેળવી છે. આ સંજોગોમાં એ જોવું રસપ્રદ રહેશે કે, ભારતીય ડિજિટલ અને સેટેલાઇટ બ્રોડકાસ્ટર્સને આકર્ષવા માટે ફીફા આગામી દિવસોમાં કેવા પ્રકારની ઓફર રજૂ કરે છે.
આ પણ વાંચો - FIFA વર્લ્ડકપ પર ઈબોલા વાયરસનો ખતરો! આઈસોલેશનમાં ગઈ કોંગોની ટીમ