ફૂટબોલની દુનિયામાં નામ, પૈસા અને સફળતા હોવા છતાં વ્યક્તિ અંદરથી કેટલો સંઘર્ષ કરી શકે છે તેનું ઉદાહરણ ઇંગ્લેન્ડના પૂર્વ સ્ટાર ફૂટબોલર વેઇન રૂનીએ આપ્યું છે. રૂનીએ ખુલાસો કર્યો છે કે માન્ચેસ્ટર યુનાઇટેડ માટે રમતી વખતે તેમની કારકિર્દી શિખર પર હતી, ત્યારે જ તેઓ માનસિક રીતે ખૂબ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા. એક સમય એવો આવ્યો હતો જ્યારે તેમના મનમાં આત્મહત્યાના વિચારો પણ આવતા હતા. 

બે દિવસ સુધી ઘરમાં બંધ રહીને દારૂ પીતા હતા

રૂનીએ આ ખુલાસો ગેબી લોગનના પોડકાસ્ટ ‘લાઇફ એટ ધ મિડપોઇન્ટ’માં કર્યો હતો. તેમણે જણાવ્યું કે તે સમયે તેઓ ઘરે બે દિવસ સુધી પોતાની જાતને બંધ કરી દેતા હતા અને સતત દારૂ પીતા હતા. આ બધું તેમની ફૂટબોલ કારકિર્દીના શ્રેષ્ઠ સમયગાળામાં બની રહ્યું હતું. રૂનીએ કહ્યું કે તેઓ લોકોને મળવાનું ટાળવા લાગ્યા હતા. રસ્તા પર કોઈને મળવું કે દુકાનમાં જવું પણ તેમને ગમતું નહોતું. ફૂટબોલના મેદાન પર તેઓ આરામદાયક અનુભવતા હતા, પરંતુ મેદાનની બહાર સામાન્ય જીવન જીવવામાં મુશ્કેલી પડતી હતી. 

દીકરા સામે પોતાની સ્થિતિ છુપાવતા હતા

રૂનીએ જણાવ્યું કે તે સમયે તેમના લગ્નને થોડો જ સમય થયો હતો અને તેઓ પહેલીવાર પિતા પણ બન્યા હતા. તેમના મોટા દીકરા કાઈનો જન્મ થયો હતો. બહારથી જોતા જીવનમાં ખુશી હોવી જોઈએ, પરંતુ વાસ્તવિકતા તેનાથી તદ્દન અલગ હતી. તેમણે કહ્યું કે તેઓ નહોતા ઇચ્છતા કે તેમનો દીકરો તેમને આવી સ્થિતિમાં જુએ. તેથી તેઓ તેનાથી પણ દૂર રહેતા હતા. રૂનીએ સ્વીકાર્યું કે તેમને સમજાતું હતું કે તેઓ મુશ્કેલીમાં છે, પરંતુ પોતાની સ્થિતિ સ્વીકારવી તેમના માટે સરળ નહોતું. તેમના મતે, પુરુષે નબળાઈ બતાવવી ન જોઈએ એવી માનસિકતાને કારણે તેઓ પોતાની સમસ્યાઓ છુપાવતા રહ્યા. તેમને લાગતું હતું કે મદદ માગવાથી લોકો તેમને નબળા માણસ માનશે. 

પત્ની કોલિનનો મળ્યો સાથ, થેરાપી પણ લીધી

રૂનીએ જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં તેમની પત્ની કોલિનની મોટી ભૂમિકા રહી હતી. તેમણે પોતાની માતા અને પત્ની સાથે વાત કરી હતી અને બાદમાં થેરાપિસ્ટની મદદ પણ લીધી હતી. રૂનીએ પત્ની વિશે કહ્યું હતું કે કોલિન ઇચ્છતી તો તેમને છોડીને જઈ શકતી હતી, પરંતુ તેણે તેમનો સાથ આપ્યો અને આ મુશ્કેલ સમયમાંથી બહાર આવવામાં મદદ કરી. રૂનીએ સ્વીકાર્યું કે તેમની માનસિક સ્થિતિને કારણે લગ્નજીવન પણ મુશ્કેલીમાં મુકાયું હતું. તેમણે થેરાપિસ્ટ સાથે વાત કરીને પોતાની અંદર શું ચાલી રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કર્યો હતો. 

માન્ચેસ્ટર યુનાઇટેડ માટે 253 ગોલ કર્યા

વેઇન રૂની ઇંગ્લેન્ડના સૌથી જાણીતા ફૂટબોલરોમાંના એક છે. તેઓ માન્ચેસ્ટર યુનાઇટેડના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનારા ખેલાડી છે. ક્લબ માટે તેમણે 559 મેચમાં 253 ગોલ કર્યા હતા. તેઓ 2021માં ખેલાડી તરીકે નિવૃત્ત થયા હતા.

રૂનીની આ વાત એ પણ દર્શાવે છે કે રમતના મેદાન પર સફળ દેખાતી વ્યક્તિ પણ અંગત જીવનમાં ગંભીર માનસિક સંઘર્ષમાંથી પસાર થઈ શકે છે. માનસિક તકલીફ અંગે વાત કરવી અને જરૂર પડે ત્યારે નિષ્ણાતની મદદ લેવી કેટલી જરૂરી છે, તે તેમના ખુલાસાથી ફરી ચર્ચામાં આવ્યું છે.

આ પણ વાંચો: IOA Election: ‘આવા સમાચાર દુઃખ પહોંચાડે છે...’ IOA ચૂંટણી વિવાદ પર સાઇના નેહવાલનું નિવેદન