ભારતની ઓલિમ્પિક મેડલ વિજેતા બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA)ની ચૂંટણી સાથે જોડાયેલા વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે કહ્યું કે ચૂંટણીને લઈને આવા સમાચાર સામે આવે ત્યારે દુઃખ થાય છે. જોકે, હવે નકારાત્મક બાબતોમાં અટવાવાને બદલે દેશની રમતગમત વ્યવસ્થાને મજબૂત બનાવવા પર ધ્યાન આપવું જોઈએ. સાઇનાએ પી.ટી. ઉષાના છેલ્લાં ચાર વર્ષના યોગદાનની પણ પ્રશંસા કરી હતી.
‘આવા સમાચાર આવે ત્યારે દુઃખ થાય છે’
સાઇના નેહવાલે મંગળવારે ફિક્કી (FICCI)ના એક કાર્યક્રમ દરમિયાન IOAની ચૂંટણીના વિવાદ અંગે વાત કરી હતી. તેણે કહ્યું કે પી.ટી. ઉષાએ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન ખેલાડીઓની જરૂરિયાત વખતે અનેક મોટી સ્પર્ધાઓમાં હાજરી આપી હતી. સાઇનાએ કહ્યું, “છેલ્લાં ચાર વર્ષમાં ઉષા મેડમ જે રીતે કામ કરી રહ્યાં હતાં, તે જોતા તેઓ ઘણી મોટી સ્પર્ધાઓમાં અમારી સાથે રહ્યાં હતાં. વિવાદની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે દુઃખ થાય છે. એક ખેલાડી તરીકે હું હંમેશાં ખેલાડીઓનું સમર્થન કરીશ, કારણ કે અમે દરેક રમતને વધુ સારી કેવી રીતે બનાવી શકાય તે વિશે વિચારીએ છીએ.” તેણે વધુમાં કહ્યું કે નકારાત્મક બાબતોની ચર્ચા કરવાને બદલે ભવિષ્યમાં બધું સારું થાય અને રમતગમતનો વિકાસ થાય તે દિશામાં વિચારવું જોઈએ.
IOAની ચૂંટણીમાં શું વિવાદ થયો?
ભારતીય ઓલિમ્પિક સંઘમાં ખેલાડીઓના પ્રતિનિધિત્વ માટે આ મહિને સ્પોર્ટ્સપર્સન ઓફ આઉટસ્ટેન્ડિંગ મેરિટ (SOM)ની ચૂંટણી યોજાઈ હતી. તેમાં મહિલા વર્ગની ચાર બેઠકો માટે છ ઉમેદવારો મેદાનમાં હતા. 9 નવેમ્બરે થયેલા મતદાનમાં અંજુ બોબી જ્યોર્જને 53, રાની રામપાલને 50, ડોલા બેનર્જીને 45 અને સાઇના નેહવાલને 43 મત મળ્યા હતા. IOAનાં પ્રમુખ પી.ટી. ઉષા 40 મત સાથે પાંચમા સ્થાને રહ્યાં હતાં અને ચાર બેઠકોમાંથી એક પણ મેળવી શક્યાં નહોતાં. આ પરિણામ બાદ ચૂંટણી પ્રક્રિયા અંગે વિવાદ શરૂ થયો હતો.
પી.ટી. ઉષાએ ચૂંટણી અધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી કે પૂર્વ તીરંદાજ ડોલા બેનર્જીના નામે વોટ માગતો વોટ્સએપ સંદેશ ફેલાવવામાં આવ્યો હતો. તેમાં ચોક્કસ ઉમેદવારોને મત આપવા અપીલ કરવામાં આવી હોવાનો આરોપ હતો. બીજી તરફ, વેઇટલિફ્ટર સતીશ શિવલિંગમે પણ મતદારોને પ્રભાવિત કરવાના સંગઠિત પ્રયાસ અને IOAનાં સંસાધનોના ઉપયોગ અંગે ફરિયાદ કરી હતી. આ તમામ બાબતો આરોપો છે, જેની તપાસ અને નિર્ણય સંબંધિત સત્તાધિકારીઓના હાથમાં છે.
‘ભારતને રમતગમતનું રાષ્ટ્ર બનાવવા સાથે મળીને કામ કરીએ’
સાઇના નેહવાલે SOM તરીકે ચૂંટાવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે ખેલાડી તરીકે તે હંમેશાં ભારતમાં રમતગમતનો વિકાસ થાય અને વધુ ખેલાડીઓ તૈયાર થાય તેવું ઇચ્છતી રહી છે. હવે આ જવાબદારી દ્વારા રમતગમતની વ્યવસ્થામાં સુધારો લાવવામાં યોગદાન આપવાની આશા છે. સાઇનાએ કહ્યું કે કોણ કયા પદ પર આવશે તેની ચર્ચા કરવાને બદલે સૌએ સાથે મળીને ભારતને રમતગમતનું રાષ્ટ્ર બનાવવા માટે કામ કરવું જોઈએ. દેશમાં વધુ ખેલાડીઓ તૈયાર થાય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં વધુ મેડલ મળે તે જરૂરી છે.
આ પણ વાંચો: National Sports Board: ભારતીય રમતગમતમાં હવે નવા બોર્ડનો દબદબો! માન્યતા આપવા અને રદ કરવાની સત્તા