ભારતમાં રમતગમતના વહીવટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલા નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ (NSB)એ હવે કામકાજ શરૂ કરી દીધું છે. નિવૃત્ત IAS અધિકારી દેવેશ ચતુર્વેદીએ સોમવારે, 16 નવેમ્બરે બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમની સાથે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS)ના પૂર્વ CEO કમોડોર (નિવૃત્ત) પુષ્પેન્દ્ર કુમાર ગર્ગે પણ સભ્ય તરીકે જવાબદારી સંભાળી છે. આ બોર્ડ દેશનાં રાષ્ટ્રીય રમતગમત ફેડરેશન પર દેખરેખ રાખશે અને તેમની માન્યતા અંગે મહત્ત્વના નિર્ણયો લઈ શકશે.
ફેડરેશનની માન્યતા આપવાની અને રદ કરવાની સત્તા
નેશનલ સ્પોર્ટ્સ બોર્ડને દેશનાં રાષ્ટ્રીય રમતગમત ફેડરેશનને માન્યતા આપવાની અને જરૂર પડે ત્યારે તેમની માન્યતા રદ કરવાની સત્તા આપવામાં આવી છે. એટલે હવે કોઈ પણ ફેડરેશન માટે નિયમો અને વહીવટી પ્રક્રિયાનું પાલન કરવું વધુ મહત્ત્વનું બનશે. જો કોઈ ફેડરેશન પોતાની કાર્યકારી સમિતિની ચૂંટણી નહીં કરાવે અથવા ચૂંટણી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ કરશે તો બોર્ડ તેની સામે કાર્યવાહી કરી શકશે. આ ઉપરાંત વાર્ષિક ઓડિટ રિપોર્ટ જાહેર નહીં કરવો કે સરકારી નાણાંનો દુરુપયોગ કરવો પણ કાર્યવાહીનું કારણ બની શકે છે.
https://x.com/IndiaSports/status/2122306736568873312?a=8UCWLSsFZ7l4BjkqNTU&s=20
સરકારી ગ્રાન્ટ મેળવવા માટે માન્યતા જરૂરી
નવા નિયમો મુજબ નેશનલ સ્પોર્ટ્સ બોર્ડની માન્યતા ધરાવતી રમતગમત સંસ્થાઓ જ કેન્દ્ર સરકાર પાસેથી ગ્રાન્ટ અથવા અન્ય નાણાકીય સહાય મેળવવા માટે પાત્ર રહેશે. આથી ફેડરેશન માટે માત્ર રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવું પૂરતું નહીં રહે. તેમને નાણાકીય પારદર્શિતા, ચૂંટણી પ્રક્રિયા અને નૈતિક ધોરણોનું પણ પાલન કરવું પડશે. જોકે, કોઈ ફેડરેશનની માન્યતા સ્થગિત કે રદ કરતાં પહેલાં સંબંધિત આંતરરાષ્ટ્રીય રમતગમત સંસ્થા સાથે ચર્ચા કરવાની જોગવાઈ પણ છે.
કોણ છે દેવેશ ચતુર્વેદી?
દેવેશ ચતુર્વેદી 1989 બેચના ઉત્તર પ્રદેશ કેડરના નિવૃત્ત IAS અધિકારી છે. 60 વર્ષીય ચતુર્વેદીએ ઓગસ્ટ 2024થી ફેબ્રુઆરી 2026 સુધી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના સચિવ તરીકે કામ કર્યું હતું. તેમણે IIT કાનપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં B.Tech અને IIT દિલ્હીમાંથી ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગમાં M.Tech કર્યું છે. આ ઉપરાંત IIM બેંગલુરુમાંથી જાહેર નીતિમાં અનુસ્નાતક ડિપ્લોમા પણ મેળવ્યો છે.
પુષ્પેન્દ્ર ગર્ગનો રમતગમત ક્ષેત્રનો અનુભવ
બોર્ડના સભ્ય તરીકે નિયુક્ત થયેલા કમોડોર (નિવૃત્ત) પુષ્પેન્દ્ર કુમાર ગર્ગ રમતગમત વહીવટનો અનુભવ ધરાવે છે. તેઓ અગાઉ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમના CEO રહી ચૂક્યા છે. આ યોજનાનો હેતુ દેશના પ્રતિભાશાળી ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કરવામાં મદદ કરવાનો છે. કેન્દ્ર સરકારની નિમણૂક સમિતિએ બંનેની નિમણૂકને મંજૂરી આપી હતી. બંનેનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહેશે.
નવા રમતગમત કાયદા હેઠળ રચાયું બોર્ડ
નેશનલ સ્પોર્ટ્સ બોર્ડની રચના નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ એક્ટ, 2025 હેઠળ કરવામાં આવી છે. મે 2026માં કેન્દ્ર સરકારે નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ અને નેશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલ માટેના નિયમો જાહેર કર્યા હતા.
આ બોર્ડનો મુખ્ય હેતુ રમતગમત સંસ્થાઓમાં પારદર્શિતા, નાણાકીય જવાબદારી અને યોગ્ય વહીવટ સુનિશ્ચિત કરવાનો છે. હવે આ બોર્ડની કામગીરીથી દેશનાં રમતગમત ફેડરેશનના વહીવટમાં કેવા ફેરફાર આવે છે તેના પર નજર રહેશે.
આ પણ વાંચો: ISSF એવોર્ડમાં ભારતનો દબદબો! તમે પણ આપી શકો છો મત, ઈશા સિંહ અને તુષાર માને સૌથી આગળ