ભારતીય શૂટિંગ માટે સારા સમાચાર સામે આવ્યા છે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSF)ના 2026 એથ્લીટ ઓફ ધ યર પીપલ્સ ચોઇસ એવોર્ડના મતદાનમાં ભારતના ખેલાડીઓ બંને કેટેગરીમાં આગળ ચાલી રહ્યા છે. મહિલા વિભાગમાં ઈશા સિંહ અને પુરુષ વિભાગમાં તુષાર માને સૌથી વધુ મત મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. મતદાન 18 નવેમ્બરે પૂરું થશે, તેથી અંતિમ પરિણામ પહેલાં ખેલાડીઓ વચ્ચેની સ્પર્ધા રસપ્રદ બની છે.
ઈશા સિંહને 3,001 મત, મહિલા વિભાગમાં પ્રથમ
મહિલા કેટેગરીમાં ઈશા સિંહ 3,001 મત સાથે સૌથી આગળ છે. તેમની પાછળ ભારતની જ એલાવેનિલ વલારિવાન 2,269 મત સાથે બીજા સ્થાને છે. પોર્ટુગલની જોવાના કાસ્ટેલોને 459 મત મળ્યા છે અને તેઓ ચોથા સ્થાને છે. મહિલા વિભાગમાં કુલ પાંચ ખેલાડીઓ શોર્ટલિસ્ટ થઈ છે, જેમાંથી ચાર ભારતીય છે. ઈશા સિંહ ઉપરાંત એલાવેનિલ વલારિવાન, તિલોત્તમા સેન અને સાક્ષી પાડેકરનો સમાવેશ થાય છે. એકમાત્ર વિદેશી ખેલાડી પોર્ટુગલની જોવાના કાસ્ટેલો છે.
તુષાર માનેની સરસાઈએ સૌને ચોંકાવ્યા
પુરુષોની કેટેગરીમાં ભારતના 24 વર્ષીય તુષાર માને 1,975 મત સાથે પ્રથમ સ્થાને છે. આ યાદીમાં ચીનના બે વખતના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શેંગ લિહાઓ અને એશિયન ગેમ્સના ગોલ્ડ મેડલ વિજેતા લિયુ યુખુન જેવા મોટા નામ પણ સામેલ છે. શેંગ લિહાઓને 265 અને લિયુ યુખુનને 81 મત મળ્યા છે. ખાસ વાત એ છે કે તુષાર માને 10 મીટર એર રાઇફલની વિશ્વ રેન્કિંગમાં 46મા સ્થાને છે. તેમ છતાં પીપલ્સ ચોઇસ મતદાનમાં તેઓ મોટા નામોને પાછળ છોડીને આગળ ચાલી રહ્યા છે. પુરુષોની કેટેગરીમાં કુલ પાંચ ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા છે. તેમાં ભારતના તુષાર માને ઉપરાંત ચીનના લિયુ યુખુન અને શેંગ લિહાઓ, ફ્રાન્સના દિમિત્રી ડ્યુટેંડાસ તથા ઈરાનના વાહિદ ગોલખંદાન સામેલ છે.
ઈશાએ આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું
21 વર્ષીય ઈશા સિંહે આ વર્ષે 10 મીટર એર પિસ્ટલ અને 25 મીટર પિસ્ટલમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. જાપાનમાં યોજાયેલી એશિયન ગેમ્સમાં તેમણે રજત પદક જીત્યો હતો. તાજેતરમાં દોહામાં યોજાયેલી વિશ્વ ચેમ્પિયનશિપમાં મનુ ભાકર અને દિવ્યા સુબ્બારાજુ સાથે મળીને 25 મીટર પિસ્ટલની મહિલા ટીમ સ્પર્ધામાં સુવર્ણ પદક પણ જીત્યો હતો. બીજી તરફ, એલાવેનિલ વલારિવાને છેલ્લા એક વર્ષમાં એશિયન ચેમ્પિયનશિપમાં અનેક સુવર્ણ પદક જીત્યા છે. તેમણે એશિયન ગેમ્સમાં 10 મીટર એર રાઇફલમાં રજત પદક પણ મેળવ્યો હતો.
18 નવેમ્બરે મતદાન પૂરું થશે
ISSFના 2026 એથ્લીટ ઓફ ધ યર એવોર્ડમાં કુલ આઠ કેટેગરી છે. તેમાં પિસ્ટલ, રાઇફલ અને શોટગનના પુરુષ તથા મહિલા વિભાગની છ કેટેગરીનો સમાવેશ થાય છે. આ છ કેટેગરીના વિજેતાઓની પસંદગી ISSFની આંતરિક પ્રક્રિયા દ્વારા થશે. જ્યારે પીપલ્સ ચોઇસની મહિલા અને પુરુષ કેટેગરીમાં વિજેતા ચાહકોના મતના આધારે નક્કી થશે. મતદાન 9 નવેમ્બરે શરૂ થયું હતું અને 18 નવેમ્બરે રાત્રે 11:59 વાગ્યે UTC મુજબ પૂરું થશે. ત્યારબાદ બંને કેટેગરીના વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
મત આપવા શું કરવું ?
ચાહકો પણ આ એવોર્ડની પીપલ્સ ચોઇસ કેટેગરીમાં મતદાન કરી શકે છે. મતદાન કરવા માટે ISSFની સત્તાવાર વેબસાઇટ https://www.issf-sports.org/athletes/athlete-of-the-year-2026 પર જઈને પુરુષ અને મહિલા વિભાગમાં પસંદગીના ખેલાડીને મત આપી શકાય છે. મતદાન 18 નવેમ્બર 2026ના રોજ રાત્રે 11:59 UTC સુધી ખુલ્લું રહેશે, એટલે ભારતીય સમય પ્રમાણે 19 નવેમ્બરે સવારે 5:29 વાગ્યા સુધી ચાહકો મત આપી શકશે.
આ પણ વાંચો: Germany Football: 17 વર્ષની ઉંમરે ફૂટબોલમાં ધમાકો! બેયર્ન સામે ગોલ અને હવે જર્મનીની સિનિયર ટીમમાં તક!