ભારતના કરોડો બેટલ રોયલ યુઝર્સ અને ગેમર્સ માટે આખરે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી ગયા છે. લાંબા સમયના વેટિંગ અને બેન પછી, ગેમિંગ જાયન્ટ ગેરેના દ્વારા સત્તાવાર રીતે 'ફ્રી ફાયર ઇન્ડિયા'નો નવો કસ્ટમાઇઝ્ડ અવતાર ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો છે. હવે આ ગેમ ગૂગલ પ્લે સ્ટોર તેમજ એપલ એપ સ્ટોર પર ડાઉનલોડ કરવા માટે સંપૂર્ણપણે લાઇવ થઈ ચૂકી છે. ભારત સરકારના ડેટા પ્રાઇવસી અને સુરક્ષા નિયમોને ધ્યાનમાં રાખીને તમામ યુઝર્સનો ડેટા ભારતમાં જ આવેલા લોકલ ક્લાઉડ સર્વર્સ પર સ્ટોર કરવામાં આવશે. આ ઉપરાંત, બજેટ સ્માર્ટફોન ધરાવતા યુઝર્સ પણ આસાનીથી ગેમ રમી શકે તે માટે તેને ખાસ ઓપ્ટિમાઇઝ કરવામાં આવી છે.

દિવાળી સ્પેશિયલ કેમ્પેઇન અને ગેમમાં મોટા ફેરફારો

ગેમના લોન્ચિંગની ખુશીમાં ગેરેનાએ ભારતીય સંસ્કૃતિને અનુલક્ષીને એક ખાસ 'દિવાળી સ્પેશિયલ કેમ્પેઇન' પણ શરૂ કર્યું છે, જે 15 નવેમ્બર સુધી ચાલશે. આ ઇવેન્ટ દરમિયાન ખેલાડીઓને દેશી થીમવાળા કોસ્ચ્યુમ, અવતાર અને સ્પેશિયલ ઇન-ગેમ રિવોર્ડ્સ મળશે. એટલું જ નહીં, ગેમની અંદર હિંસા કે આક્રમકતા ઓછી કરવા માટે લોહી ના વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા છે.

Free Fire Indiaમાં ગેમ રમવા માટે નવા નિયમો

• ટાઇમ લિમિટ: 18 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓ દિવસમાં વધુમાં વધુ 6 કલાક અને 18 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ વધુમાં વધુ 3 કલાક ગેમ રમી શકશે. મર્યાદા પૂરી થયા બાદ ગેમ રમવા પર રોક લાગશે.

• વાલીઓની મંજૂરી: 18 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓએ એકાઉન્ટ બનાવતાં પહેલાં માતા-પિતા અથવા વાલીની મંજૂરી લેવી પડશે. આ પ્રક્રિયામાં વાલીના મોબાઇલ નંબરનું વેરિફિકેશન પણ સામેલ છે.

• ખર્ચ પર નિયંત્રણ: સગીર ખેલાડીઓ માટે ગેમમાં થતી ખરીદી પર ખર્ચની મર્યાદા રાખવામાં આવશે. જોકે, Garenaએ ચોક્કસ નાણાકીય મર્યાદા જાહેર કરી નથી.

• બ્રેક રિમાઇન્ડર: લાંબા સમય સુધી ગેમ રમતા ખેલાડીઓને વચ્ચે બ્રેક લેવા માટે રિમાઇન્ડર પણ મળશે.

2023માં લોન્ચ કેમ અટક્યું હતું?

Garenaએ અગાઉ ઑગસ્ટ 2023માં Free Fire India રજૂ કરવાની જાહેરાત કરી હતી અને 5 સપ્ટેમ્બરથી ગેમ ઉપલબ્ધ થવાની યોજના હતી. જોકે, લોન્ચના એક દિવસ પહેલાં કંપનીએ ગેમના અનુભવને વધુ સુધારવા માટે રિલીઝ મુલતવી રાખી હતી. ત્યારથી ભારતીય ગેમર્સ નવી રિલીઝની રાહ જોઈ રહ્યા હતા. હવે નવી જાહેરાત સાથે આ રાહનો અંત આવ્યો છે. જોકે, Free Fire India અને Free Fire MAX વચ્ચે એકાઉન્ટ, પ્રોગ્રેસ અથવા ખરીદેલી વસ્તુઓ ટ્રાન્સફર થશે કે નહીં, તે અંગેની માહિતી માટે ખેલાડીઓએ Garenaની અધિકૃત સૂચનાઓ તપાસવી જોઈએ.
આ પણ વાંચો: Ahmedabad 2036 Olympics: સંસદમાં રજૂ થશે નવો કડક એન્ટી-ડોપિંગ કાયદોhttps://sandesh.com/sports/news/indias-big-push-for-ahmedabad-2036-olympics-doping-supply-chain-will-be-a-crime