વિશ્વભરના ગેમર્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6 (GTA 6)ને લઈને નવી માહિતી સામે આવી છે. એક અહેવાલ મુજબ, આ ગેમ લોન્ચ થશે ત્યારે તેમાં કુલ 55 ટ્રોફી અને અચિવમેન્ટ્સ હોઈ શકે છે. જો આ માહિતી સાચી સાબિત થશે તો તે રોકસ્ટારની અગાઉની બે લોકપ્રિય ગેમ્સ ગ્રાન્ડ થેફ્ટ ઓટો 5 (GTA 5) અને રેડ ડેડ રિડેમ્પશન 2 કરતાં વધુ હશે. ગેમિંગ જગતમાં ટ્રોફી અને અચિવમેન્ટ્સ એવા લક્ષ્યાંકો હોય છે, જે ખેલાડીઓ ગેમ રમતી વખતે ખાસ કામ પૂરાં કરીને મેળવી શકે છે. જેમ કે કોઈ મિશન પૂરું કરવું, ચોક્કસ પડકાર પાર કરવો અથવા ગેમમાં આપેલા તમામ લક્ષ્યાંકો હાંસલ કરવા. આ ટ્રોફી મેળવવી ઘણા ગેમર્સ માટે ગેમ રમવાની સાથે એક અલગ પડકાર પણ હોય છે.
54 સામાન્ય અને એક ખાસ અચિવમેન્ટ
સામે આવેલી માહિતી પ્રમાણે, GTA 6માં કુલ 55 અચિવમેન્ટ્સ ગોઠવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. તેમાંથી 54 અચિવમેન્ટ્સને 1થી 54 સુધીના પોઇન્ટ આપવામાં આવ્યા છે, જ્યારે એક અચિવમેન્ટ 1000 પોઇન્ટનું હોવાનું કહેવાય છે. આ 1000 પોઇન્ટનું અચિવમેન્ટ ખાસ ધ્યાન ખેંચે છે. શક્યતા છે કે ગેમમાં તમામ અચિવમેન્ટ્સ મેળવ્યા બાદ આ ખાસ પુરસ્કાર મળે. જોકે, તે એક્સબોક્સનું 'મિથિક અચિવમેન્ટ' પણ હોઈ શકે છે. અત્યારે આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.
