ડકાર યુથ ઓલિમ્પિક ગેમ્સ 2026માં ભારતની યુવા મહિલા પહેલવાન તાનિયાએ શાનદાર પ્રદર્શન કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. મહિલા 75 કિલોગ્રામ બીચ રેસલિંગ સ્પર્ધામાં તાનિયાએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ગોલ્ડ મેડલ માટે રમાયેલી ફાઇનલમાં તેને ચીનની ખેલાડી સામે 1-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, ફાઇનલ સુધીની તેની સફર અને શાનદાર પ્રદર્શને સૌનું ધ્યાન ખેંચ્યું છે.

ફાઇનલમાં ચીનની વર્લ્ડ ચેમ્પિયન સામે ટક્કર

ગોલ્ડ મેડલ માટેની ફાઇનલમાં તાનિયાનો સામનો ચીનની મજબૂત પહેલવાન ઝાઓ મિન સામે થયો હતો. ઝાઓ મિન વર્ષ 2025માં 69 કિલોગ્રામ વર્ગની વિશ્વ ચેમ્પિયન રહી ચૂકી છે. તેથી બંને ખેલાડીઓ વચ્ચે રોમાંચક મુકાબલાની અપેક્ષા હતી.મેદાનમાં બંને પહેલવાનોએ શરૂઆતથી જ જીત માટે જોર લગાવ્યું હતું. તાનિયાએ પોતાની શાનદાર ટેકનિક અને હિંમતના આધારે ચીનની ખેલાડીને જોરદાર ટક્કર આપી હતી. જોકે, અંતિમ ક્ષણોમાં ચીનની પહેલવાને બાજી મારી હતી અને તાનિયાને 1-2થી હાર મળી હતી.આ હાર છતાં તાનિયાએ સિલ્વર મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. ખાસ વાત એ છે કે તેણે ફાઇનલમાં વિશ્વ ચેમ્પિયન સામે પણ હાર ન માનતા અંત સુધી સંઘર્ષ કર્યો હતો.

ફાઇનલ સુધીનો તાનિયાનો સફર રહ્યો શાનદાર

તાનિયાએ ટુર્નામેન્ટની શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. તેણે ગ્રુપ સ્ટેજથી લઈને સેમિફાઇનલ સુધીના તમામ મુકાબલામાં જીત મેળવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું.

  • પ્રથમ મુકાબલો: તાનિયાએ જર્મનીની મિયા મૌરને 3-1થી હરાવીને પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી હતી.
  • બીજો મુકાબલો: ગ્રીસની વાસિલિકી કારાવાનૂ સામે એકતરફી જીત મેળવી હતી.
  • ક્વાર્ટર ફાઇનલ: એસ્ટોનિયાની મેરિલી વેસ્ટરને 4-1થી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
  • સેમિફાઇનલ: અમેરિકાની મટિલ્ડા એન હ્રુબીને 3-1થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
યુથ ઓલિમ્પિકમાં પહેલીવાર સામેલ થઈ બીચ રેસલિંગ સ્પર્ધા

ડકાર યુથ ઓલિમ્પિક ગેમ્સ 2026 અનેક કારણોસર ખાસ છે. આ સ્પર્ધાની ચોથી આવૃત્તિ છે અને પ્રથમવાર આફ્રિકા ખંડમાં યુથ ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે. સેનેગલની રાજધાની ડકાર આ ઐતિહાસિક રમતોત્સવનું યજમાન છે.આ વખતે બીચ રેસલિંગને પણ પ્રથમવાર યુથ ઓલિમ્પિક ગેમ્સમાં સામેલ કરવામાં આવી છે. આ રમત સામાન્ય કુસ્તી કરતાં અલગ અને વધુ ઝડપી હોય છે. તેમાં દરેક મુકાબલો માત્ર 3 મિનિટનો હોય છે. જે પહેલવાન સૌથી પહેલાં 3 પોઇન્ટ મેળવે અથવા પોતાના હરીફને ચિત કરે છે, તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.

તાનિયાની સફળતાથી ભારતીય રમતજગતમાં ખુશી

તાનિયાએ પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને શાનદાર રમતના આધારે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. ખાસ કરીને પહેલીવાર યુથ ઓલિમ્પિકમાં સામેલ થયેલી બીચ રેસલિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતવો તેની કારકિર્દી માટે મોટી સિદ્ધિ છે.

આ પણ વાંચો - Hockey Indiaમાં ગંભીર આરોપો, તપાસ સમિતિને પૈસા જ ન મળ્યા! 2 મહિનાથી કાર્યવાહી અટકી