ભારતના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં આંતરરાષ્ટ્રીય સાહસિક રમતોત્સવનું આયોજન થઈ રહ્યું છે. ‘એડવેન્ચર@મેકુખા 2026’માં 21 દેશોના ખેલાડીઓ, મીડિયા પ્રતિનિધિઓ અને સ્વયંસેવકો ભાગ લઈ રહ્યા છે. 14થી 23 નવેમ્બર દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં વિશ્વ અને યુરોપિયન ચેમ્પિયન ખેલાડીઓ પણ મેદાનમાં ઉતરશે. આ સ્પર્ધા 2027માં ક્રોએશિયામાં યોજાનારી એડવેન્ચર રેસિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયાની એકમાત્ર ક્વોલિફાયર છે. 

વિશ્વ અને યુરોપિયન ચેમ્પિયન પણ ભાગ લેશે

આ સ્પર્ધામાં એસ્ટોનિયાના રેઇન એન્સાર અને તાઉનો રીબાક ખાસ આકર્ષણનું કેન્દ્ર રહેશે. બંને ખેલાડીઓએ તાજેતરના સમયમાં યુરોપિયન અને વર્લ્ડ ટાઇટલ જીત્યાં છે. તેઓ નોર્થ ફોર્સ એસ્ટોનિયા ટીમ તરફથી ભાગ લેશે. અમેરિકાની ચેલ્સી મેગ્નસ પણ સ્પર્ધામાં ભાગ લેશે. તે તાજેતરમાં એઆરડબલ્યુએસ નોર્થ અમેરિકન ચેમ્પિયન બની છે. તે પોતાના પતિ જેસન, તેના જોડિયા ભાઈ એન્ડી અને મેલ કૂમ્બ્સ સાથે મેગ્નિફિસન્ટ 4 અવર ફ્યુઅલ ટીમનો ભાગ છે. એશિયાની નંબર-વન ટીમ મલેશિયાની કેબીએસ એડવેન્ચર રેસિંગ પણ સ્પર્ધામાં ઉતરશે. મલેશિયાની કુલ ત્રણ ટીમો ભાગ લઈ રહી છે. 

ભારતની પણ અનેક ટીમો ભાગ લેશે

આ સ્પર્ધામાં ભારતની પાંચ ટીમો ભાગ લઈ રહી છે. આ ઉપરાંત એશિયામાં સાતમા ક્રમે રહેલી મહાકાલી ટીમ પણ ઉતરશે, જેમાં બે ભારતીય અને બે નેપાળી ખેલાડીઓ સામેલ છે. અરુણાચલ પ્રદેશની અનિની અને શી-યોમી એમસીસી ટીમો પણ સ્થાનિક સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ફ્રાન્સ, આયર્લેન્ડ, પોલેન્ડ, ફિનલેન્ડ, મેક્સિકો, બ્રિટન, પોર્ટુગલ, જાપાન અને અમેરિકા સહિતના દેશોની ટીમો પણ આ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. 

પાંચ દિવસ સુધી સતત ચાલશે રેસ

આ સ્પર્ધાની મુખ્ય રેસ 16 નવેમ્બરે સવારે 8 વાગ્યે શરૂ થશે. ખેલાડીઓએ દિવસ-રાત સતત પાંચ દિવસ સુધી લગભગ 400 કિલોમીટરનું અંતર કાપવાનું રહેશે. તેમાં 61 ટકા માઉન્ટેન બાઇકિંગ, 26 ટકા ટ્રેકિંગ અને 13 ટકા કાયકિંગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખેલાડીઓએ અબસેઇલિંગ અને ઝિપલાઇન જેવી પ્રવૃત્તિઓ પણ કરવાની રહેશે.

આ રેસની ખાસિયત એ છે કે દરેક ટીમમાં ચાર ખેલાડીઓ હશે અને તેમણે આખી સ્પર્ધા સાથે મળીને પૂર્ણ કરવાની રહેશે. ખેલાડીઓએ નકશા અને હોકાયંત્રની મદદથી માર્ગ શોધવો પડશે. ટીમવર્ક, શારીરિક ક્ષમતા અને યોગ્ય દિશા પસંદ કરવાની આવડત અહીં નિર્ણાયક રહેશે. વિજેતા ટીમ લગભગ ત્રણ દિવસમાં રેસ પૂરી કરે તેવી અપેક્ષા છે, જ્યારે તમામ ટીમોને પાંચ દિવસનો સમય આપવામાં આવ્યો છે. 

અરુણાચલના પ્રવાસનને મળશે વૈશ્વિક ઓળખ

આ સ્પર્ધા માત્ર રમત પૂરતી મર્યાદિત નથી. તેના માધ્યમથી અરુણાચલ પ્રદેશને આંતરરાષ્ટ્રીય સાહસિક રમતગમત અને પર્યટન સ્થળ તરીકે ઓળખ અપાવવાનો પ્રયાસ પણ થઈ રહ્યો છે. મેકુખા સમુદ્ર સપાટીથી આશરે 6,000 ફૂટની ઊંચાઈએ આવેલું છે અને ભારત-ચીન સરહદથી લગભગ 29 કિલોમીટર દૂર છે.

સ્પર્ધકોને રસ્તામાં પહાડી વિસ્તારો, નદીઓ, જંગલો અને હિમાલયનાં ઊંચાં મેદાનોમાંથી પસાર થવું પડશે. સ્થાનિક પરિવારો સાથે રહેવા અને ભોજન કરવાની વ્યવસ્થા પણ કાર્યક્રમનો ભાગ છે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ 16 નવેમ્બરે તુમ્બિન ખાતે રેસને લીલી ઝંડી આપશે. 

આ પણ વાંચો: Lakshya Sen Champion : જાપાનમાં લક્ષ્ય સેનનો જલવો! સતત બીજી ટ્રોફી જીતીને રચ્યો ઇતિહાસ