ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને જાપાનમાં શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. તેણે કુમામોટો માસ્ટર્સ જાપાન ઓપનનો ખિતાબ પોતાના નામે કરીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં લક્ષ્યએ જાપાનના કોકી વતાનાબેને 13-21, 21-18 અને 21-14થી હરાવીને ટ્રોફી જીતી હતી. ખાસ વાત એ છે કે પ્રથમ ગેમ ગુમાવ્યા બાદ લક્ષ્યએ જોરદાર વાપસી કરી હતી. આ સાથે તે વર્ષ 2023માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય બેડમિન્ટન ખેલાડી બની ગયો છે.
પ્રથમ ગેમ હાર્યા બાદ લક્ષ્યની જોરદાર વાપસી
ફાઇનલ મુકાબલામાં લક્ષ્ય સેન સામે જાપાનના કોકી વતાનાબેનો પડકાર હતો. ઘરઆંગણે રમી રહેલા વતાનાબેને દર્શકોનું જોરદાર સમર્થન મળી રહ્યું હતું. તેણે શરૂઆતથી જ આક્રમક રમત બતાવીને પ્રથમ ગેમ 21-13થી જીતી લીધી હતી.જોકે, લક્ષ્યએ હાર માનવાને બદલે પોતાની રમતમાં સુધારો કર્યો હતો. બીજી ગેમમાં તેણે સચોટ સ્મેશ અને શાનદાર કોર્ટ કવરેજના આધારે વાપસી કરી હતી. લક્ષ્યએ બીજી ગેમ 21-18થી જીતીને મુકાબલો 1-1થી બરાબર કરી દીધો હતો.ત્રીજી અને નિર્ણાયક ગેમમાં લક્ષ્ય સંપૂર્ણ લયમાં જોવા મળ્યો હતો. તેણે શરૂઆતથી જ સરસાઈ બનાવી રાખી હતી. બ્રેક સુધીમાં લક્ષ્ય 11-7થી આગળ હતો. ત્યારબાદ તેણે પોતાની લીડ વધારીને 9 પોઇન્ટ સુધી પહોંચાડી હતી. અંતે 21-14થી ગેમ જીતીને તેણે ખિતાબ પોતાના નામે કરી લીધો હતો.
