ગુજરાતમાં ફૂટબોલની રમતે પકડાવેલા મજબૂત વાતાવરણ વચ્ચે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશને ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનની જાહેરાત કરી છે. GSL સીઝન-3 નો પ્રારંભ 1 સપ્ટેમ્બર, 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે અમદાવાદના વિશ્વકક્ષાના સ્ટેડિયમ ટ્રાન્સસ્ટેડિયા એરેના ખાતે થશે. આ લીગ રાજ્યમાં ઉચ્ચ સ્તરની ફૂટબોલ પ્રતિભાઓ તૈયાર કરવામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.
GSL-3 ની જર્સી અને ટ્રોફીનું ભવ્ય અનાવરણ
અગ્રણી હોદ્દેદારો અને ટીમ માલિકોની વિશેષ ઉપસ્થિતિમાં GSFA ના ઉપપ્રમુખ પ્રદિપસિંહ વાઘેલા દ્વારા GSL સીઝન-3 ની સત્તાવાર ટ્રોફી અને ટીમ જર્સીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ જર્સી ગુજરાતના ફૂટબોલ ક્ષેત્રની આધુનિક ઊર્જાનું પ્રતિબિંબ પાડે છે, જ્યારે ટ્રોફી આ આખી સીઝન દરમિયાન સર્વોચ્ચ એવોર્ડ માટે ટીમો વચ્ચે ખેલાનાર રોમાંચક જંગનું પ્રતીક બનશે.
U-20 ખેલાડીઓને મળશ જર્મનીમાં રમવાની મોટી તક
આ વખતની સીઝનની સૌથી મોટી વિશેષતા યુવા ખેલાડીઓ માટેનું આંતરરાષ્ટ્રીય એક્સપોઝર છે. GSL-3 માંથી શાનદાર પ્રદર્શન કરનાર બે U-20 ફૂટબોલરોની પસંદગી જર્મનીમાં ટાયર-3 અને ટાયર-4 ડોમેસ્ટિક ટુર્નામેન્ટ્સના ટ્રાયલ માટે કરવામાં આવશે. જર્મન સાયકોલોજીસ્ટ પ્રોફેસર જેન માયર અને બોસ ટેકનોલોજી દ્વારા સ્પોર્ટ્સ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ખેલાડીઓની બારીકાઈથી પસંદગી કરવામાં આવશે.

ઇજાગ્રસ્ત યુવા ખેલાડી રાહુલ ભાટીયાને મદદની જાહેરાત
GSFA દ્વારા માત્ર રમત જ નહીં, પરંતુ ખેલાડીઓની સુવિધા અને કલ્યાણ પર પણ પૂરો ભાર મૂકવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા રાજ્યના યુવા ફૂટબોલર રાહુલ ભાટીયાને રૂ. 2,00,000 ની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની વિશેષ જાહેરાત પણ કરવામાં આવી હતી.
જીએસએફએ પ્રમુખ પરિમલ નથવાણીનું નિવેદન
લીગ અંગે વાત કરતાં GSFA ના પ્રમુખ પરિમલ નથવાણીએ જણાવ્યું હતું કે, GSLની ત્રીજી સીઝન એ માત્ર એક રમત સ્પર્ધા નથી, પરંતુ ગુજરાતમાં ફૂટબોલના સર્વાંગી વિકાસ માટેની અમારી દ્રષ્ટિનો અગત્યનો ભાગ છે. અમારો મુખ્ય હેતુ રાજ્યના યુવાનોને એક ઉચ્ચ કક્ષાનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી ગુજરાતમાં ફૂટબોલ લોકોની પહેલી પસંદગીની રમત બની શકે.

ચાહકો માટે વન-સ્ટોપ 'જીએસએફએ ડિજિટલ એપ' લોન્ચ
ફૂટબોલ ચાહકોને ટુર્નામેન્ટ સાથે સીધા જોડવા માટે એક વિશેષ સમર્પિત ડિજિટલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. GSFA ના માનદ સચિવ મુલરાજસિંહ ચૂડાસમાએ પ્રેઝન્ટેશન દ્વારા એપની મુખ્ય વિશેષતાઓ સમજાવી હતી. આ વન-સ્ટોપ એપ મારફતે ચાહકો ઘરબેઠા મેચ ફિક્સ્ચર્સ, લાઇવ પરિણામો, શેડ્યૂલ, ટીમોની વિગત, પોઈન્ટ્સ ટેબલ અને ખેલાડીઓની પ્રોફાઈલ સરળતાથી જોઈ શકશે.

તમામ મેચોનું શેડ્યૂલ ઓનલાઈન ઉપલબ્ધ
સમારોહ દરમિયાન GSL સીઝન-3 ના સંપૂર્ણ ફિક્સ્ચર્સ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે. તમામ તારીખો, સમય અને ટીમોના મુકાબલાની માહિતી નવી લોન્ચ થયેલી એપ્લિકેશન અને GSFA ના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય આયોજનમાં સહભાગી થઈ રાજ્યમાં ફૂટબોલનો ઉત્સાહ વધારવા તમામ રમતપ્રેમીઓને હાકલ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Vadodara News: ધોરણ 10 ફેલ બોગસ ડોક્ટર ગરમ ચીપીયાથી દર્દીને બેભાન કર્યા વિના હરસ મસાના ઓપરેશન કરતો