સાબરકાંઠા જિલ્લાના એક અંતરિયાળ વિસ્તારમાંથી આવીને વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરવું એ કોઈ સામાન્ય બાબત નથી. જિલ્લાના પોશીના તાલુકાના આંજણી ગામની દીકરી અંજના બુબડિયાએ જાપાન ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય પેરા એથ્લેટિક્સ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. આ સિદ્ધિથી સમગ્ર ગુજરાત અને દેશભરમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે.
વિમેન્સ T47 કેટેગરીની 400 મીટર દોડમાં મેળવ્યો વિજય
જાપાન ખાતે આયોજિત આ સ્પર્ધામાં અંજના બુબડિયાએ પેરા એથ્લેટિક્સની વિમેન્સ 400 મીટર (T47 કેટેગરી) ની સ્પર્ધામાં ભાગ લીધો હતો. પોતાની મહેનત, અડગ મનોબળ અને ઉત્કૃષ્ટ પ્રદર્શનના બળે અંજના આ સ્પર્ધામાં પ્રથમ સ્થાને રહી હતી અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનો ત્રિરંગો ગર્વથી લહેરાવ્યો હતો.
આંજણી ગામ અને પોશીના પંથકમાં ખુશીનો માહોલ અને ઉજવણી
દીકરીની આ વૈશ્વિક સફળતાના સમાચાર મળતા જ અંજનાના વતન આંજણી અને સમગ્ર પોશીના પંથકમાં દિવાળી જેવું વાતાવરણ સર્જાયું હતું. ગ્રામજનો અને પરિવારજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સૌએ એકબીજાને મીઠાઈ ખવડાવીને આ ઐતિહાસિક વિજયની ભવ્ય ઉજવણી કરી હતી. સામાન્ય પરિવારમાંથી આવતી અંજનાની આ સફર અનેક યુવાનો માટે પ્રેરણારૂપ બની રહી છે.

ચારે તરફથી વરસી રહી છે શુભેચ્છાઓ અને અભિનંદન વર્ષા
અંતરિયાળ ગામડામાંથી ઉભરીને વૈશ્વિક કક્ષાએ સુવર્ણ ચંદ્રક મેળવનાર અંજના બુબડિયા પર દેશભરમાંથી અભિનંદન અને શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. સ્થાનિક આગેવાનો, રમતગમત પ્રેમીઓ તેમજ વિવિધ મહાનુભાવોએ અંજનાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે અને આ દીકરીએ સાબરકાંઠાનું ગૌરવ વધાર્યું હોવાનું ગર્વ અનુભવ્યો છે.
આ પણ વાંચો: Sabarkanthaમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, હિંમતનગર નજીકથી 7.70 લાખનો વિદેશી દારૂ પકડાયો