FIH હોકી વર્લ્ડ કપ 2026 બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાનારો છે. આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ 15 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 2026 સુધી ચાલશે. ટુર્નામેન્ટ માટે પુરુષ અને મહિલા બંને વર્ગોમાં પૂલ્સની જાહેરાત કરી દેવામાં આવી છે. બંને કેટેગરીમાં ચાર-ચાર ગ્રુપ બનાવવામાં આવ્યા છે અને દરેક ગ્રુપમાં ચાર ટીમોને સ્થાન આપવામાં આવ્યું છે.પૂલ ડ્રો નેધરલેન્ડ્સના એમ્સ્ટર્ડમ સ્થિત વેગેનર સ્ટેડિયમમાં યોજાયો હતો, જ્યાં હોકીના દિગ્ગજ ખેલાડીઓ અને ખાસ મહેમાનોની હાજરીમાં ટીમોના ગ્રુપ જાહેર કરવામાં આવ્યા. આ ટુર્નામેન્ટમાં ભારતની પુરુષ અને મહિલા બંને ટીમો ભાગ લેશે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ફરી ટક્કર
પુરુષ વર્ગમાં ભારતીય ટીમને પૂલ Dમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ ગ્રુપમાં ભારત સાથે પાકિસ્તાન, ઇંગ્લેન્ડ અને વેલ્સ જેવી ટીમો સામેલ છે. આ ગ્રુપના તમામ મુકાબલા નેધરલેન્ડ્સમાં રમાશે.ભારત માટે આ ગ્રુપ સરળ નથી ગણાતો, કારણ કે પાકિસ્તાન સામેના મુકાબલા હંમેશાં જ ટક્કરભર્યા રહે છે. ઉપરાંત ઇંગ્લેન્ડ અને વેલ્સ પણ મજબૂત ટીમો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 2024ની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી બાદ પ્રથમ વખત આમને-સામને મુકાબલો થશે. તે સ્પર્ધામાં ભારતે જીત મેળવી હતી.
મહિલા ટીમની સ્થિતિ
ભારતીય મહિલા ટીમને પણ પૂલ Dમાં જ સ્થાન મળ્યું છે.આ ગ્રુપમાં ચીન,ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા જેવી ટીમો સામેલ છે. મહિલા ટીમના તમામ મુકાબલા પણ નેધરલેન્ડ્સમાં જ રમાશે. ખાસ કરીને ઇંગ્લેન્ડ સામેનો મુકાબલો રસપ્રદ બનવાની સંભાવના છે, કારણ કે બંને ટીમો મજબૂત અને અનુભવી છે.પૂલ ડ્રો કાર્યક્રમ દરમિયાન હોકીના જાણીતા ખેલાડીઓ નાઓમી વાન આસ,બાર્બરા નેલેન,ટ્યૂન ડે નૂયર અને ડીજે લા ફુએન્ટે હાજર રહ્યા હતા. આ ખેલાડીઓને ડચ એમ્બેસેડર તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે.આ પ્રસંગે FIHના અધ્યક્ષ તૈયબ ઇકરામએ જણાવ્યું હતું કે આ વર્લ્ડ કપ માત્ર રમત પૂરતો મર્યાદિત નહીં રહે, પરંતુ વિશ્વમાં શાંતિ અને એકતાનો સંદેશ આપશે. તેમણે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સનો આભાર વ્યક્ત કર્યો હતો કે તેઓ આ મોટા ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે.
પુરુષ ટીમના ગ્રુપ
પૂલ A: નેધરલેન્ડ્સ, આર્જેન્ટિના, ન્યુઝીલેન્ડ, જાપાન (નેધરલેન્ડ્સ)
પૂલ B: બેલ્જિયમ, જર્મની, ફ્રાન્સ, મલેશિયા (બેલ્જિયમ)
પૂલ C: ઓસ્ટ્રેલિયા, સ્પેન, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા (બેલ્જિયમ)
પૂલ D: ઇંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, વેલ્સ (નેધરલેન્ડ્સ)
મહિલા ટીમના ગ્રુપ
પૂલ A: નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ચિલી, જાપાન (નેધરલેન્ડ્સ)
પૂલ B: આર્જેન્ટિના, જર્મની, અમેરિકા, સ્કોટલેન્ડ (બેલ્જિયમ)
પૂલ C: બેલ્જિયમ, સ્પેન, ન્યુઝીલેન્ડ, આયર્લેન્ડ (બેલ્જિયમ)
પૂલ D: ચીન, ઇંગ્લેન્ડ, ભારત, સાઉથ આફ્રિકા (નેધરલેન્ડ્સ)
આ પણ વાંચો - PAK Vs BAN: શું ખોટો હતો સલમાન અલી આગાનો રન-આઉટ? MCCએ કરી સ્પષ્ટતા