કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રદર્શન સતત મજબૂત રહ્યું છે. અત્યાર સુધી ભારતે કુલ 10 મેડલ જીત્યા છે, જેમાં 2 ગોલ્ડ, 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભારતના 122 ખેલાડીઓ વિવિધ રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
ભારત આ વખતે એથ્લેટિક્સ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, લોન બાઉલ્સ, બોક્સિંગ, જુડો, સ્વિમિંગ, ટ્રેક સાઈકલિંગ અને વેઇટલિફ્ટિંગ સહિતની 8 મુખ્ય રમતોમાં ભાગ લઈ રહ્યું છે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓ 5 પેરા ઈવેન્ટ્સ – પેરા એથ્લેટિક્સ, પેરા પાવરલિફ્ટિંગ, પેરા સ્વિમિંગ, પેરા ટ્રેક સાઈકલિંગ અને 3x3 વ્હીલચેર બાસ્કેટબોલમાં પણ મેડલ માટે પડકાર રજૂ કરી રહ્યા છે.
બોક્સર પ્રીતિએ મેડલ કર્યો પાક્કો
કોમનવેલ્થ ગેમ્સમાં બોક્સર પ્રીતિ પવારે મેડલ નિશ્ચિત કર્યો છે. પ્રીતિએ મહિલાઓના 54 કિલોગ્રામ ક્વાર્ટર ફાઈનલમાં સર્વસંમતિથી આયર્લેન્ડની નિકોલ ક્લાઈડને 5-0થી હરાવી સેમીફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. આ સાથે પ્રીતિએ ઓછામાં ઓછું બ્રોન્ઝ મેડલ નિશ્ચિત કર્યો છે. પરંતુ તેની નજર ગોલ્ડ મેડલ પર રહેશે. જો તે સેમીફાઈનલ જીતી જશે, તો પ્રીતિ ગોલ્ડ મેડલ માટે લડશે. પ્રીતિએ ક્વાર્ટર ફાઈનલના ત્રણેય રાઉન્ડમાં જોરદાર પ્રદર્શન કર્યું અને તેના મુક્કાઓથી તેના પ્રતિસ્પર્ધીને હરાવી. બધા જજોએ ત્રણેય રાઉન્ડમાં પ્રીતિના પક્ષમાં પોતાનો નિર્ણય આપ્યો અને અંતે તે મેડલની જીતમાં રહેવામાં સફળ રહી.
નિરુપમા મેડલની દાવેદારીમાંથી બહાર
ભારતીય વેઈટલિફ્ટર નિરુપમા દેવી મહિલાઓના 63 કિગ્રા વજન વર્ગમાં મેડલની દાવેદારીમાંથી બહાર થઈ ગઈ છે. નિરુપમા ક્લીન એન્ડ જર્કમાં ત્રણેય પ્રયાસોમાં નિષ્ફળ ગઈ. શરૂઆતમાં તેણે ક્લીન એન્ડ જર્કમાં 115 કિલો વજન નોંધાવ્યું હતું, પરંતુ તેને વધારીને 123 કિલો કર્યું. નિરુપમા ત્રણેય પ્રયાસોમાં 123 કિલો વજન ઉપાડવામાં નિષ્ફળ ગઈ. પરિણામે તે એક પણ ક્લીન એન્ડ જર્ક પ્રયાસ પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ.
પુરુષોની 400 મીટર દોડની સેમીફાઈનલમાં પહોંચ્યો વિશાલ ટીકે
ભારતીય એથ્લીટ વિશાલ ટીકે પુરુષોની 400 મીટર દોડની સેમીફાઇનલમાં પહોંચી ગયો છે. વિશાલે તેની હીટમાં 46.49 સેકન્ડનો સમય કાઢ્યો અને એકંદરે 14મા સ્થાને રહીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો. જોકે, અન્ય એક ભારતીય એથ્લીટ રાજેશ રમેશ સેમીફાઈનલમાં પહોંચવામાં નિષ્ફળ ગયો. રમેશે તેની હીટમાં 47.43 સેકન્ડનો સમય કાઢ્યો અને એકંદરે 25મા સ્થાને રહ્યો. આ ઈવેન્ટના ટોચના 16 એથ્લીટોએ સેમીફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે.
બુડિગીના-ઈમામ ફાઈનલમાં
પેરા-સ્વિમર્સ રવિ બુડિગીના અને અલી ઈમામ પુરુષોની 50 મીટર ફ્રીસ્ટાઈલ S13 ની ફાઈનલમાં પહોંચ્યા. બુડિગીનાએ 26.33 સેકન્ડનો સમય કાઢીને પોતાની હીટમાં ત્રીજું સ્થાન મેળવ્યું. આ દરમિયાન ઈમામે 28.41 સેકન્ડનો સમય કાઢીને પોતાની હીટમાં પાંચમું સ્થાન મેળવ્યું. એકંદરે બુડિગીના અને ઈમામ મેડલ રાઉન્ડમાં પહોંચ્યા, અનુક્રમે છઠ્ઠા અને આઠમા સ્થાને રહ્યા.
શ્રીહરિ નટરાજ સેમીફાઈનલમાં
ભારતીય તરણવીર શ્રીહરિ નટરાજ પુરુષોની 100 મીટર બેકસ્ટ્રોકની સેમીફાઈનલમાં પ્રવેશ કરી ચૂક્યો છે. શ્રીહરિ નટરાજે પોતાની હીટમાં 55.58 સેકન્ડનો સમય કાઢ્યો. તે પોતાની હીટમાં પાંચમા અને એકંદરે 13મા સ્થાને રહ્યો, સેમીફાઈનલ માટે ક્વોલિફાય થયો. ટોપના 16 તરવૈયાઓ સેમીફાઈનલમાં પહોંચ્યા.
સાજન પ્રકાશ સેમીફાઈનલમાં સ્થાન ચૂક્યો
ભારતીય તરણવીર સાજન પ્રકાશ પુરુષોની 50 મીટર બટરફ્લાય ઈવેન્ટમાં સેમીફાઈનલ સ્થાન ચૂકી ગયો, અને 24.94 સેકન્ડના સમય સાથે પોતાની હીટમાં આઠમા અને એકંદરે 28મા સ્થાને રહ્યો.
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?