કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનું પ્રદર્શન સતત મજબૂત રહ્યું છે. અત્યાર સુધી ભારતે કુલ 6 મેડલ જીત્યા છે, જેમાં 1 ગોલ્ડ, 3 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભારતના 122 ખેલાડીઓ વિવિધ રમતોમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
ભારત આ વખતે એથ્લેટિક્સ, આર્ટિસ્ટિક જિમ્નાસ્ટિક્સ, લોન બાઉલ્સ, બોક્સિંગ, જુડો, સ્વિમિંગ, ટ્રેક સાઈકલિંગ અને વેઇટલિફ્ટિંગ સહિતની 8 મુખ્ય રમતોમાં ભાગ લઈ રહ્યું છે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓ 5 પેરા ઈવેન્ટ્સ – પેરા એથ્લેટિક્સ, પેરા પાવરલિફ્ટિંગ, પેરા સ્વિમિંગ, પેરા ટ્રેક સાઈકલિંગ અને 3x3 વ્હીલચેર બાસ્કેટબોલમાં પણ મેડલ માટે પડકાર રજૂ કરી રહ્યા છે.
ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ જીત્યો ગોલ્ડ મેડલ
સ્ટાર બોક્સર લવલીના બોર્ગોહેનને મહિલા 75 કિલો વર્ગમાં ક્વાર્ટર ફાઈનલમાં બાય મળતા તેનો મેડલ નિશ્ચિત થઈ ગયો છે. પરંતુ તેનું લક્ષ્ય માત્ર બ્રોન્ઝ નહીં પરંતુ ગોલ્ડ જીતવાનું છે. એથ્લેટિક્સમાં ગુરિંદરવીર સિંહ, અનિમેષ કુજુર, મુરલી શ્રીશંકર, તજિંદરપાલ સિંહ તૂર, પારુલ ચૌધરી અને ગુલવીર સિંહ જેવા ખેલાડીઓ પાસેથી પણ ભારતને મેડલની આશા છે.
ભારત માટે પ્રથમ મેડલ ઝાંડુ કુમાર પેરા પાવરલિફ્ટિંગમાં બ્રોન્ઝ જીતીને અપાવ્યો હતો. ત્યારબાદ ઋષિકાંત સિંહ કોમનવેલ્થ ગેમ્સ 2026માં મેડલ જીતનાર પ્રથમ એબલ-બોડીડ ભારતીય ખેલાડી બન્યો. તેને પુરુષોની 60 કિલો વેઈટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો અને સ્નેચમાં નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો. ભારતની સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ મહિલા 48 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને દેશને ગ્લાસગો 2026નું પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યું. આ સાથે જ તેમને સતત ત્રીજી વખત કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતવાનો ઐતિહાસિક કારનામો કર્યો.
અત્યાર સુધી ભારતના ખાતામાં કુલ 6 મેડલ
ભારતીય એથ્લેટિક્સ ટીમની આગેવાની ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા કરી રહ્યો છે. ગોલ્ડ કોસ્ટ 2018માં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરા ઈજાના કારણે બર્મિંગહામ 2022માં રમી શક્યો ન હતો, પરંતુ આ વખતે તેઓ ફરી ગોલ્ડ જીતવાના નિશાન સાથે મેદાનમાં ઉતર્યો છે. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતે અત્યાર સુધી 18 આવૃત્તિઓમાં કુલ 564 મેડલ જીત્યા છે અને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ તથા કેનેડા બાદ ચોથો સૌથી સફળ દેશ છે.
CWG 2026માં અત્યાર સુધી ભારત માટે મેડલ જીતનારા ખેલાડીઓ
મીરાબાઈ ચાનુ: ગોલ્ડ (વેઈટલિફ્ટિંગ)
ઋષિકાંત સિંહ : સિલ્વર (વેઈટલિફ્ટિંગ)
રાજા મુથુપંડી: સિલ્વર (વેઈટલિફ્ટિંગ)
જ્ઞાનેશ્વરી યાદવ: સિલ્વર (વેઈટલિફ્ટિંગ)
ઝાંડુ કુમાર: બ્રોન્ઝ (પેરા પાવરલિફ્ટિંગ)
બિંદિયારાની દેવી: બ્રોન્ઝ (વેઈટ લિફ્ટિંગ)
આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?