ભારતીય રમતજગત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારત હવે એથ્લેટિક્સમાં યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા બતાવવાની મોટી તક આપવા જઈ રહ્યું છે. પ્રથમ BIMSTEC અંડર-23 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ માટે ભારતે 95 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. આ સ્પર્ધા 25થી 27 નવેમ્બર દરમિયાન ઓડિશાના ભુવનેશ્વરમાં આવેલા કલિંગા સ્ટેડિયમમાં યોજાશે. ભારતની આ ટીમમાં 48 પુરુષ અને 47 મહિલા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ સ્પર્ધામાં ભારત ઉપરાંત થાઈલેન્ડ, શ્રીલંકા, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ અને મ્યાનમારની ટીમો પણ ભાગ લેશે. એટલે કે કુલ સાત દેશોના 400થી વધુ ખેલાડીઓ મેદાનમાં ઉતરશે.
18થી વધુ સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓ બતાવશે દમ
આ ચેમ્પિયનશિપમાં દોડ, કૂદકો અને ફેંકવાની વિવિધ રમતો યોજાશે. પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ 14 ઇવેન્ટ રાખવામાં આવી છે. આ ઉપરાંત 4x100 મીટર અને 4x400 મીટરની રિલે સ્પર્ધાઓ પણ યોજાશે. ભારત તરફથી તામિલનાડુનો યુવા દોડવીર નીલ સામરાજ ખાસ ચર્ચામાં છે. તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેણે 100 અને 200 મીટરની દોડમાં સુવર્ણ ચંદ્રક જીતવાની સાથે રાષ્ટ્રીય વિક્રમ પણ નોંધાવ્યો હતો. હવે તે BIMSTEC સ્પર્ધામાં 100 મીટર, 200 મીટર અને 4x100 મીટર રિલેમાં ભાગ લેશે. મહિલાઓમાં અભિનયા રાજારાજન પર ખાસ નજર રહેશે. તે 100 મીટરની દોડ અને 4x100 મીટર રિલેમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
પુરુષોની ટીમમાં આ ખેલાડીઓને મળી જગ્યા
પુરુષોની ટીમમાં 100 મીટર દોડ માટે ઋષિપ્રસાદ દેસાઈ અને નીલ સામરાજની પસંદગી કરવામાં આવી છે. 200 મીટરમાં યુવા રાજ અને 400 મીટરમાં સાહિલ મલિક તથા અંકુલ મેદાનમાં ઉતરશે. 800 મીટરમાં આકાશદીપ સિંહ અને શ્યામ મિલન બિંદ, જ્યારે 1500 મીટરમાં રાહુલ સરનાલિયા અને હિતેશ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. લાંબી દોડમાં ગૌરવ ભાસ્કર ભોસલે અને સત્યમ 5000 મીટરમાં ભાગ લેશે. આ ઉપરાંત ઊંચી કૂદ, લાંબી કૂદ, ત્રિપલ જમ્પ, ગોળાફેંક, ચક્રફેંક અને ભાલાફેંકમાં પણ ભારતના યુવા ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવશે.
મહિલા ટીમમાં પણ મજબૂત ખેલાડીઓ
મહિલાઓની ટીમમાં અભિનયા રાજારાજન ઉપરાંત કાજલ વાજા, ભાવના જી, સોનિકા, તનુ ચૌધરી, આયેશા ખાનમ અને પ્રતીક્ષા યાદવ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. 1500 મીટરમાં પ્રાચી દેવકર અને રાશિ, જ્યારે 5000 મીટરમાં સોનમ પરમાર અને સુનિતા દેવી દોડશે. ઊંચી કૂદમાં જુઈન મંટુસા અને મોહુર મુખર્જી, જ્યારે લાંબી કૂદમાં શીબા ડી અને મુનમુન ચેટિયા ભારત તરફથી ભાગ લેશે.
કેવી રીતે પસંદ થઈ ભારતીય ટીમ?
ભારતીય ખેલાડીઓની પસંદગી બે રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવી છે. તેમાં જયપુરમાં યોજાયેલી છઠ્ઠી ભારતીય અંડર-23 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ અને ચેન્નાઈમાં યોજાયેલી 41મી રાષ્ટ્રીય જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો સમાવેશ થાય છે.
આ સ્પર્ધાનું આયોજન ભારતના વિદેશ મંત્રાલય અને ભારતીય એથ્લેટિક્સ મહાસંઘ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. આ સ્પર્ધા યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય અનુભવ આપવાની સાથે BIMSTEC દેશો વચ્ચે રમતગમતના સંબંધો મજબૂત બનાવવામાં પણ મદદરૂપ થશે.
આ પણ વાંચો: Virat Kohli, Rohit Sharma, Shubman Gillને મળ્યું ખાસ સરપ્રાઇઝ! ન્યૂઝીલેન્ડના રગ્બી લિજેન્ડે ભેટમાં આપી 'ઓલ બ્લેક્સ' જર્સી