ભારતીય પુરુષ હોકી ટીમ ફરી એકવાર એશિયન ગેમ્સ 2026માં ગોલ્ડ મેડલ બચાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. હોકી ઈન્ડિયાએ 29 જુલાઈના રોજ 20મી એશિયન ગેમ્સ માટે 20 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી હતી. 

એશિયન ગેમ્સ 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર સુધી યોજાશે. અનુભવી ડિફેન્ડર અને સ્ટાર ડ્રેગ-ફ્લિકર હરમનપ્રીત સિંહને સતત બીજી વખત ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે, જ્યારે અનુભવી મિડફિલ્ડર મનપ્રીત સિંહ પોતાનો અનુભવ દર્શાવતા જોવા મળશે. તાજેતરમાં હોકી મેન્સ વર્લ્ડકપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી.

ભારત સામે ગોલ્ડ બચાવવાનો પડકાર

ભારતે 2023 હાંગઝોઉ એશિયન ગેમ્સમાં હરમનપ્રીતની કેપ્ટનશીપ હેઠળ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હવે તે જાપાનના આઈચી-નાગોયામાં યોજાનારી ટુર્નામેન્ટમાં પોતાના ખિતાબનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરશે. ભારતીય ટીમને યજમાન જાપાન, સાઉથ કોરિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઈન્ડોનેશિયા સાથે પૂલ A માં રાખવામાં આવી છે. 

મોહિત એચએસ અને સૂરજ કરકેરા ગોલકીપિંગની જવાબદારી સંભાળશે. કેપ્ટન હરમનપ્રીત સિંહ, જરમનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત અને યશદીપ સિવાચ સાથે ડિફેન્સની જવાબદારી સંભાળશે. મિડફિલ્ડમાં રાજિન્દર સિંહ, રાજકુમાર પાલ, હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, નીલકાંત શર્મા અને વિવેક સાગર પ્રસાદ સંતુલન પ્રદાન કરશે. દિલપ્રીત સિંહ, શિલાનંદ લકડા, સુખજીત સિંહ, મનદીપ સિંહ અને અભિષેક આક્રમણની જવાબદારી સંભાળશે.

https://twitter.com/TheHockeyIndia/status/2082370081355600054

ધ્યેય 2028 ઓલિમ્પિક માટે ક્વોલિફાય થવાનો રહેશે

ટીમ પસંદગી વિશે વાત કરતા હેડ કોચ ક્રેગ ફુલ્ટને જણાવ્યું હતું કે એશિયન ગેમ્સ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ ખૂબ જ અનુભવી છે. તેમનું માનવું છે કે જાપાનમાં સ્પર્ધા પડકારજનક રહેશે, કારણ કે વિજેતા 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક માટે સીધા ક્વોલિફાય થશે. તેમને જણાવ્યું હતું કે આ ભારતીય ટીમનું સૌથી મોટું લક્ષ્ય છે.

કેપ્ટન હરમનપ્રીત સિંહે પણ ટીમમાં વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે યુવા અને અનુભવનું ઉત્તમ મિશ્રણ ભારતીય ટીમની સૌથી મોટી તાકાત છે. તેમને કહ્યું કે દબાણ લેવાને બદલે, ખેલાડીઓએ તેમની રમતનો આનંદ માણવો જોઈએ અને સંપૂર્ણ પ્રામાણિકતા સાથે તેમની જવાબદારીઓ નિભાવવી જોઈએ.

એશિયન ગેમ્સ માટે કુલ 12 ટીમોને 2 પુલમાં વહેંચવામાં આવી છે, અને બધી મેચો જાપાનના કાકામિગહારાના ગિફુ પ્રીફેક્ચરલ ગ્રીન સ્ટેડિયમ ખાતે રમાશે. ભારતીય ટીમ 20 સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયા સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ 22 સપ્ટેમ્બરે શ્રીલંકા, 24 સપ્ટેમ્બરે સાઉથ કોરિયા, 26 સપ્ટેમ્બરે જાપાન અને 28 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે મેચ રમશે.

એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય પુરુષ હોકી ટીમ

ગોલકીપર્સ: મોહિત એચએસ, સૂરજ કરકેરા

ડિફેન્ડર્સ: જરમનપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત, યશદીપ સિવાચ

મિડફિલ્ડરઃ રાજિન્દર સિંહ, રાજ કુમાર પાલ, હાર્દિક સિંહ, મનપ્રીત સિંહ, નીલકાંત શર્મા, વિવેક સાગર પ્રસાદ

ફોરવર્ડઃ દિલપ્રીત સિંહ, શિલાનંદ લકડા, સુખજીત સિંહ, મનદીપ સિંહ, અભિષેક.

આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?