કેન્દ્ર સરકાર રમતોમાં ડોપિંગ વિરુદ્ધ હવે વધુ કડક વલણ અપનાવવા જઈ રહી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ એક્ટમાં સુધારો કરીને ડોપિંગ સાથે જોડાયેલા પ્રતિબંધિત પદાર્થોની તસ્કરી અને સપ્લાયને ગુનો બનાવવામાં આવશે.

5 વર્ષની જેલ અને 2 લાખ સુધી દંડની જોગવાઈ

પ્રસ્તાવિત સુધારા અનુસાર, જો કોઈ વ્યક્તિ કોઈ ખેલાડીને ડોપિંગના હેતુથી પ્રતિબંધિત પદાર્થ આપે છે અથવા તેનો ઉપયોગ કરાવે છે, તો તેને પાંચ વર્ષ સુધીની જેલ, બે લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. રમતગમત મંત્રાલયે આ સુધારાનો મુસદ્દો (ડ્રાફ્ટ) જનતાના સૂચનો માટે પોતાની વેબસાઇટ પર અપલોડ કરી દીધો છે. સરકાર આને સંસદના આગામી સત્રમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

'માત્ર ખેલાડી જ નહીં, સપ્લાયર પણ જવાબદાર'

મનસુખ માંડવિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ડોપિંગ હવે માત્ર રમતોના નિયમોનું ઉલ્લંઘન નથી રહ્યું, પરંતુ તે ખેલાડીઓનું શોષણ કરનારૂં એક સંગઠિત નેટવર્ક બની ગયું છે. તેમણે આગળ કહ્યું કે, આપણે અત્યાર સુધી માત્ર નશો (સેવન) કરનારાઓને જ સજા આપીએ છીએ, પરંતુ સપ્લાય કરનારાઓ સામે પણ કાર્યવાહી જરૂરી છે. સરકારનું માનવું છે કે આ કાયદાથી ખેલાડીઓને ડોપિંગ નેટવર્કથી બચાવવામાં મદદ મળશે અને રમતોમાં પારદર્શિતા વધશે.

દેશભરમાં ઉજવવામાં આવશે કોમનવેલ્થ ગેમ્સ ડે

આ દરમિયાન રમતગમત મંત્રાલયે 24 મે 2026ના રોજ દેશભરમાં 'કોમનવેલ્થ ગેમ્સ ડે' મોટા પાયે ઉજવવાની જાહેરાત કરી છે. આ અવસરે 'ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ' ની 75મી આવૃત્તિનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દેશભરમાં 8,000 થી વધુ સ્થળોએ યોજાશે. તેનો હેતુ ફિટનેસ, રમતગમતની ભાવના, એકતા અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાનો છે. આનું મુખ્ય આયોજન અમદાવાદમાં થશે, જ્યાં મનસુખ માંડવિયા સાથે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ભાગ લેશે. સરકારનું કહેવું છે કે આ પહેલ દ્વારા લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરવાનો અને રમતગમતની સંસ્કૃતિને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ પણ વાંચો- West Bengalમાં સુરક્ષા કડક, 20 જૂન સુધી તૈનાત રહેશે CAPFની 500 કંપનીઓ!