ભારતીય પુરુષ હોકી ટીમે ફરી એકવાર એશિયામાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. 5 નવેમ્બરે મોહાલીના ઓલિમ્પિયન બલબીર સિંહ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમમાં રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026ની ફાઇનલમાં ભારતે જાપાનને 4-1થી હરાવીને છઠ્ઠી વખત ખિતાબ જીતી લીધો છે. ખાસ વાત એ રહી કે એક સમયે ભારત 0-1થી પાછળ હતું, પરંતુ ભારતીય ખેલાડીઓએ શાનદાર વાપસી કરીને મેચનું પરિણામ જ બદલી નાખ્યું. મેચની શરૂઆત ભારત માટે સારી રહી નહોતી. ત્રીજી જ મિનિટે જાપાનના કાઝુમાસા માત્સુમોતોએ ગોલ કરીને પોતાની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. ત્યારબાદ જાપાને રક્ષણાત્મક રમત બતાવીને ભારતીય ખેલાડીઓને ગોલ કરવાની તકોથી દૂર રાખ્યા હતા. ભારતે શરૂઆતમાં ઘણી કોશિશ કરી, પરંતુ જાપાનની મજબૂત રક્ષણાત્મક ગોઠવણ તોડવી આસાન નહોતી.
શિલાનંદે બરાબરી કરાવી, દિલપ્રીતે અપાવી સરસાઈ
ભારત માટે વળતો પ્રહાર ત્રીજા ક્વાર્ટરમાં શરૂ થયો હતો. 42મી મિનિટે શિલાનંદ લાકરાએ ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો હતો. આ ગોલથી ભારતીય ટીમમાં નવો ઉત્સાહ જોવા મળ્યો અને ખેલાડીઓએ આક્રમક રમત શરૂ કરી હતી. ત્યારબાદ ચોથા ક્વાર્ટરમાં ભારતે મેચ પર સંપૂર્ણ પકડ બનાવી લીધી હતી. 48મી મિનિટે દિલપ્રીત સિંહે ગોલ કરીને ભારતને 2-1થી આગળ કરી દીધું હતું. હવે જાપાન પર દબાણ વધી ગયું હતું. 53મી મિનિટે જુગરાજ સિંહે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવીને ભારત માટે ત્રીજો ગોલ કર્યો હતો. તેના તરત પછી 54મી મિનિટે વિવેક સાગર પ્રસાદે ચોથો ગોલ કરીને ભારતની જીત પાકી કરી દીધી હતી. અંતે ભારતે 4-1થી ફાઇનલ પોતાના નામે કરી હતી.
