વુમન્સ હોકી જુનિયર એશિયા કપ 2026માં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગુરુવાર, 10 સપ્ટેમ્બરે ચીનના મોકીમાં રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને 19-0થી હરાવ્યું. ભારત તરફથી પૂજા મલિકે સૌથી વધુ 3 ગોલ કર્યા હતા. તેમણે 27મી, 49મી અને 51મી મિનિટે ગોલ કર્યા હતા. જ્યારે ચંદ્રકાંત સાનિકા માને, મધુ સિદાર, સુપ્રિયા અને ઐંદ રોશનીએ 2-2 ગોલ કર્યા હતા. ચંદ્રકાંત સાનિકા માને 13મી અને 23મી મિનિટે, મધુ સિદારે 16મી અને 39મી મિનિટે, સુપ્રિયાએ 40મી અને 54મી મિનિટે અને ઐંદ રોશનીએ 9મી અને 60મી મિનિટે ગોલ કર્યા હતા.

ભારત તરફથી 8 ખેલાડીઓએ ફટકાર્યા 1-1 ગોલ

પૂજા સાહુએ 7મી મિનિટે, દિનેશ તુનશ્રી કાડુએ 11મી મિનિટે, સુખવીર કૌરે 13મી મિનિટે, ગીતા યાદવે 18મી મિનિટે, તનુજા ટોપ્પોએ 25મી મિનિટે, પૂર્ણિમા યાદવે 33મી મિનિટે, કૃષ્ણા શર્માએ 48મી મિનિટે અને બિનિમા ધને 55મી મિનિટે 1-1 ગોલ કર્યો હતો. સેમિફાઇનલમાં ભારતનો સામનો મલેશિયા અને કોરિયા વચ્ચે રમાનારી ચોથી ક્વાર્ટર ફાઇનલના વિજેતા સામે થશે. સેમિફાઇનલ મેચ 12 સપ્ટેમ્બરે રમાશે.

https://twitter.com/TheHockeyIndia/status/2097933987507474689

આ મેચમાં ભારતનું સંપૂર્ણ વર્ચસ્વ રહ્યું હતું અને પાકિસ્તાની ખેલાડીઓ કંઈ કરી શક્યા નહોતા. શરૂઆતના 2 ક્વાર્ટરમાં ભારતે કુલ 10 ગોલ કર્યા હતા. એટલે કે હાફટાઇમ સુધી ભારત 10-0થી આગળ હતું. ત્યાર બાદ ત્રીજા ક્વાર્ટરમાં પાકિસ્તાનને થોડી રાહત મળી, જેમાં ભારતે માત્ર 3 ગોલ કર્યા હતા. છેલ્લું ક્વાર્ટર ફરી ભારત માટે દમદાર રહ્યું અને તેમાં 6 ગોલ થયા હતા. ભારતના 7 ગોલ પેનલ્ટી કોર્નરથી આવ્યા હતા, જ્યારે 2 ગોલ પેનલ્ટી સ્ટ્રોક પર થયા હતા. ભારતના બાકીના 11 ગોલ ફીલ્ડ ગોલ હતા.

ભારત 2 વખત ખિતાબ જીતી ચૂક્યું છે

ભારત અને ચીને એલીટ પૂલ તબક્કો 10-10 પોઈન્ટ સાથે પૂર્ણ કર્યો હતો. જોકે, ગોલના વધુ સારા અંતરના કારણે ભારત એલીટ પૂલમાં ટોચના સ્થાને રહ્યું હતું. ભારતે જાપાન, કોરિયા અને મલેશિયા સામેની મેચ જીતી હતી, જ્યારે ચીન સામેની મેચ ડ્રો રહી હતી. પાકિસ્તાની ટીમની વાત કરીએ તો તેણે ચેલેન્જર પૂલમાં 4 મેચ રમીને 7 પોઈન્ટ મેળવ્યા હતા અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ચેલેન્જર પૂલમાં બાંગ્લાદેશ પ્રથમ અને કઝાકિસ્તાન બીજા સ્થાને રહ્યું હતું.

ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન, દક્ષિણ કોરિયા સૌથી સફળ ટીમ

વુમન્સ હોકી જુનિયર એશિયા કપની આ 10મી આવૃત્તિ છે. ભારતીય ટીમ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. 2024માં મસ્કટમાં યોજાયેલી સ્પર્ધામાં ભારતે ચીનને હરાવીને સતત બીજી વખત ખિતાબ જીત્યો હતો. દક્ષિણ કોરિયા આ ટૂર્નામેન્ટની સૌથી સફળ ટીમ છે. તેણે 4 વખત 1992, 1996, 2000 અને 2008માં ખિતાબ જીત્યો છે. જ્યારે ચીને 3 વખત 2004, 2012 અને 2015માં ખિતાબ જીત્યો છે.

આ પણ વાંચો-BB 20 : 'મને રેપ અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી...' મનોજ તિવારીની દીકરીનો ચોંકાવનારો ખુલાસો!