કોલકાતાના વિવેકાનંદ યુવા ભારતી ક્રીડાંગણમાં ભારતીય ફૂટબોલ ટીમ માટે મંગળવારની રાત યાદગાર પણ રહી અને નિરાશાજનક પણ બની. ભારતના મિડફિલ્ડર અનિરુદ્ધ થાપાએ 2 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઉરુગ્વે સામે ગોલ કરીને ભારતીય ફૂટબોલના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. જોકે, થાપાની આ શાનદાર કોશિશ ભારતને મોટી હારથી બચાવી શકી નહોતી. ઉરુગ્વેએ બીજા હાફમાં સંપૂર્ણ દબદબો જમાવીને ભારતને 6-1થી હરાવ્યું.

થાપાએ ફટકાર્યો ઐતિહાસિક ગોલ

ભારત માટે અનિરુદ્ધ થાપાએ 22મી મિનિટે ગોલ કર્યો હતો. આ પહેલા ઉરુગ્વેના સ્ટાર ખેલાડી ડાર્વિન નુનેઝે 11મી મિનિટે પેનલ્ટી પર ગોલ કરીને પોતાની ટીમને 1-0ની લીડ અપાવી હતી.જોકે,ભારતે તરત જ વાપસી કરી હતી. ઉરુગ્વેના ગોલકીપર થિયાગો કાર્ડોઝોએ રિયાન વિલિયમ્સના શોટને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રિબાઉન્ડ બોલ થાપા પાસે પહોંચ્યો હતો. થાપાએ કોઈ ભૂલ કર્યા વિના બોલને ગોલમાં મોકલી દીધો હતો.ગોલ બાદ થાપાએ કોલકાતાના સ્ટેડિયમમાં હાજર હજારો ચાહકો તરફ જોઈને ઉજવણી કરી હતી. એક સમયે ભારતે 2 વખતની વર્લ્ડ ચેમ્પિયન ટીમ સામે સ્કોર 1-1થી બરાબર કરી લીધો હતો.

https://x.com/IndianFootball/status/2107513294156394540?s=20

ઉરુગ્વેના અરાઉહોએ ફટકાર્યા 2 ગોલ

ભારતની બરાબરી બાદ ઉરુગ્વેએ પોતાની રમતનો દબદબો વધાર્યો હતો. મેક્સિમિલિયાનો અરાઉહોએ 29મી મિનિટે ગોલ કરીને ઉરુગ્વેને ફરી 2-1થી આગળ કરી દીધું હતું.બીજા હાફમાં પણ ઉરુગ્વેએ આક્રમક રમત ચાલુ રાખી હતી. રોડ્રિગો સાલાઝારે 53મી મિનિટે ટીમનો ત્રીજો ગોલ કર્યો હતો. ત્યારબાદ અરાઉહોએ 59મી મિનિટે પોતાનો બીજો ગોલ કરીને સ્કોર 4-1 કરી દીધો હતો.ત્યારબાદ ઉરુગ્વે તરફથી જેએમ સાનાબ્રિયાએ 71મી મિનિટે પાંચમો ગોલ કર્યો હતો. મેચ પૂરી થવાના થોડા સમય પહેલાં રોડ્રિગો અગ્વિરે 87મી મિનિટે છઠ્ઠો ગોલ કરીને ઉરુગ્વેની જીત 6-1થી નિશ્ચિત કરી હતી.

થાપાએ રચ્યો ખાસ ઇતિહાસ

ઉરુગ્વે સામે ગોલ કરીને અનિરુદ્ધ થાપાએ ભારતીય ફૂટબોલમાં ખાસ સિદ્ધિ મેળવી છે. સિનિયર આંતરરાષ્ટ્રીય મેચમાં ઉરુગ્વે સામે ગોલ કરનારા તેઓ ભારતના માત્ર બીજા ખેલાડી બન્યા છે.આ પહેલા આ સિદ્ધિ માનસ ભટ્ટાચાર્યએ મેળવી હતી. તેમણે 1982ના નેહરુ કપમાં ઈડન ગાર્ડન્સ ખાતે ઉરુગ્વે સામે ભારત માટે ગોલ કર્યો હતો. તે મેચમાં ભારતને 1-3થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતનો આંતરરાષ્ટ્રીય વિન્ડો અભિયાન પૂર્ણ

ઉરુગ્વે સામેની આ હાર સાથે ભારતનું 3 મેચનું આંતરરાષ્ટ્રીય વિન્ડો અભિયાન પૂર્ણ થયું છે. ભારતે પનામા સામે 1-1થી ડ્રો રમ્યો હતો,જ્યારે બ્રાઝિલ અને ઉરુગ્વે સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.ઉરુગ્વે સામેની હાર નિરાશાજનક રહી હોવા છતાં અનિરુદ્ધ થાપાનો ઐતિહાસિક ગોલ ભારતીય ફૂટબોલ ચાહકો માટે આ મેચની સૌથી યાદગાર ક્ષણ બની રહ્યો.

આ પણ વાંચો - Messiની આર્જેન્ટિનાની જર્સીમાં અંતિમ મેચ બની યાદગાર