દેશની સર્વોચ્ચ અદાલતે સ્ટાર મહિલા પહેલવાન વિનેશ ફોગાટના હકમાં એક મોટો અને ઐતિહાસિક ચૂકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વિનેશ ફોગાટને એશિયન ગેમ્સ 2026ના સિલેક્શન ટ્રાયલ્સમાં સામેલ થવા માટે લીલી ઝંડી આપી દીધી છે. અદાલતે દિલ્હી હાઈકોર્ટના એ આદેશને યથાવત રાખ્યો છે, જેમાં વિનેશને ટ્રાયલ્સમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) ની એ વિશેષ અરજીને ફગાવી દીધી છે, જેમાં હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો.
દેશ પ્રત્યેના તેના યોગદાનની પ્રશંસા કરી
સુનાવણી દરમિયાન જસ્ટિસ પીએસ નરસિમ્હાની ખંડપીઠે વિનેશ ફોગાટની રમત જગતમાં સિદ્ધિઓ અને દેશ પ્રત્યેના તેના યોગદાનની પ્રશંસા કરી હતી. કોર્ટે મૌખિક ટિપ્પણી કરતા કહ્યું કે, વિનેશે આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધાર્યું છે અને એક એથલીટ તરીકે તેની શાખ મજબૂત છે.
હંમેશા યાદ રાખો કે દેશ સૌથી પહેલા આવે છે
જોકે, કોર્ટે વિનેશને એ પણ યાદ અપાવ્યું હતું કે કોઈપણ ખેલાડી માટે દેશની ગરિમા અને રમતના નિયમો સર્વોપરી હોવા જોઈએ. બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "તમે એક શાનદાર ખેલાડી રહ્યા છો, પરંતુ હંમેશા યાદ રાખો કે દેશ સૌથી પહેલા આવે છે."
અદાલતોએ આટલી સરળતાથી હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં
વિનેશ ફોગાટને આ કેસમાં મોટી રાહત આપવાની સાથે જ સુપ્રીમ કોર્ટે સ્પોર્ટ્સ ફેડરેશન્સના આંતરિક અને ટેકનિકલ મામલાઓમાં અદાલતોની વધતી દખલગીરી પર ઊંડી ચિંતા અને નારાજગી પણ વ્યક્ત કરી હતી. જસ્ટિસ નરસિમ્હાએ કડક લહેજામાં કહ્યું કે, રમતગમતની સ્પર્ધાઓના શિડ્યુલ અને પસંદગી પ્રક્રિયાઓમાં અદાલતોએ આટલી સરળતાથી હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં. આ કોઈ મેડિકલ કોલેજમાં એડમિશનનો મામલો નથી, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતો છે.
WFI વચ્ચે મતભેદ
આ વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે એશિયન ગેમ્સ માટે સિલેક્શન ટ્રાયલ્સના નિયમોને લઈને વિનેશ અને WFI વચ્ચે મતભેદ થયા હતા. વિનેશે દિલ્હી હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જ્યાં તેની જીત થઈ હતી. હવે સુપ્રીમ કોર્ટના આ આખરી નિર્ણય બાદ વિનેશ ફોગાટ પાસે આગામી એશિયન ગેમ્સ માટે પોતાની દાવેદારી મજબૂત કરવાનો સોનેરી મોકો રહેશે.
આ પણ વાંચો---- Iscon Bridge Accident : તથ્યને 90 વર્ષની સજા થવી જોઈએ, છલકાયું પીડિતનું દર્દ, વાંચો સંદેશ ડીજીટલ Exclusive