એશિયન ગેમ્સ 2026માં ભારતના મેડલ અભિયાનમાં વધુ એક ગોલ્ડ મેડલનો ઉમેરો થયો છે.ભારતીય મહિલા 4x400 મીટર રિલે ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે ભારતના ખાતામાં ગોલ્ડ મેડલની સંખ્યા 6 થઈ ગઈ છે.નાગોયામાં યોજાયેલી આ રોમાંચક રેસમાં ભારતીય ટીમે અંતિમ ક્ષણો સુધી જોરદાર ટક્કર આપી હતી.કિરણ પહલ, પૂવમ્મા એમઆર, પ્રાચી અને વિથ્યા રામરાજની ભારતીય ટીમે 3 મિનિટ 29.69 સેકન્ડના સમય સાથે રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.બહેરીનની ટીમે પણ ભારતને અંત સુધી પડકાર આપ્યો હતો. બહેરીને 3 મિનિટ 30.21 સેકન્ડના સમય સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે ચીન 3 મિનિટ 31.02 સેકન્ડના સમય સાથે બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળ રહ્યું.
ભારતની શરૂઆત ધીમી રહી
ભારતીય ટીમની શરૂઆત અપેક્ષા પ્રમાણે ઝડપી રહી નહોતી. પ્રથમ ધાવક કિરણ પહલે શરૂઆતમાં થોડો સમય ગુમાવ્યો હતો. જ્યારે તેમણે બેટન પૂવમ્મા એમઆરને સોંપ્યું ત્યારે ભારત ત્રીજા સ્થાને હતું.પરંતુ અનુભવી પૂવમ્માએ શાનદાર દોડ લગાવીને ભારતીય ટીમને આગળ પહોંચાડી. ત્યારબાદ પ્રાચીએ બેટન સંભાળ્યું અને ભારતને ટોચની ટીમોની નજીક જાળવી રાખ્યું.છેલ્લા લેગમાં વિથ્યા રામરાજ પર મોટી જવાબદારી હતી. બેટન મળતાની સાથે જ વિથ્યાએ પોતાની પૂરી તાકાત લગાવી દીધી અને ભારતને ગોલ્ડ મેડલ સુધી પહોંચાડ્યું.
વિથ્યા રામરાજની શાનદાર દોડ
બહેરીનની સ્ટાર દોડવીર સલવા ઈદ નસ્ર પણ અંતિમ લેગમાં ઝડપથી આગળ વધી રહી હતી. તેમણે એક પછી એક સ્પર્ધકોને પાછળ છોડ્યા અને ભારતીય ટીમની નજીક પહોંચી ગઈ હતી.પરંતુ વિથ્યા રામરાજે અંત સુધી પોતાની ઝડપ જાળવી રાખી. તેમણે બહેરીનની દોડવીરને આગળ નીકળવાની તક આપી નહીં અને ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો.
વિથ્યા માટે એશિયન ગેમ્સ બની ખાસ
વિથ્યા રામરાજ માટે એશિયન ગેમ્સ 2026 યાદગાર બની રહી છે. એક દિવસ પહેલાં જ તેમણે 400 મીટર હર્ડલ્સમાં પીટી ઉષાનો રેકોર્ડ તોડીને ચર્ચા જગાવી હતી.હવે 4x400 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ જીતીને વિથ્યાએ આ એશિયન ગેમ્સમાં પોતાનો ત્રીજો મેડલ પણ મેળવી લીધો છે.ભારતીય મહિલા રિલે ટીમે અગાઉની એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે ટીમે એક પગલું આગળ વધીને પોડિયમ પર પ્રથમ સ્થાન મેળવ્યું છે.
પુરુષોની ટીમે પણ જીત્યો બ્રોન્ઝ
ભારતની પુરુષોની 4x400 મીટર રિલે ટીમે પણ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.જાપાનની ટીમે ગોલ્ડ મેડલ જ્યારે કતારે સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત માટે મનુ ટી અને વિશાલ ટીકે સહિતના દોડવીરોએ શાનદાર પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમ જાપાન અને કતારથી આગળ નીકળી શકી નહોતી.આ રીતે એશિયન ગેમ્સ 2026માં ભારતીય એથ્લેટિક્સ ટીમે વધુ 2 મેડલ પોતાના નામે કર્યા છે, જેમાં મહિલા ટીમનો ગોલ્ડ મેડલ સૌથી ખાસ રહ્યો છે.
આ પણ વાંચો - Gulveer Singhએ એશિયન ગેમ્સમાં રચ્યો ઇતિહાસ, એક જ ગેમ્સમાં 3 મેડલ જીતનાર બીજા ભારતીય ખેલાડી બન્યો