ભારતીય મહિલા હોકી ટીમ માટે 2026નું વર્ષ યાદગાર બની રહ્યું છે. એક પછી એક મોટી સિદ્ધિઓ મેળવી રહેલી ટીમે હવે વિશ્વ હોકીમાં પોતાની તાકાતનો વધુ એક પુરાવો આપ્યો છે. ભોપાલમાં રમાઈ રહેલી મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચીનને 6-2થી હરાવ્યા બાદ ભારત FIH વર્લ્ડ રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી ગયું છે. ઓક્ટોબર 2003માં આ રેન્કિંગ શરૂ થઈ ત્યારથી ભારતીય મહિલા ટીમનું આ સર્વશ્રેષ્ઠ સ્થાન છે. અગાઉ ટીમનું શ્રેષ્ઠ રેન્કિંગ છઠ્ઠું હતું. ખાસ વાત એ છે કે એક સમયે પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે ક્વોલિફાય ન થઈ શકેલી આ ટીમે હવે માત્ર બે વર્ષમાં વિશ્વની ટોચની પાંચ ટીમોમાં સ્થાન મેળવી લીધું છે.
ચીનને હરાવી પાંચમા સ્થાને પહોંચી
ભારતીય મહિલા ટીમે ભોપાલમાં રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચમાં ચીન સામે શરૂઆતથી જ આક્રમક રમત બતાવી હતી. ભારતે આ મુકાબલો 6-2થી પોતાના નામે કર્યો હતો. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવી અને પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું. આ મેચમાં દીપિકાએ પ્રથમ ક્વાર્ટરમાં જ હેટ્રિક ફટકારી હતી. તેણે પ્રથમ, છઠ્ઠી અને 14મી મિનિટે ગોલ કર્યા હતા. લાલરેમસિયામીએ 19મી મિનિટે, નેહાએ 22મી મિનિટે અને સાક્ષી રાણાએ 33મી મિનિટે ગોલ કરીને ભારતનો સ્કોર 6 સુધી પહોંચાડ્યો હતો. હોકી ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે, મહિલા એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ચીન સામે ભારતનો આ સૌથી મોટા અંતરનો વિજય હતો. આ જીતની સાથે ભારતે FIH રેન્કિંગમાં બે સ્થાનની છલાંગ લગાવીને પાંચમું સ્થાન મેળવ્યું.
https://x.com/TheHockeyIndia/status/2125270946433122582?a=kWXqGLafow9FFP5iAH8&s=20
અગાઉ છઠ્ઠું હતું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ
ભારતીય મહિલા ટીમનું અગાઉનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છઠ્ઠું હતું. ટીમ મે 2022થી જૂન 2022 દરમિયાન FIH પ્રો લીગમાં શાનદાર પ્રદર્શન કરીને આ સ્થાન પર પહોંચી હતી. 2023માં પણ ભારતે છઠ્ઠું સ્થાન મેળવ્યું હતું. આ પહેલાં ટોક્યો ઓલિમ્પિક્સ 2020માં ચોથું સ્થાન મેળવ્યા બાદ ટીમ આઠમા ક્રમે પહોંચી હતી. જ્યારે 2018માં મહિલા હોકી વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા બાદ ભારતનું રેન્કિંગ નવમું થયું હતું. હાલના રેન્કિંગમાં ભારતથી આગળ નેધરલેન્ડ્સ, આર્જેન્ટિના, બેલ્જિયમ અને સ્પેન છે. ભારતે જર્મની અને ઇંગ્લેન્ડ જેવી ટીમોને પાછળ છોડીને પાંચમું સ્થાન મેળવ્યું છે. આ સાથે ભારત હવે એશિયાની સૌથી ઊંચું રેન્કિંગ ધરાવતી મહિલા હોકી ટીમ બની છે. ચીન આ યાદીમાં આઠમા સ્થાને સરકી ગયું છે.
2026માં એક પછી એક મોટી સિદ્ધિઓ
ભારતીય મહિલા હોકી ટીમે આ વર્ષે માત્ર રેન્કિંગમાં જ નહીં, પરંતુ મેદાન પર પણ નોંધપાત્ર સફળતા મેળવી છે. ટીમે FIH વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યા બાદ નેશન્સ કપનો ખિતાબ જીત્યો હતો. આ જીતથી ભારતને ફરીથી પ્રો લીગમાં રમવાની તક મળી. ત્યારબાદ મહિલા વર્લ્ડ કપમાં ભારતે પાંચમું સ્થાન મેળવ્યું હતું. 1974 પછી વર્લ્ડ કપમાં ટીમનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું. આ પછી એશિયન ગેમ્સમાં ભારતે 44 વર્ષનો દુકાળ પૂરો કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. આ જીતના કારણે ટીમે લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 માટે સીધું ક્વોલિફિકેશન પણ મેળવ્યું હતું.
કોચની વાપસી બાદ ટીમનો બદલાયેલો અંદાજ
ભારતીય મહિલા ટીમના આ ઉછાળામાં કોચ સ્યોર્ડ મારિનેની ભૂમિકા પણ મહત્ત્વપૂર્ણ રહી છે. તેમના માર્ગદર્શન હેઠળ ટીમે આક્રમક રમતની સાથે સંરક્ષણમાં પણ સુધારો કર્યો છે. દીપિકાની પેનલ્ટી કોર્નર પર ગોલ કરવાની ક્ષમતા ટીમની મોટી તાકાત બની છે. બીજી તરફ, ગોલકીપર સવિતા અને બિચુ દેવીના પ્રદર્શનથી સંરક્ષણ મજબૂત બન્યું છે. અનુભવી ખેલાડીઓની સાથે યુવા ખેલાડીઓએ પણ જવાબદારી નિભાવી છે.
હવે ભારત સામે ઘરઆંગણે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાનો પડકાર છે. વિશ્વ રેન્કિંગમાં પાંચમું સ્થાન મેળવ્યા બાદ ટીમની નજર આ ટૂર્નામેન્ટનો ખિતાબ જીતવા પર રહેશે.
આ પણ વાંચો: પી.ટી. ઉષાનો મોટો નિર્ણય! IOA પ્રમુખપદની ચૂંટણી નહીં લડે, હવે ત્રણ વચ્ચે જંગ