કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026 માટે ભારતીય પુરુષ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટ માટે 14 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં નવીન કુમાર, સચિન તંવર અને ભરત હુડ્ડા જેવા જાણીતા ખેલાડીઓનો સમાવેશ થાય છે. અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 23થી 31 ઓક્ટોબર દરમિયાન આ ચેમ્પિયનશિપ રમાશે.
નવીન કુમાર અને સચિન તંવર પર રહેશે નજર
ભારતીય ટીમમાં નવીન કુમાર અને સચિન તંવર જેવા અનુભવી રેડર્સને સ્થાન મળ્યું છે. પ્રો કબડ્ડી લીગ (PKL)માં પોતાની રમતથી ઓળખ બનાવનાર નવીન કુમાર પાસે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ પાડવાની તક રહેશે. સચિન તંવર પણ ટીમના મહત્ત્વના ખેલાડીઓમાં સામેલ છે. આ ઉપરાંત પંકજ મોહિતે, આદિત્ય શિંદે, શિવમ પાટરે અને નીરજ નરવાલ જેવા ખેલાડીઓ ભારતીય ટીમના આક્રમણને મજબૂતી આપશે.
ભારતીય પુરુષ કબડ્ડી ટીમમાં કોને સ્થાન મળ્યું?
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ માટે પસંદ કરાયેલી ટીમમાં રેડર્સ, ડિફેન્ડર્સ અને ઓલરાઉન્ડર્સનો સમાવેશ થાય છે.
રેડર્સ: સચિન તંવર, નવીન કુમાર, પંકજ મોહિતે, આદિત્ય શિંદે અને શિવમ પાટરે.
ડિફેન્ડર્સ: સુરજીત સિંહ, અજિત પવાર, પરવેશ મલિક, શુભમ શિંદે, નિતેશ કુમાર, યોગેશ દહિયા અને દીપક સંકર.
ઓલરાઉન્ડર્સ: ભરત હુડ્ડા અને નીરજ નરવાલ.
ડિફેન્સમાં અનુભવી ખેલાડીઓને તક
ભારતીય ટીમના ડિફેન્સમાં સુરજીત સિંહ અને શુભમ શિંદે જેવા ખેલાડીઓ સામેલ છે. તેમની સાથે અજિત પવાર, પરવેશ મલિક, નિતેશ કુમાર, યોગેશ દહિયા અને દીપક સંકર પણ ટીમનો ભાગ છે. કબડ્ડીમાં મજબૂત ડિફેન્સ વિરોધી ટીમના રેડર્સને રોકવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેથી ટૂર્નામેન્ટ દરમિયાન ભારતીય ડિફેન્ડર્સનું પ્રદર્શન ટીમના પરિણામ પર અસર કરી શકે છે.
અમદાવાદમાં યોજાશે ચેમ્પિયનશિપ
કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપની પ્રથમ આવૃત્તિ અમદાવાદમાં યોજાવાની છે. 23થી 31 ઓક્ટોબર સુધી ચાલનારી આ સ્પર્ધામાં ભારત સહિત કોમનવેલ્થ દેશોની ટીમો ભાગ લેશે. ટૂર્નામેન્ટમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, નાઇજીરિયા, સ્કોટલેન્ડ, કેન્યા, તાન્ઝાનિયા, મલેશિયા, સિંગાપોર, કેનેડા, શ્રીલંકા અને યુગાન્ડાની ટીમો ભાગ લેશે. પાકિસ્તાને ટૂર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચ્યું છે. કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ 2026નું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. જ્યારે ટૂર્નામેન્ટની લાઇવ સ્ટ્રીમિંગ જિયોસ્ટારની એપ અને વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે.
આ પણ વાંચો: Asian Para Games 2026 :કોણ છે મોના અગ્રવાલ? પોલિયોને હરાવી શૂટિંગમાં જીત્યો ગોલ્ડ, દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું