કહેવાય છે કે સપનાં પૂરાં કરવા માટે પાંખોની નહીં, પરંતુ મજબૂત હિંમત અને દૃઢ નિશ્ચયની જરૂર હોય છે. ભારતીય પેરા શૂટર મોના અગ્રવાલે આ વાત સાબિત કરી બતાવી છે. જાપાનના આઇચી-નાગોયામાં યોજાયેલી એશિયન પેરા ગેમ્સમાં મોનાએ શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 સ્પર્ધામાં તેણે શાનદાર પ્રદર્શન કરીને એશિયન ગેમ્સનો રેકોર્ડ પણ તોડ્યો હતો.આ સ્પર્ધામાં ભારતની અવની લેખારાએ પણ સિલ્વર મેડલ જીતીને દેશની સફળતામાં વધારો કર્યો હતો. બંને ભારતીય ખેલાડીઓના પ્રદર્શનથી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય પેરા શૂટિંગની તાકાત ફરી એકવાર જોવા મળી હતી.
મોનાએ ગોલ્ડ જીતવાની સાથે બનાવ્યો નવો રેકોર્ડ
મોના અગ્રવાલે મહિલાઓની 10 મીટર એર રાઇફલ સ્ટેન્ડિંગ SH1 સ્પર્ધામાં 250 પોઇન્ટ મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. આ પ્રદર્શન સાથે તેણે સ્પર્ધાનો એશિયન ગેમ્સ રેકોર્ડ તોડ્યો હતો.ભારતની અવની લેખારાએ 249.6 પોઇન્ટ મેળવીને સિલ્વર મેડલ જીત્યો હતો. બંને ખેલાડીઓ વચ્ચે માત્ર 0.4 પોઇન્ટનો તફાવત રહ્યો હતો. આ પરિણામ ભારતીય શૂટિંગ માટે ખાસ રહ્યું હતું, કારણ કે ગોલ્ડ અને સિલ્વર બંને મેડલ ભારતને મળ્યા હતા.આ સફળતાની સાથે બંને ભારતીય ખેલાડીઓએ 2028ના લોસ એન્જલસ પેરાલિમ્પિક્સ માટે પણ ક્વોલિફિકેશન મેળવ્યું હતું.અગાઉની એશિયન પેરા ગેમ્સમાં અવની લેખારાએ આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે, આ વખતે મોના અગ્રવાલે તેને પાછળ છોડીને પોતાનો પ્રથમ એશિયન પેરા ગેમ્સ મેડલ જીત્યો હતો.
કોણ છે મોના અગ્રવાલ?
મોના અગ્રવાલનો જન્મ રાજસ્થાનના સીકર જિલ્લામાં થયો હતો.બાળપણમાં જ તેમને પોલિયો થયો હતો.અહેવાલો અનુસાર જ્યારે મોના માત્ર 9 મહિનાની હતી ત્યારે તેમને આ બીમારી થઈ હતી.શારીરિક પડકારો હોવા છતાં મોનાએ જીવનમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું.તેણે વૉલીબૉલ સહિત અનેક રમતોમાં હાથ અજમાવ્યો હતો. ત્યારબાદ વર્ષ 2021માં તેણે શૂટિંગને પોતાની કારકિર્દી તરીકે પસંદ કર્યું હતું.ઓછા સમયમાં જ મોનાએ પોતાની મહેનત,એકાગ્રતા અને સતત અભ્યાસના આધારે શૂટિંગમાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી.આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતવો તેની આ સફરની મોટી સિદ્ધિ છે.
https://x.com/Media_SAI/status/2112088274001179063?s=20
પરિવારના પડકારો વચ્ચે દાદીનો મળ્યો સાથ
મોના ત્રણ બહેનોમાં સૌથી નાની છે.તેમના પરિવારમાં પુત્રની અપેક્ષા રાખવામાં આવતી હતી.આવી પરિસ્થિતિમાં મોનાને બાળપણમાં પરિવારની કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.જોકે,તેની દાદી ગીતાદેવીએ હંમેશાં તેનો સાથ આપ્યો હતો. પરિવારના આ સાથ અને પોતાના દૃઢ નિશ્ચયથી મોનાએ જીવનમાં આગળ વધવાનો માર્ગ પસંદ કર્યો હતો.મોનાની સફર દર્શાવે છે કે વ્યક્તિની ક્ષમતા તેના શારીરિક પડકારોથી નક્કી થતી નથી.યોગ્ય તક, સતત મહેનત અને આત્મવિશ્વાસથી મોટી સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે.
મોના અગ્રવાલની સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણા
મોના અગ્રવાલે એશિયન પેરા ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને પોતાની મહેનતનું ફળ મેળવ્યું છે. તેની સાથે અવની લેખારાએ સિલ્વર મેડલ જીતીને ભારતને વધુ એક ગૌરવપૂર્ણ સફળતા અપાવી હતી.મોનાની આ સિદ્ધિ માત્ર એક મેડલ જીતવા પૂરતી સીમિત નથી. તે એવા તમામ ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે, જેઓ મુશ્કેલીઓ વચ્ચે પણ પોતાનાં સપનાં પૂરાં કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે.શૂટિંગમાં મોનાએ મેળવેલી આ સફળતા ભારતીય પેરા રમતગમત માટે એક યાદગાર ક્ષણ બની છે.
આ પણ વાંચો - Para Asian Games 2026: PM મોદીએ ભારતીય ખેલાડીઓને પાઠવી શુભેચ્છા, કહ્યું- ‘દેશને તમારા પર ગર્વ’