ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ઓલિમ્પિક સોલિડેરિટી કાર્યક્રમ હેઠળ ભારતીય ઓલિમ્પિક સંઘને ભંડોળ ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. IOC એક્ઝિક્યુટિવ બોર્ડે ગયા વર્ષે ખેલાડી વિકાસ કાર્યક્રમ માટે 15 કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ બંધ કરી દીધી હતી.
આંતરિક વિવાદો અને સુશાસન સંબંધિત સમસ્યાઓને કારણે IOC એ આ નિર્ણય લીધો હતો. પરંતુ તાજેતરમાં IOA દ્વારા લેવામાં આવેલા મોટા પગલાં અને ભારત સરકાર સાથે સહયોગમાં કરવામાં આવેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ આ નિર્ણય લીધો છે.
વિવાદનું કારણ શું હતું?
ગયા વર્ષે IOA માં આંતરિક ઝઘડા અને શાસનના મુદ્દાઓએ સંગઠનને મુશ્કેલીમાં મૂક્યું હતું. વિવાદનું સૌથી મોટું કારણ રઘુરામ ઐયરની ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિમણૂક હતી, જેને 12 એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્યોએ તેમના ઊંચા પગારનો હવાલો આપીને સ્વીકારવાની ના પાડી હતી. આ સિવાય CAG ના રિપોર્ટમાં ખોટી સ્પોન્સરશિપ ડીલને કારણે 24 કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે. આ મુદ્દાઓને કારણે IOCએ ભંડોળ બંધ કરી દીધું હતું, જે ભારતીય ખેલાડીઓના ટ્રેનિંગ અને વિકાસ કાર્યક્રમોને અસર કરી રહ્યું હતું. પરંતુ હવે IOCએ ભારતીય ઓલિમ્પિક એસોસિએશનનું ભંડોળ પુનઃસ્થાપિત કર્યું છે.
ભારતીય ઓલિમ્પિક એસોસિએશને જણાવ્યું હતું કે IOA અને ભારત સરકાર દ્વારા રમતગમતની ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા અને પાયાના સ્તરથી લઈને ઉચ્ચ વર્ગ સુધીના દરેક સ્તરે રમતવીરોને સપોર્ટ કરવા માટે લેવામાં આવેલા સકારાત્મક પગલાંને સ્વીકાર્યા પછી, IOC એ ભારત માટે તેનો ઓલિમ્પિક સોલિડેરિટી ફંડિંગ પ્રોગ્રામ સંપૂર્ણપણે ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ સહાય ઓલિમ્પિક રમતો અને મુખ્ય ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ટ્રેનિંગ, તૈયારી અને ભાગીદારીમાં મદદ કરશે.
IOA પ્રમુખ પીટી ઉષાને લખ્યો પત્ર
IOCના NOC રિલેશન્સ અને ઓલિમ્પિક સોલિડેરિટીના ડાયરેક્ટર જેમ્સ મેકલિયોડ દ્વારા IOA પ્રમુખ પીટી ઉષાને લખેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે અમે તમારા NOCના આંતરિક વિવાદો અને વહીવટી મુદ્દાઓને ઉકેલવા માટે છેલ્લા કેટલાક અઠવાડિયામાં લેવામાં આવેલા વિવિધ પગલાં અને સુધારાત્મક પગલાંની નોંધ લીધી છે. તમારી NOC એક્ઝિક્યુટિવ કમિટીમાં તમામ બાકી રહેલા આંતરિક મુદ્દાઓ અને ગેરસમજોની રચનાત્મક અને પારદર્શક રીતે ચર્ચા કરવામાં આવી હતી અને એકતા અને સદ્ભાવનાની ભાવનાથી આગળ વધવા અને સાથે મળીને કામ કરવા માટે સામૂહિક રીતે સંમત થયા હતા.