ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને મોટો ઝટકો લાગ્યો છે. ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહેમદ IPL 2026 માંથી બહાર થઈ ગયો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની પાછલી મેચમાં ખલીલ ઈજાગ્રસ્ત થયો હતો. પાવરપ્લેમાં ખલીલ CSKનો મુખ્ય બોલર રહ્યો છે. ટીમ શરૂઆતની ઓવરોમાં વિકેટ લેવા માટે તેના પર ખૂબ આધાર રાખે છે. આ વર્ષની આઈપીએલ સીઝનમાં CSK જયાં સારા પ્રદર્શન તરફ આગળ વધી રહી હતી ત્યારે ખલીલ અહેમદની ગેરહાજરી ટીમ માટે નવો પડકાર બનશે.
KKR સામે ઇજાગ્રસ્ત થયો ખલીલ
ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહેમદ આઈપીએલમાંથી બહાર થતા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની મુશ્કેલીઓમાં વધારો થયો છે. પાછલી બે મેચોમાં જીત મેળવીને CSK ફોર્મમાં પરત ફરતી હતી. દરમિયાન ખલીલ અહેમદની ગેરહાજરી CSK માટે આ એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની રસાકસી ભરી મેચ દરમિયાન ખલીલ અહેમદને ઈજા થઈ હતી. પોતાની ચોથી ઓવર ફેંકતી વખતે તેને જમણા હિપમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો, જેના કારણે તે ઓવર પણ પૂરી કરી શક્યો ન હતો. મેડિકલ રિપોર્ટ્સ અનુસાર, ખલીલને ગ્રેડ-2 ક્વાડ્રિસેપ્સ ઈજા થઈ છે.
ખલીલની ગેરહાજરીથી CSK પર સંકટ
ઈજાની ગંભીરતા જોતા ડોક્ટરોએ ખલીલને ૧૦ થી ૧૨ અઠવાડિયા એટલે કે લગભગ ૩ મહિના સુધી પુનર્વસન (Rehabilitation) માં રહેવાની સલાહ આપી છે. આનો અર્થ એ છે કે તે હવે IPL ની બાકીની મેચોમાં રમી શકશે નહીં. ખલીલ અહેમદ પહેલા નાથન એલિસ પણ ઈજાને કારણે બહાર થઈ ચૂક્યો છે. ટીમની વર્તમાન સ્થિતિ જોઈએ તો મેટ હેનરી હાલ ટીમમાં છે પરંતુ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. ટીમ પાસે હવે મુકેશ ચૌધરી અને રામકૃષ્ણ ઘોષ જેવા અનકેપ્ડ બોલરો પર નિર્ભર રહેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. ખલીલની ગેરહાજરીથી CSK પર સંકટના વાદળ છવાયા.
SRH સામે CSKની થશે ટક્કર
ઇજાગ્રસ્ત ડાબોડી ફાસ્ટ બોલર ભારત માટે ૧૧ વનડે અને ૧૮ ટી૨૦ મેચ રમ્યો છે. તે છેલ્લે જુલાઈ ૨૦૨૪ માં ભારત માટે રમ્યો હતો. આ સિઝનમાં ખલીલનું પ્રદર્શન ખાસ પ્રભાવશાળી નહોતું. તેણે પાંચ મેચમાં ફક્ત બે વિકેટ લીધી, સરેરાશ 73. તેણે 8.67 ના ઇકોનોમી રેટથી રન આપ્યા. હવે જોવાનું એ રહેશે કે કેપ્ટન અને મેનેજમેન્ટ ખલીલની જગ્યાએ કયા બોલરને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન આપે છે. CSK ની આગામી ટક્કર ૧૮ એપ્રિલે હૈદરાબાદના મેદાન પર SRH સામે થશે.
આ પણ વાંચો : Punjab Kings માટે સલમાન ખાનની પોસ્ટ પર પ્રીતિ ઝિન્ટાએ આપ્યો જવાબ