આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) ના યુવા બેટ્સમેન મુકુલ ચૌધરીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. રસપ્રદ વાત એ છે કે, ટીમમાં તેના સાથી ખેલાડી અર્જુન તેંડુલકરે સિઝનની શરૂઆતમાં જ મુકુલની પ્રતિભા વિશે મોટી ભવિષ્યવાણી કરી હતી, જે 9 એપ્રિલના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામેની મેચમાં સાચી સાબિત થઈ.


મુકુલ ચૌધરીનું 'વન મેન શો' પ્રદર્શન

કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની રોમાંચક મેચમાં લખનૌની ટીમ એક સમયે 128 રન પર 7 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી. જીત અશક્ય લાગતી હતી, ત્યારે વિકેટકીપર-બેટ્સમેન મુકુલ ચૌધરીએ માત્ર 27 બોલમાં અણનમ 54 રન ફટકારીને બાજી પલટી નાખી હતી. મુકુલની આ ઇનિંગમાં 7 ગગનચુંબી છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. તેની આક્રમક બેટિંગને કારણે લખનૌએ છેલ્લા બોલે 3 વિકેટથી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. KKR એ પ્રથમ બેટિંગ કરતા 181 રન બનાવ્યા હતા.

અર્જુન તેંડુલકરે શું કહ્યું હતું?

સિઝનની શરૂઆતમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે અર્જુન તેંડુલકરને ભવિષ્યના સ્ટાર ખેલાડીઓ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે મુકુલ ચૌધરીના ભારોભાર વખાણ કર્યા હતા. અર્જુને કહ્યું હતું કે "પ્રેક્ટિસ મેચ દરમિયાન મુકુલના છગ્ગા જોઈને હું ખૂબ પ્રભાવિત થયો હતો. તે મેદાનની ચારેબાજુ - સ્ક્વેર લેગ, પોઈન્ટ અને બોલરની પાછળ પણ શાનદાર સિક્સર ફટકારે છે. તેની બેટિંગમાં ગજબની તાકાત છે."

કોણ છે મુકુલ ચૌધરી?

રાજસ્થાન તરફથી ઘરેલુ ક્રિકેટ રમતા મુકુલ ચૌધરીએ અંડર-23 સ્તરે શાનદાર દેખાવ કરીને પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતું. ૨૦૨૫-૨૬ની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે 198.85 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. આ વિસ્ફોટક ફોર્મને કારણે જ લખનૌ સુપર જાયન્ટ્સે હરાજીમાં તેને ₹2.60 કરોડની મોટી કિંમતે ખરીદ્યો હતો.

અર્જુન તેંડુલકરની નવી શરૂઆત

બીજી તરફ, અર્જુન તેંડુલકર પણ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સનો સાથ છોડીને ₹30 લાખમાં લખનૌ સુપર જાયન્ટ્સ સાથે જોડાયો છે. જોકે, તેને હજુ સુધી પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળ્યું નથી, પરંતુ મુકુલ ચૌધરીના શાનદાર પ્રદર્શન બાદ હવે ફેન્સ અર્જુનને પણ મેદાનમાં જોવા માટે આતુર છે.


આ પણ વાંચો : KKR vs LSG: વીચારીશ નહી, પંતની સલાહ મુકુલ ચૌધરી માટે બની ગુરૂમંત્ર, ધોનીને શા માટે કર્યા યાદ?

  • Follow us on: