23 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નાઈએ કટ્ટર હરીફ મુંબઈ ઈન્ડિયન્સને 103 રનના વિશાળ અંતરથી હરાવીને ઇતિહાસ રચ્યો હતો. મુંબઈ માટે આ હાર શરમજનક સાબિત થઈ કારણ કે IPL ના ઈતિહાસમાં તેઓ પ્રથમ વખત 100થી વધુ રનના માર્જિનથી હાર્યા છે.


બેટિંગમાં સેમસન અને બોલિંગમાં અકીલનો જાદુ

આ મેચમાં ચેન્નાઈના વિજયના મુખ્ય હીરો સંજુ સેમસન અને સ્પિનર અકીલ હુસૈન રહ્યા હતા. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 207 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો, જેમાં સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કરતા 101 રન બનાવ્યા હતા. આ તેની આ સીઝનની બીજી સદી હતી. વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ ચેન્નાઈના બોલિંગ આક્રમણ સામે ટકી શકી નહોતી. ખાસ કરીને અકીલ હુસૈને કાતિલ સ્પિન બોલિંગ દ્વારા 4  મહત્વની વિકેટો ઝડપીને મુંબઈના બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી દીધું હતું, જેના કારણે આખી ટીમ માત્ર 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

પોઈન્ટ ટેબલમાં ચેન્નાઈની હલચલ અને મોટી છલાંગ

મુંબઈ સામેની આ રેકોર્ડબ્રેક જીત બાદ પોઈન્ટ ટેબલમાં મોટો ફેરબદલ જોવા મળ્યો છે. આ જીતથી મળેલા ૨ પોઈન્ટની મદદથી ચેન્નાઈના હવે 7  મેચમાં 6 પોઈન્ટ થયા છે. નોંધપાત્ર વાત એ છે કે, 103 રનના વિજયને કારણે ચેન્નાઈના નેટ રન રેટમાં જબરદસ્ત સુધારો થયો છે, જેનાથી તેઓ આઠમા સ્થાનેથી સીધા પાંચમા સ્થાને પહોંચી ગયા છે. આ કૂદકા સાથે ચેન્નાઈએ મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ જેવી ત્રણ મજબૂત ટીમોને ટેબલમાં એકસાથે પાછળ છોડી દીધી છે.

મુંબઈની મુશ્કેલીઓ અને અન્ય ટીમોની સ્થિતિ

મુંબઈ ઈન્ડિયન્સ માટે આ હાર બેવડો ફટકો સાબિત થઈ છે. મેચ પહેલા 4  પોઈન્ટ સાથે સાતમા સ્થાને રહેલી મુંબઈની ટીમ હવે આઠમા સ્થાને ધકેલાઈ ગઈ છે અને તેમનો નેટ રન રેટ ઘટીને -0.736 થઈ ગયો છે. પોઈન્ટ ટેબલમાં અત્યારે પંજાબ કિંગ્સ હજુ પણ પ્રથમ સ્થાને મક્કમ છે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ નવમા અને કોલકાતા નાઈટ રાઈડર્સ દસમા ક્રમે છે. ગુજરાત અને દિલ્હીના પણ 6 પોઈન્ટ છે, પરંતુ નેટ રન રેટના તફાવતને કારણે તેઓ હવે ચેન્નાઈથી નીચે છે.

આ પણ વાંચો: Sanju Samsonએ રોહિત શર્માની કરી બરાબરી, CSK માટે આ મોટી સિદ્ધિ કરી હાંસલ




  • Follow us on: