વેસ્ટ ઈન્ડિઝના ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર અકીલ હોસીનની વાર્તા સંઘર્ષનું જીવંત ઉદાહરણ છે.
ગેંગ વોર અને ગુનાખોરી
ત્રિનિદાદ અને ટોબેગોના લવેન્ટિલ જેવા ખતરનાક વિસ્તારમાં જન્મેલા અકીલનું બાળપણ ગેંગ વોર અને ગુનાખોરીની વચ્ચે વીત્યું હતું. જ્યાં તેમની ઉંમરના અનેક યુવાનો ગુનાના રસ્તે વળી જતા હતા, ત્યાં અકીલે પોતાના પરિવારને આ અંધકારમાંથી બહાર કાઢવા માટે ક્રિકેટના બેટ અને બોલને હથિયાર બનાવ્યા. તેમની આ મક્કમતા આજે તેમને વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગમાં સફળતાના શિખરે લઈ આવી છે. અકીલની સફળતા પાછળ ત્રિનિદાદના દિગ્ગજ ખેલાડીઓનો પણ મોટો હાથ રહ્યો છે. ફાતિમા સ્કૂલ તરફથી રમતી વખતે તે ચર્ચામાં આવ્યો હતો.
વાનખેડેમાં અકીલની તબાહી
23 એપ્રિલના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં અકીલ હોસીને મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરી દીધું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે મેદાનમાં ઉતાર્યો અને તેણે પ્રથમ ઓવરથી જ દબાણ બનાવવાનું શરૂ કર્યું. જોકે તેની શરૂઆત બીજા જ બોલે છગ્ગો ખાવાથી નબળી રહી હતી, પરંતુ ત્યારબાદના ૨૨ બોલમાં તેણે મુંબઈના બેટ્સમેનોને રન માટે ફાંફા પડાવી દીધા હતા. પોતાની 4 ઓવરના સ્પેલમાં માત્ર 17 રન આપીને તેણે 4 મહત્વની વિકેટ ઝડપી હતી, જેમાં દાનિશ માલેવર, નમન ધીર, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ જેવા દિગ્ગજોનો સમાવેશ થાય છે.
સીએસકેની ઐતિહાસિક જીત અને સંજુની સદી
અકીલની ધારદાર બોલિંગને કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ પર 103 રનના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી, જે આઈપીએલના 19 વર્ષના ઈતિહાસમાં સીએસકેની સૌથી મોટી જીત તરીકે નોંધાઈ છે. આ મેચમાં માત્ર બોલિંગ જ નહીં, પણ બેટિંગમાં પણ ધમાકો જોવા મળ્યો હતો. સ્ટાર બેટ્સમેન સંજુ સેમસને માત્ર 54 બોલમાં અણનમ 101 રન ફટકારી સીઝનની બીજી સદી નોંધાવી હતી. સંજુ અને અકીલના સંયુક્ત પ્રદર્શનને કારણે ચેન્નાઈએ વાનખેડેમાં મુંબઈના ગઢમાં ગાબડું પાડ્યું હતું.
આ પણ વાંચો: MI vs CSK IPL 2026: રન લેવા બાબતે થયો મોટો ડખો, અમ્પાયરે વચ્ચે પડવું પડ્યું! જાણો શું હતી પૂરી ઘટના