ગુજરાતના અમદાવાદમાં 21થી 27 ઓક્ટોબર 2026 દરમિયાન પ્રથમ કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ યોજાશે. આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કોમનવેલ્થના 12 દેશોની ટીમો ભાગ લેશે. પુરુષો અને મહિલાઓ એમ 2 વિભાગમાં ટાઇટલ માટે મુકાબલા થશે. સ્પર્ધાની તમામ મેચ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાશે.કબડ્ડી ભારતની લોકપ્રિય રમતોમાંથી એક છે. આ સ્પર્ધા દ્વારા તેને કોમનવેલ્થના અન્ય દેશોમાં વધુ લોકપ્રિય બનાવવાનો પ્રયાસ થશે. ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની રમત બતાવવાની તક પણ મળશે.
7 દિવસમાં 48 મેચ રમાશે
સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, 7 દિવસની આ ચેમ્પિયનશિપમાં કુલ 48 મેચ રમાશે. મેચોનું આયોજન 2 કોર્ટ પર કરવામાં આવશે, જેથી એક જ સ્થળે અલગ-અલગ મુકાબલા યોજી શકાય. પુરુષોની સ્પર્ધામાં 12 ટીમો ભાગ લેશે. આ ટીમોને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રૂપમાં 6 ટીમો રહેશે. ગ્રૂપ સ્ટેજમાં દરેક ટીમ પોતાના ગ્રૂપની અન્ય ટીમો સામે રમશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ દ્વારા ચેમ્પિયન નક્કી થશે.
મહિલાઓના વિભાગમાં 8 ટીમો
મહિલાઓની સ્પર્ધામાં 8 દેશોની ટીમો ભાગ લેશે. તેમને 2 ગ્રૂપમાં વહેંચવામાં આવશે અને દરેક ગ્રૂપમાં 4 ટીમો રહેશે. ગ્રૂપની મેચો બાદ સેમિફાઇનલ અને ફાઇનલ રમાશે.આ રીતે પુરુષો અને મહિલાઓ એમ બંને વિભાગમાં ચેમ્પિયન બનવા માટે ટીમો વચ્ચે ટક્કર થશે. મહિલાઓની સ્પર્ધા પણ આ આયોજનનો મહત્વનો ભાગ રહેશે.
27 ઓક્ટોબરે ફાઇનલ મુકાબલા
સત્તાવાર કાર્યક્રમ પ્રમાણે, 21થી 25 ઓક્ટોબર દરમિયાન ગ્રૂપ સ્ટેજની મેચો રમાશે. 26 ઓક્ટોબરે સેમિફાઇનલ યોજાશે, જ્યારે 27 ઓક્ટોબરે બંને વિભાગની ફાઇનલ રમાશે. એટલે ચેમ્પિયનશિપના અંતિમ દિવસે પુરુષો અને મહિલાઓની ચેમ્પિયન ટીમો નક્કી થશે. ફાઇનલના દિવસે મેડલ વિતરણ અને સમાપન સમારોહનું પણ આયોજન કરવામાં આવશે. મેચોનો કાર્યક્રમ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
કોમનવેલ્થ પહેલાં અમદાવાદમાં મોટી સ્પર્ધા
અમદાવાદને 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળવાની છે. આ ગેમ્સની શતાબ્દી આવૃત્તિ પહેલાં શહેરમાં કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ યોજાવાથી રમતગમતના આયોજન માટે અનુભવ મળશે.કબડ્ડીને કોમનવેલ્થ ગેમ્સમાં સ્થાન અપાવવાની ચર્ચા વચ્ચે આ સ્પર્ધા મહત્વ ધરાવે છે. જોકે, 2030ની ગેમ્સમાં કબડ્ડીનો સમાવેશ થશે કે નહીં, તે અંગેનો અંતિમ નિર્ણય અલગથી લેવાશે. હાલ અમદાવાદમાં યોજાનારી આ પ્રથમ ચેમ્પિયનશિપમાં 12 દેશોની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા જોવા મળશે.
આ પણ વાંચો: Asian Champions Trophy 2026 : નહીં રમાય ભારત પાકિસ્તાન વચ્ચે મેચ,સામે આવ્યું મોટું કારણ