આઠમી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ માટેની તૈયારીઓ તેજ બની છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીએ રવિવારે નવી દિલ્હીમાં સ્પર્ધાનો સત્તાવાર લોગો અને માસ્કોટ જાહેર કર્યો હતો. આ વખતે તેલંગાણા પ્રથમ વખત આ રાષ્ટ્રીય કક્ષાની યુવા રમતોત્સવ સ્પર્ધાનું આયોજન કરશે. 11થી 22 ડિસેમ્બર દરમિયાન યોજાનારી આ સ્પર્ધામાં આશરે 8,000 ખેલાડીઓ અને અન્ય સહભાગીઓ ભાગ લે તેવી અપેક્ષા છે.

છ શહેરોમાં યોજાશે સ્પર્ધા

ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન તેલંગાણાનાં છ શહેરોમાં કરવામાં આવશે. તેમાં હૈદરાબાદ, ખમ્મમ, કરીમનગર, હનમકોંડા, મહબૂબનગર અને નિઝામાબાદનો સમાવેશ થાય છે. આ સ્પર્ધા યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા બતાવવા અને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવવા માટેનું મોટું મંચ પૂરું પાડશે. આ વખતે કુલ 29 રમતવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં 27 સ્પર્ધાત્મક રમતો અને બે પ્રદર્શન રમતો રહેશે. તીરંદાજી, એથ્લેટિક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, સાયકલિંગ, ફૂટબોલ, હોકી, કબડ્ડી, ખો-ખો, શૂટિંગ, સ્વિમિંગ, ટેબલ ટેનિસ, ટેનિસ, વેઇટલિફ્ટિંગ અને કુસ્તી જેવી રમતોનો સમાવેશ થાય છે.

https://x.com/mansukhmandviya/status/2121918335042642335?a=X4oh_VU3_leBb1RjIMI&s=20

પહેલીવાર સોફ્ટબોલને સ્થાન

આ આવૃત્તિમાં સોફ્ટબોલને પ્રથમ વખત સ્પર્ધાત્મક રમત તરીકે સામેલ કરવામાં આવી છે. જ્યારે સેઇલિંગ અને કર્રા સામુને પ્રદર્શન રમતો તરીકે સ્થાન મળ્યું છે. કર્રા સામુ તેલંગાણાની પરંપરાગત લાકડી વડે લડવાની કળા છે.

લોગોમાં તેલંગાણાની સંસ્કૃતિની ઝલક

જાહેર કરાયેલા લોગોમાં તેલંગાણાની સાંસ્કૃતિક ઓળખ અને રમતગમતની ભાવનાને જોડવામાં આવી છે. તેમાં આઠ મુખ્ય તત્ત્વોનો સમાવેશ કરાયો છે. કેસરિયા અને લીલા રંગની દોડતી આકૃતિ ખેલો ઇન્ડિયા કાર્યક્રમ અને યુવાનોની ઊર્જા દર્શાવે છે.

આ ઉપરાંત ગાંધી ટાવર, કાકતીયા કલા તોરણમ, હુસૈન સાગર ખાતે આવેલી બુદ્ધ પ્રતિમા અને તેલંગાણાનું ઓળખચિહ્ન ગણાતું તંગેડુ ફૂલ પણ લોગોમાં સામેલ છે. સાત રમતવીરોની આકૃતિઓ અને વાદળી, લીલા તથા પીળા રંગની પટ્ટી રમતગમતમાં ગતિ, ઊર્જા અને સમાવેશની ભાવના દર્શાવે છે. લોગો સાથેનું સૂત્ર છે, 'ખેલ કા જુનૂન, તેલંગાણા કી જાન ઔર પહચાન'.

માસ્કોટનું નામ નીલમણિ

આ સ્પર્ધાના માસ્કોટનું નામ 'નીલમણિ' રાખવામાં આવ્યું છે. તે યુવાનોની ઊર્જા, ચપળતા અને દૃઢ નિશ્ચયનું પ્રતીક છે. તેના માથા પરની કલગી આગળ વધવાની ઊર્જા દર્શાવે છે, જ્યારે આંખો ધ્યાન અને બુદ્ધિનું પ્રતીક છે. તેની ચાંચ દૃઢ નિશ્ચય અને નેતૃત્વની ભાવના વ્યક્ત કરે છે.

રમતગમત દ્વારા યુવાનોને વધુ સક્રિય બનાવવા અને દેશની રમતગમત સંસ્કૃતિને મજબૂત કરવાનો આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ છે. તેલંગાણામાં યોજાનારી આ આવૃત્તિમાં દેશભરના યુવા ખેલાડીઓ વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળશે.

આ પણ વાંચો: Adventure: અરુણાચલમાં 21 દેશોના સાહસિકોનો જમાવડો, એશિયાની એકમાત્ર ક્વોલિફાયર