યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલયે લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક રમતોને ધ્યાનમાં રાખીને તમામ માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય રમત સંઘો (NSF)ને મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે. મંત્રાલયે તમામ સંઘોને ખેલાડીઓની પસંદગી માટે અપનાવવામાં આવનારા માપદંડ અને પ્રક્રિયા સહિત ઓલિમ્પિક ક્વોલિફિકેશન તથા સિલેક્શન પદ્ધતિને જાહેર કરવાની સૂચના આપી છે.

રમત મંત્રાલયે જણાવ્યું છે કે ઓલિમ્પિક, પેરાલિમ્પિક, એશિયન ગેમ્સ, પેરા એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવી મોટી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ખેલાડીઓની પસંદગી નીતિ અને માપદંડ સંપૂર્ણ પારદર્શક હોવા જોઈએ. આ નીતિ સંબંધિત રમત સ્પર્ધાના આયોજનથી ઓછામાં ઓછા 2 વર્ષ પહેલાં સંબંધિત રાષ્ટ્રીય રમત સંઘની સત્તાવાર વેબસાઈટ પર જાહેર કરવી જરૂરી રહેશે.

ઓલિમ્પિક ક્વોલિફિકેશન અને ખેલાડી પસંદગી પ્રક્રિયા પ્રકાશિત કરવા જણાવાયું

મંત્રાલયના જણાવ્યા મુજબ લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક માટે આંતરરાષ્ટ્રીય રમત મહાસંઘો દ્વારા ક્વોલિફિકેશન પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. હવે ભારતીય રાષ્ટ્રીય રમત સંઘોએ આ આધારે પોતાની પસંદગી પ્રક્રિયા અને માપદંડ તૈયાર કરીને જાહેર કરવા પડશે.

તમામ NSFને 15 જુલાઈ 2026 પહેલાં પોતાની સત્તાવાર વેબસાઈટ પર ઓલિમ્પિક ક્વોલિફિકેશન અને ખેલાડી પસંદગી પ્રક્રિયા પ્રકાશિત કરવા જણાવાયું છે. આ ઉપરાંત પસંદગી નીતિ તમામ સંલગ્ન રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના રમત સંઘો તેમજ ભારતીય રમત પ્રાધિકરણ (SAI) સાથે પણ શેર કરવાની રહેશે.

સમયસર નિયમો અને માપદંડ જાહેર થવાથી ખેલાડીઓને તૈયારી માટે યોગ્ય દિશા મળશે

રમત મંત્રાલયે જણાવ્યું કે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી વધારવાનો છે. સમયસર નિયમો અને માપદંડ જાહેર થવાથી ખેલાડીઓને તૈયારી માટે યોગ્ય દિશા મળશે અને પસંદગી પ્રક્રિયા અંગે કોઈ ગેરસમજ ઊભી નહીં થાય. લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક રમતોનું આયોજન 14 જુલાઈથી 30 જુલાઈ 2028 દરમિયાન થવાનું છે.

આ પણ વાંચો: Abhishek Sharma ઈશાન કિશનના રન આઉટ પર થયો ગુસ્સે, કહ્યું- શું કરી રહ્યો છે યાર...?