અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારા ટી-20 વર્લ્ડકપના મેચોને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મુસાફરોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં યોજાનારી હાઈ-વોલ્ટેજ મેચો દરમિયાન સ્ટેડિયમથી પરત ફરતા હજારો દર્શકોને હાલાકી ન પડે તે માટે મેટ્રોના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ક્રિકેટ ફેન્સ મોડી રાત સુધી મેટ્રો સેવાનો લાભ લઈ શકશે. ખાસ કરીને મોટેરા સ્ટેડિયમથી APMC સુધીના રૂટ પર રાત્રે 10:00 થી 12:30 વાગ્યા સુધી અને ઓલ્ડ હાઇકોર્ટથી વસ્ત્રાલ ગામ સુધીના રૂટ પર રાત્રે 12:50 વાગ્યા સુધી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવશે.
વર્લ્ડકપ ફીવર
આ ઉપરાંત, ગાંધીનગરથી આવતા દર્શકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહાત્મા મંદિર રૂટ માટે રાત્રે 11:40 અને છેલ્લી ટ્રેન 12:10 વાગ્યે ઉપડશે, જેથી દૂરના વિસ્તારોમાં રહેતા લોકો પણ સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે. સામાન્ય રીતે મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત હોય છે, પરંતુ વર્લ્ડકપના ઉત્સાહને જોતા મોડી રાત સુધી ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ સુવિધાને કારણે સ્ટેડિયમ આસપાસ ટ્રાફિકનું ભારણ ઘટશે અને લોકોને ખાનગી વાહનો કે ટેક્સીના મોંઘા ભાડામાંથી મુક્તિ મળશે.













