ભારતીય પુરુષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં સતત બીજી વખત ગોલ્ડ મેડલ જીતીને LA 2028 ઓલિમ્પિક્સમાં સીધી એન્ટ્રી મેળવી લીધી છે. હવે ટીમના મુખ્ય કોચ ક્રેગ ફુલ્ટનની નજર આગામી ઓલિમ્પિક્સની તૈયારી પર છે. ફુલ્ટને કહ્યું છે કે હોકી ઈન્ડિયા લીગ (HIL) પૂરી થયા બાદ ટીમમાં નવા ખેલાડીઓને સામેલ કરીને એક નવી ટીમ તૈયાર કરવામાં આવશે. તેમની યોજના યુવા અને અનુભવી ખેલાડીઓ વચ્ચે યોગ્ય સંતુલન બનાવવાની છે.

LA 2028 માટે અત્યારથી પ્લાનિંગ શરૂ

ક્રેગ ફુલ્ટને કહ્યું કે LA 2028 ઓલિમ્પિક્સ હવે દૂર નથી. ભલે બે વર્ષનો સમય લાંબો લાગે, પરંતુ આ સમય ઝડપથી પસાર થઈ જાય છે. તેથી ટીમ મેનેજમેન્ટે અત્યારથી જ તૈયારીનું યોગ્ય શેડ્યૂલ અને પ્લાનિંગ બનાવવું પડશે. તેમના જણાવ્યા મુજબ 2 વર્ષ પહેલાં, 1 વર્ષ પહેલાં અને ઓલિમ્પિક્સના 6 મહિના પહેલાં ટીમની તૈયારી કેવી હોવી જોઈએ તેના અલગ-અલગ તબક્કા નક્કી કરવામાં આવશે. આ દરમિયાન ખેલાડીઓના પ્રદર્શન અને ટીમની જરૂરિયાત પ્રમાણે આગળની યોજના બનાવાશે.

HIL બાદ નવી ટીમ પર નજર

ફુલ્ટને કહ્યું કે ભારતીય ટીમ પાસે હાલમાં અનુભવી ખેલાડીઓનો સારો સમૂહ છે. સાથે જ ઈન્ડિયા A અને અંડર-21 ટીમમાં પણ ઘણી પ્રતિભા છે. હવે આ યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે તક આપવાનો સમય છે. તેમણે કહ્યું કે આગામી 2-3 મહિનામાં, હોકી ઈન્ડિયા લીગ પૂરી થયા બાદ ટીમ મેનેજમેન્ટ પાસે ઉપલબ્ધ તમામ પ્રતિભાને જોવામાં આવશે. ત્યારબાદ નવા ખેલાડીઓની પસંદગી કરીને નવી ટીમ સાથે શરૂઆત કરવામાં આવશે. એટલે HIL બાદ ભારતીય હોકીમાં ઘણા નવા ચહેરાઓને તક મળવાની શક્યતા છે.

એશિયન ગેમ્સમાં ભારતે રચ્યો ઈતિહાસ

ભારતે એશિયન ગેમ્સમાં સતત બીજી વખત પુરુષ હોકીનું ગોલ્ડ મેડલ જીત્યું છે. ફાઇનલમાં ભારતે મલેશિયાને 5-1થી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે LA 2028 ઓલિમ્પિક્સ માટે સીધી ક્વોલિફિકેશન પણ મેળવી છે. આ એશિયન ગેમ્સમાં ભારતનું પુરુષ હોકીમાં કુલ પાંચમું ગોલ્ડ મેડલ છે. અગાઉ ભારતે 1966 બેંગકોક, 1998 બેંગકોક, 2014 ઈંચિયોન અને 2022 હાંગઝોઉમાં ગોલ્ડ જીત્યું હતું. આ વખતે ભારતની સફરમાં પાકિસ્તાન સામેની સેમિફાઇનલ સૌથી રોમાંચક રહી હતી. ભારતે 3-0ની લીડ મેળવ્યા બાદ પાકિસ્તાને જોરદાર વાપસી કરીને સ્કોર 3-3 કર્યો હતો. ત્યારબાદ અંતિમ મિનિટમાં અભિષેકે ગોલ કરીને ભારતને 4-3થી જીત અપાવી હતી.

ફુલ્ટને કહ્યું- પાકિસ્તાન સામે મેચ મુશ્કેલ બની હતી

પાકિસ્તાન સામેની સેમિફાઇનલ અંગે ફુલ્ટને કહ્યું કે ભારતે પ્રથમ હાફમાં સારી રમત રમી હતી, પરંતુ ત્રીજો ક્વાર્ટર મુશ્કેલ રહ્યો. પાકિસ્તાનને તક મળે તો તે તેનો ફાયદો ઉઠાવી શકે છે અને આ મેચમાં પણ એવું જ થયું. ભારતે 3-0ની લીડ ગુમાવીને મેચ 3-3 કરી દીધી હતી. ફુલ્ટને સ્વીકાર્યું કે તે સમયે ભારત પાસે કેટલીક તકો હતી, પરંતુ ટીમ તેને ગોલમાં ફેરવી શકી નહોતી. જોકે અંતિમ મિનિટમાં ટીમે ચોથો ગોલ કરીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું.

પુરુષ અને મહિલા ટીમે સાથે ગોલ્ડ જીત્યો

એશિયન ગેમ્સમાં આ વખતે ભારતીય હોકી માટે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ રહી. પુરુષ અને મહિલા બંને ટીમોએ ગોલ્ડ મેડલ જીત્યો. આ એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારત માટે પહેલી વખત હતું કે બંને હોકી ટીમોએ એક જ એડિશનમાં ગોલ્ડ જીત્યો.

ફુલ્ટને કહ્યું કે ભારત પાસે હવે સારા સંસાધનો, યુવા પ્રતિભા અને આંતરરાષ્ટ્રીય અનુભવ મેળવવાની તકો છે. હવે મુખ્ય પડકાર આ પ્રતિભાને શોધીને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે તૈયાર કરવાનો છે. તેમનું લક્ષ્ય એશિયામાં મળેલી સફળતાને હવે વિશ્વ સ્તરે પણ આગળ લઈ જવાનું છે.

આ પણ વાંચો: Hong Kong Sixes 2026 માટે ભારતની ટીમ જાહેર, ભુવી બન્યો કેપ્ટન, કૃણાલની ધમાકેદાર એન્ટ્રી!