ભારતીય પેરા એથ્લેટ નિશાદ કુમારે એશિયન પેરા ગેમ્સ 2026માં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેમણે પુરુષોની T47 લોંગ જમ્પ સ્પર્ધામાં 7.11 મીટરની છલાંગ લગાવીને પ્રથમ સ્થાન મેળવ્યું. આ સાથે નિશાદે ચાલુ ગેમ્સમાં ભારતને પેરા એથ્લેટિક્સનો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ખાસ વાત એ છે કે બે વખતના પેરાલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા નિશાદની લોંગ જમ્પમાં આ પહેલી સ્પર્ધા હતી. પહેલી જ વાર આ ઇવેન્ટમાં ભાગ લઈને તેમણે ગોલ્ડ મેડલ જીતી લીધો.

ત્રીજા અને પાંચમા પ્રયાસમાં લગાવી 7.11 મીટરની છલાંગ

27 વર્ષના નિશાદ કુમારે સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું. તેમણે પોતાના ત્રીજા અને પાંચમા પ્રયાસમાં 7.11 મીટરની છલાંગ લગાવી. આ પ્રદર્શન તેમને ગોલ્ડ મેડલ અપાવવા માટે પૂરતું સાબિત થયું. ઉઝબેકિસ્તાનના ઓમાદબેક ખાસાનોવે 6.99 મીટરની છલાંગ સાથે સિલ્વર મેડલ જીત્યો, જ્યારે શ્રીલંકાના મોહમ્મદુ સફરાને 6.55 મીટરની છલાંગ સાથે બ્રોન્ઝ મેડલ મળ્યો. 

હાઈ જમ્પમાં પણ ભારતને મેડલની આશા

નિશાદ કુમારની મુખ્ય ઇવેન્ટ હાઈ જમ્પ T47 છે. અગાઉની એશિયન પેરા ગેમ્સમાં તેમણે આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે લોંગ જમ્પમાં ગોલ્ડ જીત્યા બાદ તેઓ હાઈ જમ્પમાં પણ ભાગ લેશે. નિશાદ બે વખત પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે. તેમના અનુભવ અને અગાઉના પ્રદર્શનને જોતાં હાઈ જમ્પમાં પણ તેમના પર નજર રહેશે.

છ વર્ષની ઉંમરે ગુમાવ્યો હતો જમણો હાથ

નિશાદ કુમાર હિમાચલ પ્રદેશના અંબ વિસ્તારના રહેવાસી છે. તેઓ છ વર્ષના હતા ત્યારે પરિવારના ખેતરમાં ઘાસ કાપવાના મશીનની અડફેટે આવતાં તેમનો જમણો હાથ કપાઈ ગયો હતો. આ મુશ્કેલી છતાં તેમણે રમતગમતમાં પોતાની ઓળખ બનાવી. હાઈ જમ્પમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવ્યા બાદ હવે લોંગ જમ્પમાં પણ ગોલ્ડ જીતીને તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી છે.

આ પણ વાંચો: Asian Para Games 2026 :કોણ છે મોના અગ્રવાલ? પોલિયોને હરાવી શૂટિંગમાં જીત્યો ગોલ્ડ, દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું