ભારતીય રમતગમતમાં ચૂંટણીની પ્રક્રિયાને પારદર્શક અને નિષ્પક્ષ બનાવવા માટે ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA)એ ઉમેદવારો માટે કડક આચારસંહિતા જાહેર કરી છે. આ નિયમો હેઠળ ઉમેદવારો સોશિયલ મીડિયા સહિતના માધ્યમો દ્વારા જાહેર પ્રચાર કરી શકશે નહીં. એટલું જ નહીં, હરીફ ઉમેદવારોના અંગત જીવનની ટીકા કરવા, અપ્રમાણિત આરોપો લગાવવા અને મતદારોને ભેટ કે દાન આપવાની પણ મનાઈ કરવામાં આવી છે. આ આચારસંહિતા IOAની એથ્લેટ્સ કમિશન અને સ્પોર્ટ્સપર્સન્સ ઓફ મેરિટ (SOM)ની આગામી ચૂંટણી માટે લાગુ કરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી દરમિયાન કોઈ ઉમેદવારને ગેરલાભ કે ફાયદો ન થાય અને તમામ ઉમેદવારોને સમાન તક મળે તે સુનિશ્ચિત કરવાનો છે.
સોશિયલ મીડિયા પર પણ પ્રચાર નહીં કરી શકાય
નવી આચારસંહિતા મુજબ ઉમેદવારો પોતાની ઉમેદવારીના પ્રચાર માટે કોઈપણ પ્રકારની જાહેર પ્રસિદ્ધિનો ઉપયોગ કરી શકશે નહીં. તેમાં સોશિયલ મીડિયા અને અન્ય નવા ડિજિટલ માધ્યમોનો પણ સમાવેશ થાય છે. જાહેર સભા કે કોઈપણ પ્રકારની જાહેર બેઠક યોજીને પ્રચાર કરવાની પણ મંજૂરી નહીં હોય. જોકે, ઉમેદવારો પોતાના વિચારો, યોજનાઓ અને ચૂંટણીમાં ચૂંટાયા પછી કઈ રીતે કામ કરશે તેની માહિતી લેખિત દસ્તાવેજમાં રજૂ કરી શકશે. આ દસ્તાવેજ ચૂંટણી અધિકારી દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.
હરીફ ઉમેદવારોની અંગત બાબતો પર ટિપ્પણી કરવા પર પ્રતિબંધ
આચારસંહિતામાં ઉમેદવારોને એકબીજાની છબી ખરાબ થાય તેવા નિવેદનો આપવાથી રોકવામાં આવ્યા છે. કોઈ ઉમેદવારની ટીકા કરવી હોય તો તે માત્ર તેની નીતિઓ, કાર્યક્રમો, ભૂતકાળના રેકોર્ડ અને કામકાજ સુધી મર્યાદિત હોવી જોઈએ. અપ્રમાણિત આરોપો, ખોટી રજૂઆત અને વ્યક્તિગત જીવન સાથે જોડાયેલી ટિપ્પણીઓ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત જાતિ, ધર્મ કે સમુદાયના આધારે મત મેળવવાનો પ્રયાસ પણ કરી શકાશે નહીં.
મતદારોને ભેટ કે દાન આપ્યું તો કાર્યવાહી થઈ શકે
ચૂંટણીમાં ભ્રષ્ટ પ્રવૃત્તિઓ અટકાવવા માટે પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. ઉમેદવારો મતદારોને લાંચ આપી શકશે નહીં, તેમને ડરાવી કે દબાણ કરીને મત મેળવવાનો પ્રયાસ કરી શકશે નહીં. કોઈપણ મતદારને ભેટ, દાન, ઉપહાર કે અન્ય કોઈ પ્રકારનો લાભ આપવાની પણ મનાઈ છે. ઉમેદવારોને ચૂંટણી પ્રચારમાં વધુ પડતો ખર્ચ ન કરવા સૂચના આપવામાં આવી છે, જેથી નાણાકીય તાકાતના આધારે કોઈ ઉમેદવારને વધારાનો ફાયદો ન મળે.
3 નવેમ્બરે એથ્લેટ્સ કમિશનની ચૂંટણી
IOAની એથ્લેટ્સ કમિશન માટે 3 નવેમ્બરે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ઓલિમ્પિક મેડલ વિજેતા પી.વી. સિંધુ અને મીરાબાઈ ચાનૂનો પણ સમાવેશ થાય છે. કમિશનમાં કુલ 10 સભ્યો ચૂંટવામાં આવશે. તેમાં 5 પુરુષ અને 5 મહિલા ખેલાડીઓનો સમાવેશ થશે. આ ચૂંટણી માટે 17 નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના કુલ 34 પ્રતિનિધિઓ મતદાન કરશે. દરેક ફેડરેશનમાંથી 2 પ્રતિનિધિઓ મતદાર મંડળનો ભાગ છે.
9 નવેમ્બરે SOMની ચૂંટણી, પી.ટી. ઉષા પણ મેદાનમાં
સ્પોર્ટ્સપર્સન્સ ઓફ મેરિટ (SOM)ની ચૂંટણી 9 નવેમ્બરે યોજાશે. આ ચૂંટણીમાં 80 ખેલાડીઓમાંથી 8 સભ્યોની પસંદગી કરવામાં આવશે. તેમાં 4 પુરુષ અને 4 મહિલા ખેલાડીઓ હશે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનનાં વર્તમાન પ્રમુખ પી.ટી. ઉષાનું નામ પણ આઠ SOM સભ્યોમાં સ્થાન મેળવવા માટેના ઉમેદવારોમાં સામેલ છે. આ બંને ચૂંટણી વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે. મતદાન અને ચૂંટણી પ્રક્રિયા અંગેની અલગ સૂચનાઓ ચૂંટણી અધિકારી સંજય કુમાર શ્રીવાસ્તવ દ્વારા જાહેર કરવામાં આવશે.
ચૂંટણીના પરિણામ સામે 30 દિવસમાં જ અરજી કરી શકાશે
ચૂંટણી સંબંધિત નિયમોનું ઉલ્લંઘન થાય તો નેશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલમાં અરજી કરી શકાશે. જોકે, આવી અરજી ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા નિયમોના ઉલ્લંઘન પૂરતી જ મર્યાદિત રહેશે. ચૂંટણીનું પરિણામ જાહેર થયાના 30 દિવસની અંદર અરજી કરવી પડશે.
IOAની આ નવી આચારસંહિતા ભારતીય રમતગમતની સંસ્થાઓમાં ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Para Badminton: “બધું ધ્યાન ભટકાવવા માટેનું કાવતરું છે!” ગૌરવ ખન્નાના આક્ષેપોથી પેરા સ્પોર્ટ્સ જગતમાં ભૂકંપ