ભારતની નંબર 1 અને વિશ્વની નંબર 27 રેન્કિંગ ધરાવતી પેરા ટેબલ ટેનિસ ખેલાડી નૂરજહાં નૂરઅલી એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભિયાન શરૂ કરવા જઈ રહી છે. જેમાં યુરોપ અને એશિયાના ચાર ટુર્નામેન્ટનો સમાવેશ થાય છે, જે ઓક્ટોબરમાં જાપાનના આઈચી પ્રીફેક્ચર અને નાગોયામાં યોજાનારી એશિયન પેરા ગેમ્સ 2026 માટે તેમના ક્વોલિફિકેશન અભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.


નૂરજહાં સ્પષ્ટ લક્ષ્ય સાથે આ તબક્કામાં કરી રહી છે પ્રવેશ

ઈન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનના વર્લ્ડ પેરા ટેબલ ટેનિસ રેન્કિંગ હેઠળ ક્લાસ 7 માં વિશ્વ ક્રમાંક 27માં રહેલ નૂરજહાં સ્પષ્ટ લક્ષ્ય સાથે આ તબક્કામાં પ્રવેશ કરી રહી છે. તેનું અભિયાન 29 એપ્રિલથી 2 મે દરમિયાન મોન્ટેનેગ્રોમાં યોજાયેલા ITTF વર્લ્ડ પેરા ચેલેન્જર પોડગોરિકાથી શરૂ થયું હતું.

હવે તે 5 થી 9 મે દરમિયાન સ્લોવેનિયાના લાસ્કોમાં ઓયાજીત ITTF વર્લ્ડ પેરા ચેલેન્જરમાં ભાગ લઈ રહી છે, ત્યારબાદ તે 11 થી 15 મે દરમિયાન ITTF વર્લ્ડ પેરા એલિટ લાસ્કોમાં ભાગ લેશે, અને અંતે 17 થી 21 મે દરમિયાન તાઈવાનનામાં આયોજીત થનાર ITTF વર્લ્ડ પેરા એલિટ તાઈપેઈ સિટી ખાતે પોતાનું અભિયાન પૂર્ણ કરશે.

હાલમાં તેઓ એશિયામાં 8માં ક્રમે છે, અને હવે તેઓ ટોપ-6 માટે ક્વોલિફાય થવાનું લક્ષ્ય રાખે છે; આ તેની કારકિર્દીનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે.

નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો

પાંચ વર્ષની ઉંમરે પોલિયોની ઓળખ થયા બાદ નૂરજહાં 2022 માં સ્પર્ધાત્મક ટેબલ ટેનિસમાં પરત ફરી અને ત્યારથી જ તે રમતમાં ઝડપથી આગળ વધી રહી છે. તેને અલ્ટીમેટ ટેબલ ટેનિસ (UTT) નેશનલ પેરા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો અને આ વર્ષની શરૂઆતમાં ઈન્દોરમાં ઓયાજીત UTT પેરા સિનિયર નેશનલ ચેમ્પિયનશિપ 2025-26 નું ટાઈટલ પોતાને નામ કર્યું; આ પરિણામથી તે આ કેટેગરીમાં ભારતની નંબર 1 ખેલાડી બની ગયા.

અમદાવાદમાં રહેતા નૂરજહાં અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડમાં જુનિયર ઓફિસર તરીકે કામ કરે છે. તેઓ તાલીમ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે કંપનીએ અનુકૂળ અને કામના કલાકો અને રજાઓ સહિત સંપૂર્ણ સહાય પૂરી પાડી છે.

ખૂબ ઉંડા સમર્થન દ્વારા તેમની તૈયારીને મજબૂત બનાવવામાં આવી છે. જેમાં ટુર્નામેન્ટ પસંદગી અંગે સલાહ, ઉત્તમ કોચિંગની સુવિધાઓ, નિયમિત પ્રદર્શન દેખરેખ અને આંતરરાષ્ટ્રીય ભાગીદારી માટે નાણાકીય સહાયનો સમાવેશ થાય છે. જેના થકી તેઓ સતત ઉચ્ચ સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા છે.

આ તબક્કો મારી લાયકાત માટે મહત્વપૂર્ણ છે: નૂરજહાં

નૂરજહાંએ કહ્યું કે, "આ તબક્કો મારી લાયકાત માટે મહત્વપૂર્ણ છે. સતત સમર્થન અને યોગ્ય તાલીમના વાતાવરણ સાથે હું એશિયાના ટોપ - 6 ખેલાડીઓમાં સ્થાન મેળવવા પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છું."

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહ્યું કે "નૂરજહાંની આ યાત્રા તેની હિંમત, લડાયક ભાવના અને શિસ્તને પ્રતિબિંબિત કરે છે. રમતમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે તેની વ્યાવસાયિક જવાબદારીઓને સંતુલિત કરવાની તેની આ ક્ષમતા તેને બધા કરતા અલગ પાડે છે. અમને તેના પર ગર્વ છે અને આ મહત્વપૂર્ણ તબક્કાની તૈયારીમાં તેને ટેકો આપી રહ્યા છીએ, જેથી તે દેશને ગૌરવ અપાવી શકે." 'ગર્વ હૈ' પહેલ દ્વારા અદાણી સ્પોર્ટ્સલાઈન ઉભરતા ખેલાડીઓને ઉચ્ચતમ સ્તરે પ્રદર્શન કરવા માટે જરૂરી સંસાધનો, અનુભવ અને વાતાવરણ પૂરું પાડી રહ્યા છે. કોઈપણ સફળતા મેળવવા માટે ક્વોલિફિકેશન જરુરી હોય ત્યારે, ચાલી રહેલ આ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા નુરજહાંની વૈશ્વિક સ્તરની સફરમાં એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થશે.

આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?

  • Follow us on: