પાકિસ્તાન હોકી ફેડરેશને 5 ઓગસ્ટના રોજ FIH મેન્સ હોકી વર્લ્ડકપ 2026 માટે 20 સભ્યોની ટીમ અને મેનેજમેન્ટની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ 15 થી 30 ઓગસ્ટ દરમિયાન એમ્સ્ટલવીન, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં રમાશે.
આ મોટી ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થયા પછી પાકિસ્તાન ટીમ હવે વિશ્વના આ સૌથી મોટા હોકી પ્લેટફોર્મ પર સ્પર્ધા કરવા માટે તૈયાર છે. હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમમાં અનુભવી ઈન્ટરનેશનલ ખેલાડીઓ અને યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન 19 ઓગસ્ટના રોજ આ વર્લ્ડકપમાં એકબીજાનો સામનો કરશે.
અમ્માદ બટ્ટને કેપ્ટનશીપ પરથી હટાવવામાં આવ્યો
હોકી વર્લ્ડકપ માટે પાકિસ્તાન ટીમની જાહેરાત અનુભવી મિડફિલ્ડર અમ્માદ બટ્ટને કેપ્ટન પદેથી હટાવ્યાના લગભગ એક અઠવાડિયા પછી કરવામાં આવી છે. તે છેલ્લા 14 વર્ષથી ટીમની નેતૃત્વ કરી રહ્યો હતો. 29 જુલાઈના રોજ જાહેર કરાયેલા એક નિવેદનમાં PHFએ જણાવ્યું હતું કે તેની વ્યાવસાયિક વિકાસ સમિતિની સલાહ પર તેને અબુ બકરને પાકિસ્તાન રાષ્ટ્રીય હોકી ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે.
તે સમયે PHFએ અમ્માદ બટ્ટના રાષ્ટ્રીય ટીમ પ્રત્યેના યોગદાન અને સમર્પણની પ્રશંસા કરી હતી. ફેડરેશને એમ પણ કહ્યું હતું કે તે એક સિનિયર ખેલાડી તરીકે પાકિસ્તાન ટીમનો ભાગ રહેશે. ફેડરેશને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અબુ બકરની કેપ્ટનશીપ હેઠળ ટીમ, સિનિયર ખેલાડીઓ અને યુવા સભ્યોના અનુભવ સાથે એક મજબૂત અને સ્પર્ધાત્મક ટીમમાં વિકાસ કરશે.
હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમ અને સપોર્ટ સ્ટાફ
હોકી વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની 20 સભ્યોની ટીમ
વકાર, મુહમ્મદ અબ્દુલ્લા, મુહમ્મદ સુફિયાન ખાન, મોઈન શકીલ, અબ્દુલ વહિદ અશરફ રાણા, અબ્દુલ હનાન શાહિદ, ઝકારિયા હયાત, અરશદ લિયાકત, આદિલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, ઈમાદ શકીલ બટ્ટ, મોહમ્મદ હમદુદ્દીન અંજુમ, રહેમાન અબ્દુલ, અફરાઝ, ઉમર મુસ્તફા, અબુ બકર મહમૂદ, અલી રઝા, અબ્દુલ મટન અને મુહમ્મદ ઈમાદનો સમાવેશ થાય છે.
ગોલકીપર : વકાર અને અલી રાજા
ટીમ મેનેજમેન્ટમાં ટીમ મેનેજર મુહમ્મદ ઓવૈસ કરની, હેડ કોચ બોબ જોહાન વેલ્ધોફ (નેધરલેન્ડ), આસિસ્ટન્ટ કોચ ક્રિસ્ટોફર જોન બોવેન (ગ્રેટ બ્રિટન), આસિસ્ટન્ટ કોચ અદનાન ઝાકીર અને વીડિયો ટેકનિશિયન અશરફ સુલતાન સામેલ છે.
પાકિસ્તાન 15 ઓગસ્ટે પોતાની પહેલી મેચ રમશે
આ હોકી વર્લ્ડકપમાં પાકિસ્તાન ટીમ 15 ઓગસ્ટે એમ્સ્ટલવીનમાં ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી મેચ રમશે. ટીમની બીજી મેચ 17 ઓગસ્ટે વેલ્સ સામે થશે. પાકિસ્તાન 19 ઓગસ્ટે ભારત સામે ટકરાશે. આ વર્લ્ડકપ માટે, ભારત અને પાકિસ્તાનને પૂલ Dમાં એકસાથે રાખવામાં આવ્યા છે. આ બે ટીમો ઉપરાંત ટીમમાં ઈંગ્લેન્ડ અને વેલ્સનો પણ સમાવેશ થાય છે. તાજેતરમાં એશિયન લિજેન્ડ્સ લીગમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઈ હતી.
આ પણ વાંચો: 25 સિક્સ, 15 ચોગ્ગા અને 233 રન... અભિષેક શર્માએ મચાવી ધૂમ, બોલર્સ થયા હેરાન